૮૭ વર્ષમાં પહેલી વાર મુંબઇમાં લાલ બાગ ચા રાજાના દર્શન આ વર્ષે નહીં થાય

૮૭ વર્ષમાં પહેલી વાર મુંબઇમાં લાલ બાગ ચા રાજાના દર્શન આ વર્ષે નહીં થાય

। મુંબઇ ।

કોરોનાના વધતા જતા કેરને કારણે મુંબઇના વિખ્યાત લાલ બાગચા રાજા ગણેશોત્સવ મંડળે આ વર્ષે ગણપતિ ઉત્સવ નહીં મનાવવાનો નિર્ણય કર્યો છે. લાલ બાગચા રાજાના દર્શન કરવાથી દૂર દૂરથી લોકો મુંબઇ જતા હોય છે. ૮૭ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત લાલ બાગચા રાજા તરીકે જાણીતા ગણેશજીના દર્શન આ વર્ષે થશે નહીં.  લાલ બાગચા રાજા ગણેશોત્સવ મંડળના સચિવ સુધીર સાલ્વીએ કહ્યું કે, આ વર્ષે મંડળે ગણેશ ઉત્સવ નહીં મનાવવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષે અમે સ્વાસ્થ્ય ઉત્સવની જેમ તે મનાવીશું. મંડળ કોરોનાના દર્દીની સારવાર માટે મુખ્યમંત્રી રાહત ભંડોળમાં પણ ૨૫ લાખનો ફાળો આપીશું.

અહીં ઉત્સવ દરમિયાન લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા ઊમટી પડે છે. એ સંજોગોમાં મૂર્તિનું સ્થાપન કરવામાં આવે તો લોકો મોટી સંખ્યામાં ઊમટી પડે અને તેને કારણે કોરોનાના સંક્રમણનું જોખમ વધી જઈ શકે છે, તેથી આ વર્ષે ગણેશ ઉત્સવ રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

દસ દિવસ રક્તદાન તથા પ્લાઝમા દાન શિબિરનું આયોજન 

ગણેશ ઉત્સવના ૧૦ દિવસ દરમિયાન અમે રક્તદાન શિબિર યોજીશું અને પ્લાઝમા ડોનેશન માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે જાગ્રતિનું કામ કરીશું. કેઇએમ હોસ્પિટલની સાથે મળીને પ્લાઝમા દાનની શિબિર યોજાશે. પ્લાઝમાનું દાન કરવા આવનારાઓનું સ્ક્રીનિંગ કરાશે અને તેને ડેટા પણ તૈયાર કરાશે.

ત્રણ કલાકની મિટિંગમાં ‘દેશ જ દેવ’નો નિર્ણય લેવાયો 

૮૬ વર્ષ જૂની પરંપરા તોડવાનો નિર્ણય લેવો પણ આસાન ન હતો. આ અંગે નિર્ણય લેવા માટે મંડળના ૧,૨૦૦ સભ્યોની મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગ ઝૂમ એપ પર સવારે ૯ વાગ્યે શરૂ થયેલી અને બપોરે ૧૨ વાગ્યા સુધી ચાલેલી મિટિંગમાં તમામ સભ્યો એક જ વાતે સહમત હતા કે તેમના માટે દેશ જ દેવ છે. આખરે, મંડળે આ વર્ષે ગણેશજીનું સ્થાપન નહીં કરવા માટે નિર્ણય લીધો હતો.

ગાલવાન ઘાટીમાં શહીદ થયેલા પરિવારોનું સન્માન કરાશે 

હાલમાં ચીન સાથે સરહદે વિવાદ ચાલે છે, ત્યારે ગત ૧૫મી જૂને ગાલવાન ઘાટીમાં શહીદ થયેલા ભારતીય જવાનોના પરિવારોનું સન્માન કરાશે.

૧૯૩૪માં ગણેશમંડળની સ્થાપના । લાલ બાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળની સ્થાપના વર્ષ ૧૯૩૪માં કરાઈ હતી. અહીં ૧૪ ફૂટ ઊંચી ગણપતિ બાપાની મૂર્તિનું સ્થાપન કરાતું આવ્યું છે. દર વર્ષે ગણેશજીની મૂર્તિ એકસરખી જ હોય છે, પરંતુ થીમ બદલાતો રહે છે.