ફરી એકવાર કોંગ્રેસનો પનો ટૂંકો, ભરત સોલંકીનો ગરબો ઘેર, કોંગ્રેસે આંતરિક ટાંટિયાખેંચમાં BTPનો સાથ ગુમાવ્યો

ફરી એકવાર કોંગ્રેસનો પનો ટૂંકો, ભરત સોલંકીનો ગરબો ઘેર, કોંગ્રેસે આંતરિક ટાંટિયાખેંચમાં BTPનો સાથ ગુમાવ્યો

રાજ્યસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસે ધારાસભ્યોને તૂટતા રોકવા માટે હોટેલ-રિસોર્ટનો આશરો લીધો હતો, જેની પાછળ આશરે રૂ. ૫૫ લાખથી વધુનો ખર્ચ થયો છે, જોકે ચૂંટણી પરિણામોમાં ભરત સોલંકીની હાર થતાં કોંગ્રેસને ધારાસભ્યોની સરભરા પાછળનો ખર્ચ માથે પડયો છે.

ગુજરાત કોંગ્રેસના ૬૫ ધારાસભ્યો અને અન્ય સિનિયર નેતાઓને ત્રણ દિવસ અમદાવાદ એરપોર્ટ નજીકની એક આલિશાન હોટેલમાં ઉતારો અપાયો હતો, જેની પાછળ ૧૮ લાખથી વધુનો ખર્ચ થયો છે, એટલું જ નહિ પરંતુ લોકડાઉન પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોને રાજસ્થાનના જયપુર સ્થિત એક આલિશાન રિસોર્ટમાં કેદ કરાયા હતા, આઠ-નવ દિવસ તમામ ધારાસભ્યોને ઉતારો અપાયો હતો,

જોકે ચૂંટણી પાછી ઠેલાતાં ધારાસભ્યોને ગુજરાત પરત બોલાવાયા હતા, અમદાવાદની હોટેલમાં તમામને સાથે ઉતારો અપાયો એ પહેલાં પણ ઝોનવાઈન ધારાસભ્યોને અલગ અલગ ફાર્મ-રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા, જે તમામ પાછળ અંદાજે રૂ. ૩૭ લાખથી વધુનો ખર્ચ થયો છે, સૂત્રો કહે છે કે, હકીકતે તો આના કરતાં વધુ તગડી રકમનો ખર્ચ છે પરંતુ રાજકીય પક્ષના હિસાબે ડિસ્કાઉન્ટ સાથે રૂ. ૫૫ લાખ જેટલો ખર્ચ થયો છે.

વધુ ધારાસભ્યો ના તૂટે એટલા માટે ધારાસભ્યોને એક સાથે કેદ કરાયા હતા, અલબત્ત, કોંગ્રેસના ૮ ધારાસભ્યોએ ઉપરા છાપરી ધારાસભ્ય પદેથી રાજીનામા આપ્યા હતા. એ પછીયે કોન્ફિડેન્સ સાથે બંને ઉમેદવારની જીતના દાવા કરતાં રહ્યા હતા, જોકે એ દાવાની શુક્રવારે રાતે હવા નીકળી ગઈ હતી.

ભરત સોલંકીનો ગરબો ઘેર, સતત ત્રીજી વખત પરાજયનો સ્વાદ ચાખવાનો વારો આવ્યો

અમદાવાદરાજ્યસભાની ચૂંટણીના પરિણામ પહેલાં ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ કોન્ફિડન્સ સાથે દાવો કરતાં હતા કે, અમારા બંને ઉમેદવારો જીતશે, જોકે રાજ્યસભાની આ ચૂંટણીમાં ભાજપે ભરતસિંહ સોલંકીનો ખેલ પાડી દીધો છે, ભરતસિંહ સોલંકીની આ સતત ત્રીજી હાર છે, વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પણ ભરત સોલંકી હારી ગયા હતા, એ પછી હવે રાજ્યસભાની ચૂંટણીમાં પણ હારનો સ્વાદ ચાખવો પડયો છે. કોંગ્રેસના ધારાસભ્યોને સાચવી રાખવામાં પણ પ્રદેશ કોંગ્રેસ-આખી ટીમ નાકામ રહી છે. આખરે ભરતસિંહનો ગરબો ઘેર આવ્યો છે.

કોંગ્રેસે આંતરિક ટાંટિયાખેંચમાં ધારાસભ્યો પછી હવે BTPનો સાથ પણ ગુમાવી દીધો

વર્ષ ૨૦૧૭માં રાજ્યસભાની ચૂંટણીમાં બીટીપીના છોટુ વસાવાએ કોંગ્રેસને મત આપીને એહમદ પટેલને જીતાડયા હતા, જોકે ૨૦૨૦ની આ રાજ્યસભા ચૂંટણીમાં બીટીપીએ પોતાના બે વોટનો ઉપયોગ નહિ કરીને ભાજપની જીત વધુ સરળ કરી આપી છે. એક રીતે કોંગ્રેસ પણ બીટીપીને મનાવવામાં નિષ્ફળ ગઈ છે, બીટીપીએ છેલ્લે વર્ષ ૨૦૧૯માં લોકસભાની ભરૂચ બેઠક પર લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી,

જોકે કોંગ્રેસે બીટીપી માટે બેઠક ખાલી કરી નહોતી, એ પછી કોંગ્રેસથી બીટીપી નારાજ હતું. આમ કોંગ્રેસ હાઈકમાન્ડ, પ્રદેશના નેતાઓ બીટીપીને મનાવવામાં નાકામ રહ્યા છે. ચૂંટણીના દિવસે શુક્રવારે રાજીવ સાતવ સહિત કોંગીના ધારાસભ્યો બીટીપીના વસાવાને મળવા બે વાર દોડી ગયા હતા પરંતુ વસાવા માન્યા નહોતા. આમ બીટીપી અમારી પડખે છે તેવી ડંફાશો મારતાં કોંગ્રેસના નેતાઓ ભોંઠા પડયા છે.

તો બીજી તરફ કોંગી વર્તુળો એવું પણ માને છે કે, ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં બીટીપી-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન હતું તેમ છતાં અમને વોટ નહિ આપીને અમારી પીઠ પર ખંજર ભોંક્યું છે, બીટીપી એક રીતે ભાજપના ખોળે બેસી ગયું છે. એક સૂર એવો પણ છે કે, ખુદ એહમદ પટેલ રાજ્યસભાની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તેમણે પોતે અને આખી કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું હતું,

આ વખતે બીટીપી માટે મહેનત કરી પણ જે એડીચોટીનું જોર લગાવવું જોઈએ તેવું કંઈ દેખાયું નહતું. કોંગ્રેસ પક્ષમાં જ અંદરો અંદરની જૂથબંધી-ટાંટિયાખેંચનું રાજકારણ તેની પાછળ કારણભૂત હોવાનો પણ કોંગ્રેસમાં જ સૂર છે.