2022ની સૌથી રોમાંચક મેચ:વેસ્ટઈન્ડિઝને 6 બોલમાં 30 રનની જરૂર હતી, હુસેને 3 છગ્ગા અને 2 ચોગ્ગા માર્યા; પરંતુ ટીમ 1 રનથી મેચ હારી ગઈ

2022ની સૌથી રોમાંચક મેચ:વેસ્ટઈન્ડિઝને 6 બોલમાં 30 રનની જરૂર હતી, હુસેને 3 છગ્ગા અને 2 ચોગ્ગા માર્યા; પરંતુ ટીમ 1 રનથી મેચ હારી ગઈ

વેસ્ટ ઈન્ડિઝ અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 સિરીઝની બીજી મેચ રવિવારે રમાઈ હતી. જેમાં ઇંગ્લેન્ડની ટીમે 1 રનથી જીત દાખવી હતી. પરંતુ આ દરમિયાન છેલ્લી ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી અકીલની તોફાની બેટિંગે ક્રિકેટ ફેન્સના દિલ જીતી લીધા છે. ઉલ્લેખનીય છે કે વેસ્ટ ઈન્ડિઝે પહેલી મેચમાં ઇંગ્લેન્ડને 9 વિકેટથી હરાવ્યા પછી આ મેચ હારી જતા સિરીઝ હાલ 1-1થી બરાબરી પર છે.

છેલ્લી ઓવરનો રોમાંચ, અકીલની બેક ટુ બેક સિક્સર
વેસ્ટઈન્ડિઝને 6 બોલમાં 30 રનની જરૂર હતી, તેવામાં ક્રીઝ પર અકીલ હુસેન હતો જ્યારે તેની સાથે રોમારિયો શેફર્ડ નોન સ્ટ્રાઈકર એન્ડ પર હતો. આ દરમિયાન ઇંગ્લેન્ડના કેપ્ટન ઓઈન મોર્ગને છેલ્લી ઓવર કરવા માટે ફાસ્ટ બોલર સાકિબ મહેમૂદની પસંદગી કરી હતી. આ દરમિયાન પહેલો બોલ વાઈડ અને પછીના બોલ પર એકપણ રન ન લેવો વિંડિઝને મોંઘો પડ્યો હતો.

  • 19.1 (વાઈડ)- સાકિબે વાઈડ બોલ નાંખ્યો, વિંડિઝને એક રન મળ્યો
  • 19.1 (.)- ડોટ બોલ રહ્યો
  • 19.2 (4)- અકીલે એક ડોટ બોલ રમ્યા પછી શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો
  • 19.3 (4) અકીલ હુસેને બીજા બોલ પર પણ ચોગ્ગો ફટકાર્યો હતો.
  • 19.4 (વાઈડ)- સાકિબ પ્રેશરમાં આવી જતા તેણે વાઈડ બોલ ફેંક્યો હતો
  • 19.4 (6)- અગાઉ 2 ચોગ્ગા માર્યા પછી હુસેન લયમાં આવી ગયો હતો અને આ બોલ પર જોરદાર સિક્સ ફટકારી હતી
  • 19.5 (6)- હુસેને ફરીથી સિક્સ ફટકારી મેચ વધુ રોમાંચક બનાવી દીધી હતી, જોકે પહેલો બોલ ડોટ રહેતા હુસેન ઘણો નિરાશ જોવા મળ્યો હતો
  • 19.6 (6)- હુસેને છેલ્લા બોલ પર સિક્સ મારી આ ઓવરમાં 26 રન + 2 વાઈડના રન એટલે કુલ 28 રન કર્યા હતા. પરંતુ ડોટ બોલના કારણે તે ટીમને મેચ જીતાડી શક્યો નહોતો.
  • ઇંગ્લેન્ડે જીતવા માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો
    આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. જેથી ઇંગ્લેન્ડની ટીમે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 171 રન કર્યા હતા. પહેલી બેટિંગ દરમિયાન ઇંગ્લેન્ડના જેસન રોયે 45 રનની સર્વોચ્ચ ઈનિંગ રમી હતી. જ્યારે મોઈન અલીએ 31 રન કર્યા હતા. તો બીજી બાજુ વેસ્ટ ઈન્ડિઝના બોલર જેસન હોલ્ડર અને ફેબિયન એલેને 2-2 વિકેટ લીધી હતી.

    મોઈન અલી બન્યો પ્લેયર ઓફ ધ મેચ
    વેસ્ટ ઈન્ડિઝ સામે 172 રનનો ટાર્ગેટ હતો, જોકે 6 રનના સ્કોર પર ટીમના બંને ઓપનર પેવેલિયન ભેગા થઈ જતા વિંડિઝની ઈનિંગ મુશ્કેલીમાં મુકાઈ હતી. પરંતુ છેલ્લી ઓવરમાં શાનદાર બેટિંગ કરી ફેન્સના દિલ જીતનારા હુસેનને 16 બોલમાં 44 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જોકે તેમ છતા વિંડિઝની ટીમ 1 રનથી મેચ હારી ગઈ હતી. વળી બીજી બાજુ મોઈન અલીએ શાનદાર બોલિંગ કરી 4 ઓવરમાં 24 રન આપી 3 વિકેટ લીધી હતી. તથા બેટિંગ દરમિયાન પણ તેણે 31 રનનું યોગદાન આપ્યું હોવાથી પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરાયો હતો.

  • પહેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝના બોલર્સનું શાનદાર પ્રદર્શન

    • પહેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝના બોલરોએ શાનદાર બોલિંગ કરીને ઈંગ્લેન્ડને માત્ર 103 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.
    • વેસ્ટઈન્ડિઝને 104 રનનો ટાર્ગેટ મળ્યો હતો જેને ટીમે 17.1 ઓવરમાં 1 વિકેટના નુકસાને ચેઝ કરી લીધો હતો.
    • આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ તરફથી બ્રાન્ડોન કિંગે 49 બોલમાં અણનમ 52 અને નિકોલસ પૂરને અણનમ 27 રન કર્યા હતા.
    • વિકેટકીપર શાઈ હોપે પણ 20 રનની ઈનિંગ રમી હતી. બીજી બાજુ ઈંગ્લેન્ડ તરફથી એકમાત્ર વિકેટ આદિલ રાશિદને મળી હતી.