કન્યાઓની અછત! લેઉઆ પાટીદાર સમાજ ગોળ પ્રથાને તિલાંજલિ આપવા માટે મક્કમ બન્યો

કન્યાઓની અછત! લેઉઆ પાટીદાર સમાજ ગોળ પ્રથાને તિલાંજલિ આપવા માટે મક્કમ બન્યો

મહેસાણા અને પાટણ જિલ્લામાં પથરાયેલા લેઉઆ પાટીદારોએ કન્યાની લેવડ દેવડના મામલે ગોળ પ્રથા ઉપર પ્રશ્ન ઉઠાવ્યો છે. પોતાના સમાજમાં કન્યાઓની અછત, યોગ્ય પાત્રોની શોધખોળ તેમજ અન્ય સમાજોમાંથી વર કે કન્યાઓનું કરવામાં આવતું ચયન અંગે સામૂહિક ચિંતન કરવામાં આવ્યું હતું. આ બન્ને જિલ્લાઓમાં સાત ગોળમાં લેઉઆ પાટીદારો ૧૦૪ ગામડાંમાં પથરાયેલા છે. પાટણના કલ્યાણમાં ઉત્તર ગુજરાત લેઉઆ પાટીદાર સમાજના પ્રથમ સ્નેહ મિલન સમારોહમાં સાત ગોળ એકમંચ ઉપર આવ્યા હતા. આ સ્નેહ મિલન સમારોહમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે લેઉઆ પાટીદારો ૧૦૪ ગામોમાં લગ્ન કરી શકશે.

આ સંમેલનમાં સમસ્ત લેઉઆ સમાજમાં સમૂહ લગ્ન કરવા ઉપર પણ ભાર મુકાયો હતો. સામાજિક જાગૃતિ માટે અહીં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં સાતેય ગોળ સમાજોમાં દીકરીઓ આપવી અને લેવી, આ બધા સમાજના નાના-મોટા ઉદ્યોગપતિઓએ એક બીજાના ગોળના યુવાનોને રોજગારી આપવી, અલગ-અલગ સ્થળે પસંદગી મેળા કરવા અને સાતેય સમાજનું સંયુકત સંગઠન બનાવવુંનો સમાવેશ થાય છે.

ઉલ્લેખપાત્ર છે, લેઉઆ પાટીદારોનાં ૪ર ગામ પાટણવાડા અને ચુંવાળમાં, ર૭ ગામ હારીજ-સમી, અડિયા સહિતના વિસ્તારમાં, ૧૬ ગામ ગઢ-મડાણા આસપાસ, ૯ ગામ વિજાપુર આસપાસ, પ ગામ બાલીસણા, મણુંદ, વાલમ, ભાન્ડુ, સંડેસર અને રણુંજ, ૪ ગામ કડા, ખરોડ, ગોઠવા, ગેરીતા અને પાટણ શહેર, અનાવાડા અને રાજપુર આવેલાં છે. કન્યાઓના જન્મદર ઘટતાં અન્ય સમાજો પણ આ નિર્ણયથી પ્રેરણા લે તે જરૂરી છે.