ભારત લોકશાહીના રેન્કિંગમાં ૧૦ સ્થાન પાછળ ધકેલાઈ ૫૧મા ક્રમે

ભારત લોકશાહીના રેન્કિંગમાં ૧૦ સ્થાન પાછળ ધકેલાઈ ૫૧મા ક્રમે

। નવી દિલ્હી ।

ભારતમાં લોકશાહી જોખમમાં છે તેવા આરોપો પર મહોર મારતા એક અહેવાલ પ્રમાણે લોકશાહી સૂચકાંકના ગ્લોબલ રેન્કિંગમાં ભારત ૧૦ સ્થાન પાછળ ધકેલાઇને ૫૧મા સ્થાન પર પહોંચી ગયો છે. ભારતમાં લોકશાહી પર તોળાતા જોખમનું મુખ્ય કારણ નાગરિક સ્વતંત્રતાઓ પર પ્રહાર છે. ધ ઇકોનોમિસ્ટ ગ્રૂપના રિસર્ચ એન્ડ એનાલિસિસ ડિવિઝન ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા તૈયાર કરાયેલા ડેમોક્રેસી ઇન્ડેક્સમાં વિશ્વના ૧૬૫ સ્વતંત્ર દેશ અને બે પ્રદેશમાં લોકશાહીનીઔસ્થિતિ અંગેનો ચિતાર રજૂ કરાયો છે. આ અહેવાલઔચૂંટણીની પ્રક્રિયા, દેશના વૈવિધ્ય, સરકારની કામગીરી, રાજકીય ભાગીદારી, રાજકીય સંસ્કૃતિ અને નાગરિક સ્વતંત્રતાના માપદંડ પર તૈયાર કરાય છે.

૨૦૧૯ના ડેમોક્રેસી ઇન્ડેક્સમાં ભારતનો સ્કોર ૧૦માંથી ૬.૯૦ રહ્યો છે જે ૨૦૧૮માં ૭.૨૩ હતો. સમગ્ર વિશ્વમાં લોકશાહીના મામલામાં ભારતનું સ્થાન ૪૧થી પીછેહઠ કરીને ૫૧ પર પહોંચ્યું છે. એશિયા અને ઓસ્ટ્રેલિયા રિજિયનમાં ભારતને આઠમું સ્થાન અપાયું છે. લોકશાહીની દૃષ્ટિએ તિમોર, મલેશિયા અને તાઇવાન જેવા દેશો ભારત કરતાં સારી સ્થિતિમાં છે. ૨૦૦૬માં ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા રેન્કિંગનો પ્રારંભ કરાયા પછી ૨૦૧૯માં ભારતનું રેન્કિંગ સૌથી બદતર રહ્યું છે. ૨૦૧૪ પછી ભારતનું રેન્કિંગ સતત ગગડતું રહ્યું છે.

થાઇલેન્ડમાં લોકશાહીની બલ્લે બલ્લે, ડેમોક્રેસી ઇન્ડેક્સમાં ૩૮ રેન્કનો લોન્ગ જમ્પ

૨૦૧૯નું વર્ષ એશિયાના લોકશાહી દેશો માટે ઊથલપાથલભર્યું રહ્યું હતું. થાઇલેન્ડે ૨૦૧૮ની સરખામણીમાં ૨૦૧૯માં ૧.૬૯ પોઇન્ટનો વધુ સ્કોર કરી લોકતાંત્રિક વ્યવસ્થામાં સુધારો કર્યો જેના કારણે તેણે ઇન્ડેક્સમાં ૩૮ સ્થાનનો કૂદકો લગાવ્યો છે.

નોર્વે લોકશાહીમાં અવ્વલ, ચીન ૧૫૩મા સ્થાને, ઉત્તર કોરિયા તળિયે…

લોકશાહીના રેન્કિંગમાં નોર્વે ૯.૮૭ પોઇન્ટના સ્કોર સાથે પ્રથમ સ્થાને રહ્યો છે જ્યારે ઉત્તર કોરિયાને તળિયાનું સ્થાન મળ્યું છે. ચીન ૨.૨૬ પોઇન્ટના ઘટાડા સાથે ૧૫૩મા સ્થાને ધકેલાઇ ગયો છે જ્યારે ચિલી, ફ્રાન્સ અને પોર્ટુગલમાં લોકશાહીની સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. માલ્ટામાં લોકશાહી છીનવાઇ રહી છે.

સિંગાપોરમાં નાગરિક સ્વતંત્રતા તાક પર, હોંગકોંગમાં લોકશાહી પર પોલીસદમન

ભારતની સાથે સિંગાપોર અને હોંગકોંગમાં પણ લોકશાહીનું ગળું ટૂંપાઇ રહ્યું છે. સિંગાપોરમાં ફેક ન્યૂઝનો કાયદો અમલી બનતાં નાગરિક સ્વતંત્રતા છીનવાઇ ગઇ છે. હોંગકોંગમાં લોકશાહી તરફી આંદોલનને દબાવી દેવા પોલીસ દમન આચરવામાં આવી રહ્યું છે. જેના પગલે રેન્કિંગમાં હોંગકોંગ અને સિંગાપોર ૭૫મા સ્થાને ગગડી ગયા છે.

ભારતનું રેન્કિંગ ગગડવા માટે જવાબદાર મુખ્ય કારણો

  1. ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ ૩૭૦ અને ૩૫છને નાબૂદ કરી નાખ્યા હતા. ત્યારબાદ જમ્મુ-કાશ્મીરનું વિભાજન કરીને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવાયું હતું. આ નિર્ણયો બાદ સરકારે જમ્મુ-કાશ્મીરમાં મોટાપાયે સુરક્ષાદળો ખડકી દઇ સ્થાનિક નેતાઓને નજરકેદ કરી દીધાં હતાં. રાજ્યમાં ઇન્ટરનેટ અને મોબાઇલ સુવિધાઓ પણ બંધ કરી દેવાઇ હતી.
  2. આસામમાં NRCની પ્રક્રિયામાં અંતિમ યાદીમાંથી ૧૯ લાખ લોકો બાકાત રહી ગયાં છે. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમોનો સમાવેશ થાય છે. સત્તાધારી ભાજપ તેમને બાંગ્લાદેશી ઘૂસણખોરો ગણાવી રહ્યો છે જ્યારે બાંગ્લાદેશ તેનો ઇનકાર કરી રહ્યો છે.
  3. સરકારે નાગરિકતા સુધારા કાયદાના વિરોધ પર પ્રતિબંધ મૂકવાના પ્રયાસો કર્યા છે અને ટેલિવિઝન ચેનલોને તેમનું પ્રસારણ કરતાં અટકાવી છે. મોદી સરકારના કેટલાક નેતાઓ દેખાવકારો સામે બદલો લેવાની વાતો કરી રહ્યા છે.

ડેમોક્રેસી ઇન્ડેક્સ : કયા માપદંડના આધારે રેન્કિંગ