પુરીની વિશ્વવિખ્યાત જગન્નાથ રથયાત્રા પર સુપ્રીમ કોર્ટની રોક

પુરીની વિશ્વવિખ્યાત જગન્નાથ રથયાત્રા પર સુપ્રીમ કોર્ટની રોક

। નવી દિલ્હી ।

સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઓડિશાના પુરી ખાતે ૨૩મી જૂનથી ૯ દિવસ માટે શરૂ થનારી જગન્નાથ મંદિરની વિશ્વવિખ્યાત રથયાત્રાના આયોજન પર રોક લગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના કારણે ફેલાયેલી મહામારીને ધ્યાનમાં લેતાં આ વર્ષે ઓડિશાના પુરી ખાતે આવેલા જગન્નાથ મંદિરમાં રથયાત્રાનું આયોજન થશે નહીં. ૨૩મી જૂને યોજાનારી રથયાત્રા પર રોક લગાવવાની માગ કરતી ઓડિશા વિકાસ પરિષદની અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ એ બોબડેના નેતૃત્વ હેઠળની બેન્ચે ઉપરોક્ત આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીને ધ્યાનમાં લેતાં રથયાત્રાને સંબંધિત તમામ પ્રવૃત્તિઓ સ્થગિત કરવાનો આદેશ આપવામાં આવે છે. જાહેર આરોગ્ય અને નાગરિકોની સુરક્ષાના હિતમાં ચાલુ વર્ષે ઓડિશાના પુરીમાં રથયાત્રાના આયોજનને પરવાનગી આપી શકાય નહીં. દેશમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે તેવા સમયમાં આ પ્રકારના મેળાવડાનું આયોજન થઇ શકે નહીં. જો આ વર્ષે અમે રથયાત્રાના આયોજનને પરવાનગી આપીશું તો ભગવાન જગન્નાથ અમને માફ નહીં કરે. ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ તેમના આદેશમાં જણાવ્યું હતું કે, આ વર્ષે રથયાત્રાને સંલગ્ન કોઇ બિનસાંપ્રદાયિક અથવા ધાર્મિક પ્રવૃત્તિ હાથ ધરી શકાશે નહીં.

લાખોના માનવ મહેરામણને પરવાનગી આપી શકાય નહીં : મુકુલ રોહતગી

અરજકર્તા ઓડિશા વિકાસ પરિષદ વતી હાજર રહેલા સોલિસિટર જનરલ મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, કોરોના મહામારી મધ્યે રથયાત્રા માટે લાખો લોકોને એકઠાં થવા દઇ શકાય નહીં. આટલી મોટી સંખ્યામાં ઉમટતા માનવ મહેરામણને નિયંત્રણમાં રાખવો તદ્દન અશક્ય છે. આ વર્ષે ઓલિમ્પિકનું આયોજન પણ સ્થગિત કરી દેવાયું છે.

કેટલીક પારંપરિક ધાર્મિક વિધિઓને પરવાનગી આપવામાં આવે : તુષાર મેહતા

અરજીનો વિરોધ કરતા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કેટલીક ધાર્મિક વિધિઓને પરવાનગી આપવાની માગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં લેતાં કેટલીક પારંપરિક ધાર્મિક વિધિઓને પરવાનગી આપવામાં આવે. ભગવાન જગન્નાથને પણ કોરોના મહામારીના કારણે અટકાવી શકાય નહીં.

ઓડિશાના પુરી ખાતે દર વર્ષે ૯ દિવસ રથયાત્રાનું આયોજન થાય છે  

ઓડિશાના પુરી ખાતે આવેલા જગન્નાથ મંદિર ખાતે ૯ દિવસ વાર્ષિક રથયાત્રાનું આયોજન થાય છે. જેમાં ભગવાન જગન્નાથ, ભગવાન બાલભદ્ર અને દેવી સુભદ્રાના રથને ગ્રાન્ડ રોડ પર આવેલા જગન્નાથ મંદિરથી અઢી કિલોમીટર જેટલાં અંતરે આવેલા ગુંદેચા મંદિર ખાતે લઇ જવામાં આવે છે. રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુ ઊમટી પડે છે.

છેલ્લે ૧૭૩૫માં મોગલો દ્વારા રથયાત્રા અટકાવવામાં આવી હતી…

૨૮૫ વર્ષ પછી પહેલીવાર પુરીમાં રથયાત્રાનું આયોજન નહીં થાય. છેલ્લે ૧૭૩૫માં મોગલો દ્વારા રથયાત્રા અટકાવવામાં આવી હતી. દરમિયાન મંદિર મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ અને પુરીના ગજપતિ મહારાજ દિવ્યસિંહ દેબે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશથી ભક્તો નિરાશ થયાં છે પરંતુ આદેશ માનવો જરૂરી છે. આવતીકાલે સમિતિના સભ્યો પુરીના શંકરાચાર્ય સાથે ચર્ચા કરશે.

સુપ્રીમના આદેશ પછી દૈતાપતિ સેવાયત જગન્નાથ સ્વાઇનમહાપાત્રાએ જણાવ્યું હતું કે, મંદિરની પરંપરા પ્રમણએ આગામી ૧૨ વર્ષ સુધી રથયાત્રાનું આયોજન નહીં થાય. જો આ વર્ષે રથયાત્રા રદ કરાશે તો તે સમગ્ર રાજ્ય માટે દુર્ભાગ્યની વાત ગણાશે.