અમેરિકા – અશ્વેત નર્સનાં મોતના વિરોધમાં કન્ટકીમાં દેખાવો, ૧૨ રાઉન્ડ પોલીસ ગોળીબારમાં ૧નું મોત

અમેરિકા – અશ્વેત નર્સનાં મોતના વિરોધમાં કન્ટકીમાં દેખાવો, ૧૨ રાઉન્ડ પોલીસ ગોળીબારમાં ૧નું મોત

। વોશિંગ્ટન ।

અમેરિકાના લૂઇસવિલેમાં શનિવારે આફ્રિકન મૂળની નર્સ બ્રિયોના ટેલરના મોતના મુદ્દે પોલીસ સામે દેખાવો કરી રહેલા લોકો પર પોલીસે ૧૨ રાઉન્ડ ગોળીબાર કરતાં એક દેખાવકારનું મોત થયું હતું અને એક વ્યક્તિને ઇજા થઇ હતી. કેન્ટકીના જેફરસનના સ્ક્વેયર પાર્કમાં આ દેખાવોનું આયોજન કરાયું હતું. ૧૩ માર્ચના રોજ લુઇસવિલેમાં પોલીસના ગોળીબારમાં અશ્વેત મહિલા બ્રિયોના ટેલરનું મોત થયું હતું. ૨૬ વર્ષીય બ્રિયોના મેડિકલ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતી હતી. પોલીસે ડ્રગ્સની દાણચોરીના આરોપસર તેના ઘર પર દરોડા પાડયા હતા. પોલીસ મુખ્ય દરવાજો તોડી રહી હતી ત્યારે બ્રિયોનાના બોયફ્રેન્ડે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. બચાવમાં પોલીસે કરેલા ગોળીબારમાં બ્રિયોનાને ૮ ગોળી વાગી હતી. પોલીસને બ્રિયોનાના ઘરમાંથી કોઇ માદક દ્રવ્યો મળી આવ્યાં નહોતાં.

બ્રિયોનાના મોતનો વિરોધ કરવા કન્ટકીના જેફરસનના સ્ક્વેયર પાર્કમાં આ દેખાવોનું આયોજન કરાયું હતું. દેખાવકારોને વિખેરવા પોલીસ દ્વારા ૧૨ રાઉન્ડ ગોળીબાર કરાયું હતું. પોલીસે ગોળીબાર કરતાં ભારેે દોડધામ મચી હતી. લુઇસવિલે મેટ્રો પોલીસના જણાવ્યા અનુસાર ગોળીબારમાં એક વ્યક્તિનું સ્થળ પર જ મોત થયું હતું.

કેલિફોર્નિયાના વોલમાર્ટમાં ગોળીબાર, એકનું મોત

કેલિફોર્નિયાઃ અમેરિકાના કેલિફોર્નિયામાં રિટેલ ચેઇન વોલમાર્ટમાં શનિવારે થયેલા ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે અન્ય ચારને ઇજા થઇ હતી. પોલીસે હુમલાખોરને પણ ઠાર માર્યો હતો. લોકોના જણાવ્યા પ્રમાણે તેઓએ ૫૦ થી ૬૦ રાઉન્ડ ગોળી છોડાયાના અવાજ સાંભળ્યા હતા. આ ગોળીબાર કર્મચારીઓની શિફ્ટ બદલાઇ રહી હતી, ત્યારે થયો હતો. બપોરે ત્રણ વાગ્યા પછી હુમલાખોર વોલમાર્ટમાં ઘૂસ્યો હતો અને તેણે અંધાધૂંધ ગોળીબાર કરવા માંડયો હતો. ઘટના સમયે વોલમાર્ટમાં ૨૦૦ લોકોનો સ્ટાફ હતો.