રામમંદિર રાષ્ટ્રીય ભાવના અને સંકલ્પશક્તિનું પ્રતીક બનશે : મોદી

રામમંદિર રાષ્ટ્રીય ભાવના અને સંકલ્પશક્તિનું પ્રતીક બનશે : મોદી

। અયોધ્યા ।

પાંચ સદીથી ચાલી રહેલા વિવાદ અને ૧૩૪ વર્ષથી ચાલી રહેલા કાયદાકીય વિખવાદનો બુધવારે સુખદ અંત આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બહુપ્રતિક્ષિત અને કરોડો ભારતીયોની આસ્થાના પ્રતીક સમાન રામમંદિરનાં નિર્માણ માટે અયોધ્યામાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વડા પ્રધાને ૧૨:૪૮:૦૮ કલાકે મંદિરનું ભૂમિપૂજન કર્યું અને મંદિરનિર્માણ ઝડપથી પૂરી થવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. માત્ર ૩૨ સેકન્ડના શુભ મુહૂર્તમાં તેમણે મંદિરનિર્માણનો સંકલ્પ કર્યો હતો. ૪૦ મિનિટ ચાલેલી પૂજામાં તેમણે ચાંદીની નવ ઈંટો તથા દેશભરમાંથી અને દુનિયાભરમાંથી રામમંદિર બનાવવા માટે ૧૯૮૯માં આવેલી ૨.૭૫ લાખ ઈંટોમાંથી નવ ઈંટોની પૂજા કરી હતી. આ પૂજનમાં ૨૦૦૦ પવિત્ર સ્થળોની માટી અને ૧૦૦ પવિત્ર નદીઓનાં જળનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પૂજામાં કાંચીના શંકરાચાર્ય દ્વારા મોકલવામાં આવેલું યંત્ર તથા બકુલના વૃક્ષમાંથી બનાવવામાં આવેલા શંકુની સ્થાપના કરવામાં આવી હતી. તેમાં સોના અને ચાંદી સહિત નવ રત્નો મૂકવામાં આવ્યાં હતાં.

વડા પ્રધાને જણાવ્યું કે, ભારતીયો વર્ષોથી જે રામરાજ્યની રાહ જોઈ રહ્યા હતા તે હવે આધુનિક ભારતમાં શક્ય બનશે. ફરી એક વખત આધુનિક ભારતમાં અયોધ્યામાં બનનારા આ મંદિર દ્વારા રામરાજ્યની પરિકલ્પના સાર્થક થશે. તેમણે કહ્યું કે જે મર્યાદા સાથે આપણે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સ્વીકાર કર્યો હતો તે જ મર્યાદા સાથે લોકોની લાગણીઓનું માન રાખીને મંદિરનું નિર્માણ કરવાનું છે. પૂજનમાં પીએમ સાથે બીજા ૧૬ લોકોએ હાજરી આપી હતી. અયોધ્યા અને કાશીના પંડિતો સિવાય યુપીના સીએમ યોગી આદિત્યનાથ, યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, સંઘના વડા મોહન ભાગવત, રામજન્મભૂમિ ટ્રસ્ટના વડા મહંત નૃત્યગોપાલદાસ અને સિંઘલ પરિવારના સભ્યોએ હાજરી આપી હતી.

ભૂમિપૂજન પહેલાં રામલલા સમક્ષ પીએમ દંડવત્  

એક સમયે રામમંદિર અને અયોધ્યા રામજન્મભૂમિ આંદોલન માટે સક્રિય રહેનારા નરેન્દ્ર મોદી ૨૯ વર્ષે અયોધ્યા આવ્યા હતા. રામમંદિરનાં ભૂમિપૂજન પહેલાં તેમણે રામલલાનાં દર્શન કર્યા હતાં. તેમણે મહેમાનોની હાજરી સાથે રામલલાની પૂજા કરી હતી અને દંડવત્ પ્રણામ કરીને મંદિરનિર્માણની કામના કરી હતી. ત્યારબાદ પીએમ મોદીએ ધાર્મિકપૂજામાં વિશેષ મહત્ત્વ ધરાવતા પારિજાતનો છોડ વાવ્યો હતો.

