ગુજરાત સહિત દેશનાં 8 રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે, કેટલાંક રાજ્યોમાં માવઠાંની પણ શક્યતા

ગુજરાત સહિત દેશનાં 8 રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે, કેટલાંક રાજ્યોમાં માવઠાંની પણ શક્યતા

ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં 2 દિવસ સુધી ઠંડીનો ચમકારો યથાવત્ રહેશે. દેશનાં 8 રાજ્યમાં ઠંડીનો પારો 5 ડીગ્રી સુધી ગગડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાત, દિલ્હી, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં આગામી 2 દિવસ હાડ થીજવી નાખે એવી કડકડતી ઠંડી યથાવત્ રહેશે. આ સાથે દેશનાં કેટલાંક રાજ્યોમાં ગાઢ ધુમ્મસ સહિત વરસાદની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે ઠંડીનું પ્રમાણ વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 25થી 27 જાન્યુઆરી સુધી ઉત્તરાખંડ, હિમાચલ, કાશ્મીરમાં હિમવર્ષા થશે.

અનેક રાજ્યમાં વરસાદની શક્યતા
દિલ્હીમાં જાન્યુઆરી મહિનામાં વરસાદે રેકોર્ડ તોડી નાખ્યા છે. રવિવારે 8.8 સેમી વરસાદ થયો હતો, જે 122 વર્ષમાં સૌથી વધારે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, પૂર્વી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વરસાદ થઈ શકે છે.

રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કડકડતી ઠંડી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 2થી 4 દિવસ સુધી રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા ગુજરાતમાં ઠંડીનું મોજું યથાવત્ રહેશે. ઉત્તર ભારતનાં કેટલાંક રાજ્યોમાં વરસાદની શક્યતા તથા હિમવર્ષાની સ્થિતિમાં આ રાજ્યોમાં પણ ઠંડીનું પ્રમાણ નોંધપાત્ર પ્રમાણમાં રહેશે.

બીજી બાજુ, દેશભરમાં યથાવત્ ઠંડીની અસર મુંબઈમાં પણ જોવા મળી છે. મુંબઈમાં શનિવારે અને રવિવારે કમોસમી વરસાદ થયો હતો અને એને લીધે અહીં તાપમાનમાં ભારે ઘટાડો થયો હતો. મુંબઈના અનેક વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન 16 ડીગ્રી પહોંચી ગયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાનના બલુચિસ્તાનથી આવતી ધૂળની આંધીને લીધે મુંબઈમાં લો વિઝિબિલિટી છે અને ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આગામી બે દિવસ સુધી આ સ્થિતિ જળવાશે.