ઇંગ્લેન્ડમાં ગેરકાયદે રહેતા 60 હજાર પંજાબી ગુરુદ્વારાઓના સહારે, વિદ્યાર્થીઓની પણ મુશ્કેલીઓ વધી

ઇંગ્લેન્ડમાં ગેરકાયદે રહેતા 60 હજાર પંજાબી ગુરુદ્વારાઓના સહારે, વિદ્યાર્થીઓની પણ મુશ્કેલીઓ વધી

  • ટેક્સ પેયર્સને 80 ટકા સેલરી મળી પણ બીજા દેશોમાંથી આવેલા સ્ટુડન્ટ્સની કોઇએ ચિંતા ન કરી
  • હોટલ, રેસ્ટોરન્ટ અને ટેક્સી જેવા કામ હજુ 50-60 ટકા જ શરૂ થયા છે
  • એક લાખથી વધુ ગેરકાયદે ભારતીયો માટે કોરોનાથી મોટું જોખમ ભૂખ

લંડન. કોરોનાકાળમાં ઇંગ્લેન્ડમાં રહેતા અને કમાતા પંજાબીઓની હાલત ખરાબ થઇ રહી છે. ખાસ કરીને ગેરકાયદે રીતે આવેલા પંજાબીઓની. કોરોના બાદ બધું જ બદલાઇ ગયું છે. પીએમ બોરિસ જોનસને પહેલાં કહ્યું, ઓલ ઇઝ વેલ… પણ મોત વધતા ગયા તેમ-તેમ તકલીફો વધતી ગઇ. બ્રિટને ભારતને જણાવ્યું કે તમારા 1 લાખથી વધુ લોકો અહીં ગેરકાયદે રહે છે, જેમાંથી 60 ટકા પંજાબી છે. પહેલાં અહીં કલાકદીઠ 8.21 પાઉન્ડ મતલબ કે માસિક 1.62 લાખ રૂ. મિનિમમ સેલરી હતી. સરકારે ટેક્સ પેયર્સને કુલ સેલરીના 80 ટકા આપીને મદદ કરી. ઇંગ્લેન્ડમાં જન્મેલા કુલબીર સિંહે ભાસ્કરને જણાવ્યું કે ગેરકાયદે રહેતા પંજાબીઓ ગુરુદ્વારાઓના સહારે છે. સ્ટુડન્ટ્સ તો મિનિમમ 250 પાઉન્ડ (24 હજાર રૂ.) ભાડું પણ ચૂકવી શકે તેમ નથી. તેઓ ઘરે જઇ શકતા નથી કે અહીં સારી રીતે રહી પણ શકતા નથી.

ડ્રાઇવરોને બચાવવાનો નવો રસ્તો
ઘણા ડ્રાઇવરોના મોત બાદ નિ:શુલ્ક બસ સર્વિસ શરૂ થઇ. માસ્ક, પાછલા દરવાજેથી ઉતરવું ફરજિયાત કરાયું. વિશાલ સરોયાએ જણાવ્યું કે કોરોનાથી ટ્રાન્સપોર્ટ ફોર લંડનના 26 કર્મચારીના મોત થયા.

કોલેજ, યુનિ. બંધ, હવે માત્ર ઘરવાપસી જ રસ્તો
ઇંગ્લેન્ડમાં 10 વર્ષથી રહેતા ફિરોજપુરના રાકેશ કુમારે જણાવ્યું કે પંજાબના સ્ટુડન્ટ્સની સૌથી મોટી તકલીફ ભાડું ભરવાની છે. લોકેશન પ્રમાણે 250થી 350 પાઉન્ડ સુધીના ભાડાવાળી રૂમમાં સ્ટુડન્ટ્સ રહે છે. યુનિ. બંધ થતાં સ્ટડી શેડ્યૂલ ખોરવાઇ ગયા છે. ઘણા સ્ટુડન્ટ્સ લંગરમાં જમીને દિવસો કાઢે છે. ખાલસા એઇડ અને સેવા સંસ્થાઓએ મદદ પહોંચાડી.

વર્કર્સ માટે ખરું સંકટ જુલાઇથી
નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલુમની યુનિયનની હેડ સનમ અરોડાના કહેવા મુજબ કેટલાક વિદ્યાર્થીઓએ જલદી ઘરે જવા ન મળે તો જીવ આપવાની વાત કરી દીધી. તેમનું કાઉન્સેલિંગ કરાયું. વર્કર્સ માટે ખરું સંકટ જુલાઇથી હશે. સરકારનું કહેવું છે કે એમ્પ્લોયર્સ જુલાઇથી ઓક્ટો. સુધી ફર્લો સ્ટાફને સેલરીમાં યોગદાન આપે. એવામાં છટણી થઇ શકે છે.

ગેરકાયદે રહેતા ભારતીયો રોજના 20 પાઉન્ડ કમાતા હતા
બ્રિટનમાં 1 લાખથી વધુ ભારતીયો ગેરકાયદે રીતે રહે છે. બ્રિટિશ સરકાર મોદી સરકાર સમક્ષ આ મુદ્દો ઊઠાવી ચૂકી છે. લંડનમાં રહેતા જાલંધરના વિશાલ સરોયાએ જણાવ્યું કે કોરોના પહેલાં ગેરકાયદે રહેતા ભારતીયો રોજ 20 પાઉન્ડ કમાતા. હાલ તેમની પાસે કામ નથી. ડોક્યુમેન્ટ્સ ન હોવાથી તેઓ સરકાર પાસે મદદ માગી શકતા નથી, જેથી ધાર્મિક-સામાજિક સંસ્થાઓ પર નિર્ભર છે. તેમાંથી મોટા ભાગના પંજાબી છે. બેરોજગારી અને ભૂખથી કંટાળીને કેટલાક લોકોએ એમ કહીને શરણ માગ્યું છે કે ભારતમાં જીવનું જોખમ છે.

ગેરકાયદે રહેતા વર્કર્સને ચોથા ભાગનો પગાર પણ નહીં
આ લોકો રેસ્ટોરન્ટ, ફેક્ટરી, હોટલ, કન્સ્ટ્રક્શન તથા બિલ્ડિંગ સેક્ટરમાં કાર્યરત છે. સરકારે 1 કલાકનું લઘુત્તમ વેતન 8.21 પાઉન્ડ કર્યું છે પણ આમને તેના ચોથા ભાગનું વેતન પણ નથી મળતું.

બીજા દેશોના વર્કર્સના બદલે ઇંગ્લેન્ડના વર્કર્સને જ પ્રાથમિકતા
સરકાર પર બ્રિટિશરને જ રોજગારી આપવાનું દબાણ છે. સ્કોટલેન્ડમાં રહેતા કુલબીર સિંહે કહ્યું કે વિદેશના વર્કર્સની જરૂરિયાત પૂરી થઇ શકે તેમ નથી. નેશનલ હેલ્થ સર્વિસમાં 12 ટકા નોન-બ્રિટિશ છે.