40 લાખમાં કેનેડા જવા માગતા યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો

40 લાખમાં કેનેડા જવા માગતા યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો

હાલ વિદેશમાં જવાનો મોહ મોટાભાગનાં યંગસ્ટર્સમાં જોવા મળે છે. અને વિદેશ જવા માટે તેઓનાં માતા-પિતા લાખો રૂપિયા પણ ખર્ચવા તૈયાર હોય છે. ત્યારે આવાં લોકોને વિદેશ જવાની લાલટ આપી ઠગો લાખો રૂપિયા પડાવી લેતાં હોય છે. અમદાવાદના સાબરમતીમાં કેનેડાના વિઝા આપવાના નામે ઠગાઈ કરનાર ઠગ ઝડપાયો છે. જેને 40 લાખમાં કેનેડાના વિઝા આપવાની લાલચ આપી હતી. જો કે આરોપી સાથે જોડાયેલા એજન્ટને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં રહેતો મિતેશ નામનો શખ્સ વિદેશ જવાની ઘેલછાં ધરાવતાં યુવાનોને ચૂનો લગાવવાનું કામ કરતો હતો. આ ઠગે એક યુવકને 3 લાખનો ચૂનો લગાવ્યાનો આરોપ છે. ઘટના કંઈક એવી છે કે જૈમિન પટેલ નામના યુવકને કેનેડા જવું હતું. જેથી જૈમીને મિત્રના સંપર્કથી આરોપી મિતેશ નાઈના સંપર્કમા આવ્યો હતો. મિતેશ માર્ચ 2018માં તેની માતાના યુએસએના વિઝા કરાવ્યા હતા. તેની માતા દોઢ માસ યુએસએ રહીને પરત આવ્યા હતા. જેથી વિશ્વાસ વધતાં જૈમિને પોતાના કેનેડાના વિઝાનું કામ સોંપ્યું હતું. મિતેશે 40 લાખમાં કેનેડાના વિઝા આપવાની લાલચ આપી અને ટુકડે-ટુકડે 3 લાખ રૂપિયા પડાવ્યા હતા.

પરંતુ મિતેશ વિઝા નહિ આપતાં ફરિયાદીને શંકા ગઈ અને તેને પૈસા પરત માંગ્યા હતા. મિતેશ નાઈએ યુવકને બે ચેક આપ્યા અને તેમાંથી ચેક પણ બાઉન્સ થયા હતા. આ અંગે સાબરમતી પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગ મિતેશ નાઈની ધરપકડ કરી છે.

વિઝાના નામે ઠગાઈ કરનાર મિતેશ નાઈ રાણીપનો રહેવાસી છે. અગાઉ આરોપીએ ફરિયાદીને યુએસએના વિઝા કર્યા હતા. આ ઉપરાંત મુંબઈની એરલાઈન્સમાં તેના મિત્ર નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. જેથી વિઝાને લઈને કોઈ નેટવર્ક ચાલતું હોવાનું શંકાના આધારે પોલીસે આરોપીની પુછપરછ શરૂ કરી છે.

મહત્વનુ છે કે વિદેશ જવાની ઘેલછાથી અનેક યુવાનો પોતાની જીવનની કમાણી ગુમાવી દે છે. મિતેશ નાઈ જેવા ઠગ પૈસા પડાવવાનો બિઝનેસ શરૂ કર્યો છે. આ કેસમાં મિતેશ અન્ય કોઈ વ્યકિત સાથે છેતરપિંડી કરી છે કે નહિ તે મુદ્દે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.