રાજ્ય સરકારનો તઘલખી તુક્કો! બીજા રોગ હોય તેવા દર્દીનું મૃત્યુ એ કોરોનાથી ન ગણાય!

રાજ્ય સરકારનો તઘલખી તુક્કો! બીજા રોગ હોય તેવા દર્દીનું મૃત્યુ એ કોરોનાથી ન ગણાય!

ગુજરાતમાં કોરોના વાઈરસને કારણે ખરેખર મૃત્યુઆંક ઘટયો નથી. પરંતુ, રાજ્ય સરકારે ICMRની નવી માર્ગર્દિશકાની આડમાં એવો તઘલખી તુક્કો અમલી બનાવ્યો છે કે, ડાયાબિટીસ, હાર્ટ કે અન્ય રોગ ધરાવતા કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્યુ થાય તો તેની ગણતરી કોરોનાથી થયેલા મૃત્યુના આંકમાં કરવી નહીં અને એ રીતે આંકડા જાહેર કરવા. પરિણામે, ગુજરાતમાં જાણે કોરોનાને લીધે થતા મૃત્યુની સંખ્યા ઘટી રહી હોય અથવા નિયંત્રણમાં હોય તેવું આભાસી ચિત્ર ઉભું કરાયું છે.

જૂન મહિનાના પહેલા સપ્તાહે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ- ICMRએ તમામ રાજ્યોને કોવિડ૧૯ને કારણે થતા મૃત્યુ પાછળના કારણો શોધવા અને તેના આધારે પ્રાથમિક સ્તરે આ વાઈરસને કારણે થતા મૃત્યુને અલગ તારવીને તે ડેટા નેશનલ ટ્રેકર www.covid19india.org ફિડ કરવા સુચના આપી હતી. ગુજરાતમાં આ સુચનાની આડમાં કોરોના વાઈરસનો ચેપ લાગ્યા પહેલા કેન્સરની સારવાર કે ડાયાલિસિસ સહિતના કો-મોર્બિડ અવસ્થા ધરાવતા દર્દીઓના મૃત્યુના કિસ્સાઓને પણ છુપાવવાનો, રાજ્યના કૂલ મૃત્યુમાંથી બાકાત રાખવાનો ખેલ શરૂ થયો છે. આ કારણોસર ૧૯મી જૂનના રોજ ૨૭ જેટલા મૃત્યુ જાહેર થયા બાદ અચાનક જ દૈનિક સરેરાશ મૃત્યુઆંક ૧૯-૨૦ આસપાસ રહેતો હોવાનું જિલ્લા સ્તરે જમીન પર કાર્યરત આરોગ્ય અધિકારીઓનું કહેવુ છે.

ટોચના અધિકારીઓના કહેવા મુજબ ICMRની ડેટા ફિડીંગની નવી સુચના બાદ ત્રણેક સપ્તાહથી હોસ્પિટલોમાં ત્રણ તજજ્ઞા તબીબોની ડેથ ઓડિટ કમિટી મૃત્યુના કિસ્સામાં ખરેખર કોરોના વાઈરસથી મૃત્યુ થયુ છે બીજી કોઈ બિમારીને કારણે ? તેનુ વિશ્લેષણ કરે છે. જેમાં પ્રાથમિક તારણ કોવિડ૧૯ વાઈરસ હોય તો તેનો કોરોના મહામારીથી થતા મૃત્યુમાં સમાવાય છે પરંતુ જો હાર્ટ એટેક, બીજા રોગની ચાલુ સારવાર કે સર્જરી પૂર્વે અગાઉ ચેપ લાગે અને મૃત્યુ થાય ત્યારે પ્રાથમિક કારણ કો-મોર્બિડ અને બીજુ કારણ કોરોના ગણીને કૂલ મહામારીના કુલ મૃત્યુઆંકમાં તેનો ઉલ્લેખ થતો નથી.