હનુમાનજી પાસે પૂજાની પરવાનગી માગવામાં આવી

વડા પ્રધાન સવારે અયોધ્યા પહોંચ્યા ત્યારબાદ સૌથી પહેલાં હનુમાનગઢી પહોંચ્યા હતા. સાકેત કોલેજથી પીએમનો કાફલો અહીંયા મંદિરે આવ્યો હતો. મંદિરમાં મોદીએ હનુમાનજીની પૂજા કરી હતી અને રામમંદિર બનાવવા માટે આજ્ઞા માગવામાં આવી હતી. હનુમાનજી જેમ ભગવાન રામના કામ કરતા હતા તેમ હવે આધુનિક સમયમાં આપણે ભગવાન રામનું કામ કરવાનું છે. રામના આદર્શોને આધુનિક સમયમાં અને કળિયુગમાં સાચવવાની જવાબદારી હનુમાનજીની હોવાથી તેમની પાસે રામમંદિરના નિર્માણ માટે મંજૂરી લેવાઈ હતી. અહીંયા મંદિરના પૂજારી દ્વારા પીએમ મોદીને ચાંદીનો મુગટ પહેરાવીને તથા રામ પટ્ટીકા આપીને તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

સદીઓની આશા પૂરી થઈ, ૩૦ વર્ષનો સંઘર્ષ સમાપ્ત થયો : મોહન ભાગવત

અયોધ્યા ખાતે રામમંદિરના ભૂમિપૂજન બાદ આરએસએસના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે, દાયકાઓના સંઘર્ષ બાદ મોટા સંતોષની ક્ષણ આવી પહોંચી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અયોધ્યામાં રામમંદિરના નિર્માણની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે ૩૦ વર્ષ સંઘર્ષ કર્યો છે. અમે અયોધ્યામાં રામમંદિર બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. મને યાદ છે કે સંઘના તત્કાલીન વડા બાલાસાહેબ દેવરસ અમને કહેતા હતા કે આપણે રામમંદિર માટે ૨૦થી ૩૦ વર્ષ સંઘર્ષ કરવો પડશે. ત્યારબાદ જ આપણને સફળતા મળશે. હા અમે સંઘર્ષ કર્યો અને ૩૦મા વર્ષના પ્રારંભે અમને પ્રતિજ્ઞા પૂરી કર્યાનો આનંદ છે.   ભાગવતે જણાવ્યું હતંી કે આજે સમગ્ર દેશમાં આનંદનું મોજું છે. સદીઓની આશા પૂરી થયાનો સંતોષ છે. આનંદ એ વાતનો છે કે આજે ભારતને આત્મનિર્ભર બનાવવાનો આત્મવિશ્વાસ હાંસલ થયો છે. રામમંદિર માટે ઘણા લોકોએ બલિદાન આપ્યાં છે પરંતુ અહીં હાજર રહી શક્યાં નથી. કોરોના વાઇરસની સ્થિતિના કારણે જેમને અહીં હાજર રહેવાનું હતું છતાં આમંત્રણ આપી શકાયાં નથી.

ભાગવતે જણાવ્યું હતું કે, ભગવાન રામના ચરિત્રથી આપણામાં પરાક્રમ, પુરુષાર્થ અને વીરત્વ ધરબાયેલાં છે. આજે આપણને પ્રેરણા મળે છે કે કોઇ અપવાદ નથી કારણ કે બધા રામના છે અને રામ બધાના છે. હવે આપણે મનની અંદર રહેલી અયોધ્યાને સજાવવાની છે. ભગવાન રામ જે ધર્મમાં છે તે બધાને જોડનારો અને બધાની ઉન્નતિનો ધર્મ છે. તેની ધજા લહેરાવીને આપણે બધાની ઉન્નતિ ઇચ્છનારો ભારત દેશ બનાવી શકીશું. આપણા હૃદયમાં રામનો વારસો હોવો જોઇએ.

