રથયાત્રા માટે મુસ્લિમ સમાજસેવીએ કોર્ટ સમક્ષ અરજી કરી,પુરીને ટોટલ શટડાઉન કરી રથ કાઢવા મંજૂરી આપો

રથયાત્રા માટે મુસ્લિમ સમાજસેવીએ કોર્ટ સમક્ષ અરજી કરી,પુરીને ટોટલ શટડાઉન કરી રથ કાઢવા મંજૂરી આપો

  • કોર્ટ રવિવાર અથવા સોમવારે આ અરજી પર સુનાવણી કરી શકે છે
  • સુપ્રીમ કોર્ટે ગુરુવારે રથયાત્રાનું આયોજન કરવા પર પ્રતિબંધ મુક્યો હતો
  • મંદિર સમિતિની બેઠકમાં આ અંગે કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો

પુરી. જગન્નાથ રથયાત્રાના આયોજનને લઈ હજું પણ આશાનું કિરણ બાકી છે. એક મુસ્લિમ સમાજસેવીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ પુનઃવિચારણા અરજી દાખલ કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે રથયાત્રા કાઢવાની મંજૂરી આપવા અંગે સુપ્રીમે પુનઃવિચાર કરવો જોઈએ. પુરી શહેરને સંપૂર્ણ લોકડાઉન કરી મંદિરના પૂજારીઓ તથા સેવકો દ્વારા પણ આ રથયાત્રા કાઢી શકાય છે. શ્રી જગન્નાથ રથયાત્રાની પરંપરાને તૂટતી બચાવી શકાય છે. આ અરજી પર આગામી રવિવાર અથવા સોમવારે સુનાવણી થઈ શકે છે.
ગુરુવારે સુપ્રીમ કોર્ટે જાહેરહિતની એક અરજી પર સુનાવણી કરતા કોરોના વાઈરસને લીધે 23 જૂનના રોજ નિકળનારી જગન્નાથ રથયાત્રા પર પ્રતિબંધ મુક્યો હતો. આ નિર્ણય પર પુનઃવિચારણા કરવા ઓરિસ્સાના માયાગઢ જિલ્લાના આફતાબ હુસૈને શુક્રવારે એક અરજી દાખલ કરી છે. હુસૈનના વકીલ પ્રણયકુમાર મોહપાત્રાએ કહ્યું કે શ્રી જગન્નાથ મંદિરની પરંપરા અને સમગ્ર ઓરિસ્સાના લોકોની આસ્થાને ધ્ચાનમાં રાખી સુપ્રીમ સમક્ષ આ અરજી કરવામાં આવી છે.

અમે આ અરજીમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ માંગ કરી છે કે 23 જૂનના રોજ સમગ્ર શહેરને શટડાઉન કરવામાં આવે. કોઈ પણ વ્યક્તિને ઘરની બહાર નિકળવા માટે પરવાનગી આપવામાં ન આવે. મંદિરમાં 1,172 સેવક છે. આ તમામનો કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યો છે, જે નેગેટિવ આવ્યોછે. ત્રણેય રથને ખેંચવા માટે 750 લોકોની જરૂર પડે છે. મંદિર પાસે 1,172 સેવક છે.આ લોકો જ રથયાત્રાના રથોને ખેંચી ગુંડિયા મંદિર સુધી લઈ જઈ શકે છે.આ રીતે રથયાત્રા બહારના લોકોની સામેલગીરી વગર પણ કાઢી શકાય છે.

પુરીના શંકરાચાર્યએ પણ પુનઃવિચારણા કરવા કહ્યું
પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ પણ કહ્યું છે કે કોર્ટે તેના ચુકાદાને લઈ પુનઃવિચારણા કરવી જોઈએ. લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી રાથયાત્રા પર પ્રતિબંધ લગાવવાનું સ્વાગત યોગ્ય છે, પણ કોઈ વચલો માર્ગ કાઢવો જોઈએ, જેથી શ્રી મંદિરની પરંપરા ન તૂટે.

ગુરુવારે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો
ગુરુવારે સુપ્રીમ કોર્ટે ભુવનેશ્વની NGO ઓરિસ્સા વિકાસ પરિષદની અરજી પર ચુકાદો આપ્યો હતો કે આ વર્ષ ઓરિસ્સામાં ક્યાંય પણ રથયાત્રાનું આયોજન ન કરવામાં આવે. ચીફ જસ્ટિસ એસએ બોબડેએ કહ્યું હતું- જો કોરોના વચ્ચે આ વર્ષે અમે રથયાત્રા કાઢવાની પરવાનગી આપશું તો ભગવાન જગન્નાથ અમને માફ નહીં કરે.

મંદિર સમિતિની બેઠકમાં પણ કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ શુક્રવારે મંદિર સમિતિની બેઠક સવારે 11 વાગે યોજાઈ હતી. તેમાં કોઈ જ પ્રકારનો નિર્ણય લઈ શકાયો ન હતો. સાંજે 6 વાગે ફરી બેઠક યોજાઈ રહી છે. મંદિર સમિતિ આ મુદ્દે પુરીના શંકરાચાર્ય પાસેથી માર્ગદર્શન લઈ રહ્યા છે