સ્વિત્ઝર્લેન્ડની ટ્રેનમાં કોઈ ત્રણ કિલો સોનું ભૂલી ગયું!

સ્વિત્ઝર્લેન્ડની ટ્રેનમાં કોઈ ત્રણ કિલો સોનું ભૂલી ગયું!

બિનવારસી મળી આવેલા સોનાની કિંમત 2.78 લાખ ડોલર છે

ઓક્ટોબર-૨૦૧૯માં ટ્રેનમાંથી મળી આવેલા સોના અંગે કોઈ દાવેદાર આગળ ન આવતાં આખી ઘટના બહાર આવી

ઝુરિચ, તા.18 જૂન 2020, ગુરુવાર

ટ્રેનમાં ઘણા ભૂલકણાં લોકો પોતાની બેગ-બિસ્તરા કે મોબાઈલ-વોલેટ જેવી ચીજો ભૂલી જતાં હોય છે. જોકે, કોઈ ટ્રેનમાં જથ્થાબંધ સોનું ભૂલીને જતું રહે તેવી તો કલ્પના પણ થઈ શકે તેમ નથી. પણ આવી ઘટના સ્વિત્ઝર્લેન્ડમાં બની છે. જ્યાં એક ટ્રેનમાંથી અધધધ કહી શકાય તેવું ત્રણ કિલો સોનું બિનવારસી મળી આવ્યું હતુ, જેની કિંમત હાલમાં ૨.૭૮ લાખ ડોલર થવા જાય છે. (ભારતીય રૂપિયામાં આશરે ૨.૧૨ કરોડ)

સ્વિત્ઝર્લેન્ડના અધિકારીઓ હવે આ ત્રણ કિલો સોનાના સાચા માલિકને શોધી રહ્યા છે. રસપ્રદ બાબત એ છે કે, આ સોનું અધિકારીઓને ગત વર્ષે ઓક્ટોબરમાં મળ્યું હતું અને તેમણે રેલવે સ્ટેશનોના સીસીટીવી ફૂટેજ તેમજ ટિકિટોની વિગતોની ઊંડાણપૂર્વકની ચકાસણી કરી હતી, છતાં તેના માલિકની માહિતી ન મળતાં આખરે આખી વાત જાહેર કરવી પડી હતી. 

અધિકારીઓએ કરેલી જાહેરાત અનુસાર સેંટ. ગાલેન થી લુસેર્ને વચ્ચે મુસાફરી કરનાર કોઈ વ્યક્તિ આ સોનું ટ્રેનમા ભૂલી ગઈ છે. આ બંને સ્થળો વચ્ચેનું અંતર ૯૦ કિલોમીટરનું છે અને રેલવેમાં બંને વચ્ચેનું અંતર કાપતા બે કલાકનો સમય લાગે છે. સ્વિત્ઝર્લેન્ડના નિયમ અનુસાર આ સોનાનો માલિક પાંચ વર્ષ સુધી તેના પર પોતાનો દાવો કરી શકશે. જો પાંચ વર્ષમાં કોઈ દાવો નહી કરે તો તેણે તેનો હક્ક ગુમાવવો પડશે.

જોકે સોનું મેળવવાની લાલચમાં તેના પર દાવો કરનારા વ્યક્તિની ખરાઈની ચકાસણી અધિકારીઓ કેવી રીતે કરશે તે એક પ્રશ્ન છે. જોકે આ અંગે તેઓ પોલીસની તેમજ અન્ય સત્તાધીશોની મદદ લેશે તે નક્કી મનાય છે.