એલર્ટ / કોરોના વાઈરસ અમેરિકા પહોંચ્યો, ભારતમાં 7 એરપોર્ટ પર 9 હજાર લોકોની તપાસ

એલર્ટ / કોરોના વાઈરસ અમેરિકા પહોંચ્યો, ભારતમાં 7 એરપોર્ટ પર 9 હજાર લોકોની તપાસ

વોશિંગ્ટન: ચીનના વુહાનમાં ફેલાયેલો જીવલેણ કોરોના વાઈરસ હવે સરહદ પાર કરી ગયો છે. અમેરિકામાં પણ તેની અસર દેખાઇ રહી છે, ત્યાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ સામે આવ્યો છે. ચીનમાં આ વાઈરસ અત્યાર સુધીમાં 9 લોકોના જીવ લઇ ચૂક્યો છે જ્યારે 440 નવા કેસ સામે આવ્યા છે. એશિયાની બહારનો આ પ્રથમ કેસ વોશિંગ્ટનમાં સામે આવ્યો. 30 વર્ષનો આ શખસ તાજેતરમાં ચીન ગયો હતો, જે દરમિયાન તે વાઈરસગ્રસ્ત થઇ ગયો. તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. અમેરિકા આવતી ફ્લાઇટ્સ અને પ્રવાસીઓની તપાસ કરાઇ રહી છે.
ભારતમાં પણ એલર્ટ: થર્મલ કેમેરા લગાવાયા, ઇમિગ્રેશન ચેક પહેલાં હેલ્થ કાઉન્ટર
ભારતમાં વાઈરસને લઇને સતર્કતા વધારી દેવાઇ છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ પ્રીતિ સૂદને બુધવારે જણાવ્યું કે કોરોના વાઈરસ દિલ્હી, મુંબઇ, ચેન્નઇ, હૈદરાબાદ અને કોલકાતા સહિત દેશનાં 7 એરપોર્ટ પર મંગળવાર સુધીમાં કુલ 43 ફ્લાઇટ અને 9,156 પ્રવાસીની તપાસ કરાઇ, જેમાંથી એકેય પ્રવાસીમાં આ વાઈરસ જણાયો નથી. જે દેશોમાં વાઈરસ ફેલાયો છે ત્યાંથી આવતા પ્રવાસીઓ માટે પ્રી-ઇમિગ્રેશન એરિયામાં થર્મલ કેમેરા લગાવાયા છે. ઇમિગ્રેશન ચેક પહેલાં હેલ્થ કાઉન્ટર બનાવાયાં છે.
કોરોના વાઈરસ શું છે
કોરોના વાઈરસ સાર્સ પેદા કરવા માટે ઓળખાય છે. તેનાથી ન્યુમોનિયા અને શ્વાસની તકલીફ થઇ શકે છે. આ જ ફેમિલીનો વાઈરસ વુહાનમાં ફેલાયો. સાર્સ પણ પશુબજારમાંથી જ્યારે મર્સ ઊંટોમાંથી માણસોમાં આવ્યો હતો.
હાલ કઇ રીતે અસર વધી
હજુ સુધી ખબર પડી નથી. તેનો મુખ્ય સ્ત્રોત શોધવામાં આવી રહ્યો છે પણ આ વાઈરસ સામાન્ય રીતે પશુઓમાં જોવા મળે છે. ચીનમાં તાજેતરમાં વુહાનના સીફૂડ માર્કેટમાંથી વાઈરસ ફેલાયો છે. ત્યાં દરિયાઇ જીવો જીવતા વેચાય છે.
બચવા માટે આપણે શું કરી શકીએ…
વેન્ડરબિલ્ટ યુનિ. મેડિકલ સેન્ટરના પ્રિવેન્ટિવ મેડિસિનના પ્રોફેસર ડૉ. વિલિયમ શેફનરના જણાવ્યાનુસાર ચીન જતા લોકોએ એવાં બજારોથી દૂર રહેવું જોઇએ કે જ્યાં જીવતાં પ્રાણીઓ વેચાતાં હોય. તદુપરાંત, ગ્રામીણ વિસ્તારોમાં પણ પ્રાણીઓથી અંતર રાખવું જોઇએ. હાથ હંમેશા ચોખ્ખા રાખો. કોઇ ખાંસી કે છીંક ખાતું હોય તો તેનાથી બચો.
માસ્કની અછત, 4 કરોડ માસ્ક મંગાવાયા
કોરોના વાઈરસના સતત વધતા કેસ અને મોતથી લોકોમાં ડર ફેલાઈ ગયો છે. મોટાભાગના બજારોમાં માસ્કનું વેચાણ વધી ગયું છે. સરકારે કટોકટીની સ્થિતિમાં લોકોની મદદ માટે અંદાજે 4 કરોડ સર્જિકલ માસ્કનો ઓર્ડર આપ્યો છે. 50 લાખ પ્રોટેક્શન સૂટ અને 5 હજારથી વધુ ઇન્ફ્રારેડ થર્મોમીટરની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
વુહાન 50 દેશ સાથે સંકળાયેલું, 2 કરોડ લોકો આવે છે
કોરોના વાઈરસની શરૂઆત જ્યાંથી થઇ તે વુહાન દુનિયાના 50થી વધુ દેશ સાથે સીધું જોડાયેલું છે. અહીંથી લંડન, પેરિસ, દુબઇ સહિતનાં વિશ્વના ઘણાં શહેરો માટે ડાયરેક્ટ ફ્લાઇટ છે. તે ચીનનું 7મું અને વિશ્વનું 42મું મોટું શહેર છે. 89 લાખની વસતીવાળા વુહાનમાં દર વર્ષે દુનિયાભરમાંથી 2 કરોડ વેપારીઓ તથા અન્ય લોકો આવે છે.
ક્રૂડના ભાવ 3 ટકા વધી શકે, બજાર તૂટ્યું
આની અસર દુનિયાભરનાં શેરબજારો પર પણ થઇ છે. અમેરિકામાં એક કેસ સામે આવ્યા બાદ ડાઉ જોન્સ 152 પોઇન્ટ તૂટ્યો. સૌથી વધુ નુકસાન બોઇંગના શેરને થયું. તેના શેરના ભાવ 3 ટકા જેટલા ગગડ્યા. બીજી તરફ ગોલ્ડમેન સાક્સે ચીનમાં વાઈરસના ડરના કારણે ક્રૂડના ભાવમાં 3 ટકા વધારાની શક્યતા વ્યક્ત કરી છે.