આજે સમગ્ર દેશ માટે લાગણીશીલ ક્ષણ આવી છે : વડા પ્રધાન મોદી

અયોધ્યામાં રામજન્મભૂમિ ખાતે ભૂમિપૂજન દ્વારા રામમંદિરના નિર્માણનો પ્રારંભ કરાવ્યા બાદ સંબોધિત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં ગુંજી રહેલો જય સિયારામનો નાદ સમગ્ર વિશ્વ સાંભળી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં જય સિયારામનો નાદ ગુંજી રહ્યો છે. આ પવિત્ર પ્રસંગે હું દેશના તમામ નાગરિકો, સમગ્ર વિશ્વમાં વસતા ભારતીયો અને ભગવાન રામના તમામ ભક્તોને કોટિ કોટિ અભિનંદન પાઠવું છું. દાયકાઓથી ટેન્ટમાં રહેતા આપણા રામલલા માટે હવે ભવ્ય મંદિરનું નિર્માણ થશે. રામમંદિર રાષ્ટ્રીય ભાવના અને સામૂહિક સંકલ્પશક્તિનું પ્રતીક બની રહેશે. સદીઓથી ચાલ્યા આવતા તૂટવા અને ફરીથી નિર્માણ થવાના સદીઓના ગતિક્રમમાંથી આજે રામજન્મભૂમિ સ્વતંત્ર બની છે. સદીઓની આતુરતાનો અંત આવ્યો છે. આજે સમગ્ર દેશ માટે લાગણીશીલ ક્ષણ આવી છે અને દરેક હૃદયમાં રામભક્તિના દીપ પ્રજ્વલિત થયાં છે. ભારતે અયોધ્યામાં સુવર્ણ અધ્યાયનો પ્રારંભ કર્યો છે. રામમંદિર માટે ચાલેલા આંદોલનમાં અર્પણ અને તર્પણ બંને હતાં. આ આંદોલનમાં ત્યાગ અને બલિદાન આપનારા તમામને હું ૧૨૦ કરોડ દેશવાસીઓ તરફથી શીશ ઝુકાવીને નમન કરું છું.

ઇમારતો નષ્ટ થઈ પરંતુ ભગવાન રામનું અસ્તિત્વ યથાવત્ રહ્યું : મોદી

પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભગવાન રામની અદ્ભુત શક્તિને જુઓ. ઇમારતો નષ્ટ થઈ ગઈ, ભગવાન રામના અસ્તિત્વને નાબૂદ કરવા માટે તમામ પ્રયાસ થયાં પરંતુ ભગવાન રામ આપણા હૃદયોમાં વસે છે. ભગવાન રામ આપણી સંસ્કૃતિનો આધાર અને ભારતની મર્યાદા છે. શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ છે.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, દેશમાં કોરોના મહામારીના કારણે સર્જાયેલી સ્થિતિમાં શ્રીરામની મર્યાદાનું પાલન કરવું જોઇએ. બે ગજનું અંતર અને માસ્ક જરૂરી છે. દેશના લોકોને ભગવાન રામ અને માતા જાનકી સુખી રાખે તેવી શુભકામના છે. મારી સાથે ભક્તિભાવથી બોલો, સિયાપતિ રામચંદ્રકી જય.. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, રામમંદિરના નિર્માણથી અયોધ્યાની ન કેવળ ભવ્યતા વધશે પરંતુ સમગ્ર પ્રદેશનું અર્થતંત્ર બદલાઈ જશે. આ પ્રદેશમાં તકો વધશે.

પહેલી વખત… 

  • નરેન્દ્ર મોદી રામજન્મભૂમિ જનારા દેશના પહેલા વડા પ્રધાન બન્યા
  • આ પહેલો અવસર હતો કે દેશના વડા પ્રધાન હનુમાનગઢી આવ્યા અને પૂજન કર્યું
  • દેશની સાંસ્કૃતિક ધરોહર ગણાતા મંદિરનાં નિર્માણ માટેનાં ભૂમિપૂજનમાં પણ પહેલી વખત કોઈ ભારતીય વડા પ્રધાને ભાગ લીધો હતો

પીએમ મોદી બન્યાં રામમય

  • ભારતની આસ્થામાં રામ, ભારતના આદર્શોમાં રામ, ભારતની દિવ્યતામાં રામ, ભારતના દર્શનમાં રામ
  • તુલસીના રામ સગુણ રામ, નાનક અને કબીરના નિર્ગુણ રામ
  • ભગવાન બુદ્ધ પણ રામ સાથે સંકળાયેલા તો અયોધ્યા જૈન ધર્મની આસ્થાનું પણ કેન્દ્ર
  • વિશ્વના એક ડઝન કરતાં વધુ દેશમાં ત્યાંની ભાષામાં રામકથા પ્રચલિત
  • રામ બધાનાં છે, બધામાં છે, જીવનના દરેક પાસામાં રામ પ્રેરણા આપે છે
  • મારું અયોધ્યા આવવું સ્વાભાવિક હતું કારણ કે રામના કામ કર્યા વિના મને આરામ ક્યાંથી મળવાનો હતો, આજે સદીઓનો ઇંતજાર સમાપ્ત થઇ રહ્યો છે. ( Source _ Sandesh )