હાયપર ટેન્શન, ડાયાબિટીસ હોય તો કો-મોર્બિડિટીથી મૃત્યુ ગણે છે

ચેપ લાગ્યા પહેલાથી જ નાગરીક હાયપર ટેન્શન, ડાયાબિટિશ જેવી સામાન્ય બિમારી ધરાવતા હોય અથવા તો ભૂતકાળમાં બાયાપાસ સર્જરી સહિતની ટ્રીટમેન્ટ લઈ ચૂક્યા હોય તો તેવા કિસ્સામાં થતા મૃત્યુમાં પ્રાથમિક કારણ કોવિડ૧૯નું ગણીને જ કૂલ મૃત્યુઆંકમાં તેનો સમાવેશ કરવામાં આવે છે પરંતુ. ડાયાબિટિસને કારણે કિડની ફેલ હોય અને ડાયાલિસિસ ચાલતુ હોય તેવામાં ચેપ લાગે અને મૃત્યુ થાય તેમાં પ્રાથમિક સ્તરે કો-મોર્બિડ મૃત્યુ ગણીને કૂલ મૃત્યુ આંકમાં ઉમેરો થતો નથી. તેવી જ રીતે માર્ગ અકસ્માત સહિતની ઘટનાઓમાં ગંભીરપણે ઘવાયેલા કિસ્સામાં ચેપ લાગ્યો હોય તો પણ તેમાં પ્રાથમિક કારણ કો-મોર્બિડ ગણવામાં આવે છે.

પુરાવા છતાં અગ્રસચિવ ડો.જંયતિ રવિનો ધરાર નનૈયો

IMCRની ડેથ ઓડિટ પ્રક્રિયાની આડમાં કો- મોર્બિડ અવસ્થામાં મૃત્યુ પામતા નાગરીકોને કોરોનાને કારણે થતા મોતમાં સમાવાતા નથી અને હવે મોતના આંકડા પણ છુપાવાય છે, તે આરોગ્ય વિભાગના જ સત્તાવાર આંકડાનો અભ્યાસ કરતાં પુરવાર થતું હોવા છતાં આ અંગે આરોગ્ય અગ્રસચિવ ડો.જંયતિ રવિ ધરાર નનૈયો ભણી રહ્યા છે. એમણે કહ્યુ કે, દરેક હોસ્પિટલોમાં ડોક્ટરોની પેનલો મૃત્યુ પાછળ પ્રાથમિક સ્તરે કોરોના વાઈરસ જવાબદાર છે કે કેમ તેનો નિર્ણય કરે છે. કો-મોર્બિડ મૃત્યુ પણ કૂલ મૃત્યુમાં ઉમેરાય જ છે એટલે એવુ ન કહી શકાય કે આંકડા છુપાવાય છે. ગુજરાતમાં કૂલ મૃત્યુમાં ૮૧ ટકા મૃત્યુ હાઈ રિસ્ક અને કો-મોર્બિડને કારણે થયા છે. આથી, બીજી બિમારીની હાજરીમાં ચેપ લાગે અને કમનસીબ ઘટના ઘટે તો તે કોરોનાને કારણે નથી એવુ નથી. ચેપ લાગ્યા પછી અગાઉની બિમારી કેટલી ગંભીર છે તેના આધારે કોઝ ઓફ ડેથ નક્કી થાય છે.

આ કારણોસર ICMRએ ડેથ ઓડિટ કરવા આદેશો આપ્યા

રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં કોરોનાના ચેપગ્રસ્તે આત્મહત્યા કર્યા બાદ આ પ્રકારે થતા મૃત્યુને કોવિડ-૧૯ને કારણે થયેલા મૃત્યુમાં કેવી રીતે ગણી શકાય તેને લઈને ICMRમાં વ્યાપપણે ચર્ચા શરૂ થઈ હતી. તેવામાં કોરોના પોઝિટીવનો ટેસ્ટ રિપોર્ટ આવ્યાનું સાંભળીને, ગંભીર પ્રકારના રોગમાં સર્જરી અર્થાત ઓપરેશન દરમિયાન કે ત્યારપછી રિકવરીને તબક્કે મૃત્યુના કિસ્સાઓ વધતા દેશભરમાં ડેથ ઓડિટ શરૂ કરવામાં આદેશો થયા હતા. જેમાં પ્રાથમિકપણે કોવિડ૧૯ને કારણે જ મૃત્યુ થતા હોય તેનો જ ઉલ્લેખ વેબ પોર્ટલ અર્થાત ટ્રેકરમાં કરવાનું નક્કી થયુ છે.