૨,૫૦૦ ચો.મી.માં ૫૦ માળ, ૩,૫૦૦ ચો.મી.માં ૭૦ માળ બાંધી શકાશે

૨,૫૦૦ ચો.મી.માં ૫૦ માળ, ૩,૫૦૦ ચો.મી.માં ૭૦ માળ બાંધી શકાશે

। ગાંધીનગર ।

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પાંચ મુખ્ય મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં સિંગાપોર- દુબઈની માફક ગગનચુંબી ઇમારતોને બાંધકામ પરમિશન આપવાનો માર્ગ મોકળો કર્યો છે. અત્યાર સુધી ૨૨-૨૩ માળ માટે મંજૂરી અપાતી હતી, હવે ૭૦થી વધુ માળની ઇમારતોને, આઇકોનિક સ્ટ્રક્ચર્સને પરમિશન અપાશે. ટૂંકમાં અત્યાર સુધી ઇ૧, ઇ૨ કમર્શિયલ ઝોન વગેરેમાં બેઈઝ એફએસઆઈ ૧.૨ મળતી હતી અને આ ઉપરાંત ઝોનવાર અમુક ચાર્જેબલ એફએસઆઈ મળતી હતી, હવે બેઇઝ એફએસઆઈ ઉપરાંત ૪.૨ એફએસઆઈ ચાર્જેબલ મળશે, એટલે કે બિલ્ડરો કુલ ૫.૪ એફએસઆઈનો લાભ લઈ શકશે. આ એફએસઆઇનો લાભ ૩૦ મીટરથી વધુ પહોળા ટીપી-ડીપી- રસ્તા ઉપર મળશે. આ ચાર્જેબલ એફએસઆઇ જંત્રીદરના ૫૦ ટકા રેટથી મળશે.

મુખ્યમંત્રીએ રાજ્યના આ પાંચ મહાનગરોમાં અત્યારે અમલી સીજીડીસીઆર- ૨૦૧૭માં ઊંચી બિલ્ડિંગ્સ- ગગનચુંબી ઇમારતો માટેના આ નવા રેગ્યુલેશન્સ સમાવવાનો નિર્ણય કર્યો છે.  છેલ્લા ૪ વર્ષના શાસનમાં ૨૦૦થી વધુ ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર થઈ હોવાનું ઉલ્લેખી મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, સર્વિસ રોડનો મહત્તમ ઉપયોગ થઈ શકે અને વધુ લોકોને સમાવિષ્ટ કરવા ર્વિટકલ ડેવલપમેન્ટ જરૂરી છે અને આને કારણે એફોર્ડેબલ મકાનોની કિંમત પણ ઘટશે.  ગગનચુંબી ઇમારતો માટે મુંબઈ, દિલ્હી જેવા શહેરોના બાંધકામના નિયમોનો અભ્યાસ કર્યા બાદ નિયમોનો મુસદ્દો તૈયાર કરાયો છે, જેમાં સ્ટ્રક્ચરલ સેફ્ટી, ફાયર સેફટી, ટેક્નિકલ મુદ્દાઓની મંજૂરી માટે હવે ટેક્નિકલ કમિટી બનશે.

હવે કોઈ સ્પેશિયલ નહીં, બધા બિલ્ડરોને ફ્રીડમ : ACS

રાજ્યના શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીએ ગગનચુંબી ઇમારતો બાંધવા માટે મંગળવારે સાંજે બહાર પડેલા નોટિફિકેશનનો હેતુ સમજાવતા જણાવ્યું છે કે, અત્યાર સુધી અમદાવાદમાં આશ્રમરોડ-રિવરફ્રન્ટ ઉપરના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ કોરિડોરમાં, મેટ્રો-બીઆરટીએસના ટ્રાન્ઝિટ રૂટ ઉપર કે ગિફ્ટસિટીમાં ઊંચી બિલ્ડિંગ બાંધવા સ્પેશિયલ કેસમાં વધુ એફએસઆઈ અપાતી હતી, હવે કોઈ સ્પેશિયલ કેસ નહીં-બધા એક સરખા ગણી પાંચ અર્બન ઓથોરિટીના વિસ્તારમાં ૩૦ મીટરનો પહોળો રસ્તો હોય તો ૨,૫૦૦ કે ૩,૫૦૦ ચો.મિ.ના પ્લોટમાં ૧૦૦થી ૧૫૦ મીટર અને ૧૫૦ મીટરથી વધુ ઊંચા બિલ્ડિંગની પરમિશન નિયમો આધીન અપાશે. ફક્ત આર થ્રી ઝોનમાં જ આ મંજૂરી નહીં અપાય. મુંબઈમાં તો આવા ઊંચા બિલ્ડિંગની પરમિશન ૧૮મીટર પહોળા રસ્તા ઉપર પણ અપાય છે, પણ આપણે ૩૦ મીટર પહોળા રસ્તાનું ધોરણ અપનાવ્યું છે.

ઊંચી ઇમારતો માટે મહત્ત્વના નવા મુદ્દા

  • ઊંચી ઈમારતો માટેના નવા નિયમો ૧૦૦ મીટરથી વધુ ઊંચાઈવાળા તથા આ સ્પેકસ રેશિયો યાને લઘુતમ પહોળાઈઃ ઊંચાઈ ૧.૯થી વધુ હોય તે બિલ્ડિંગ્સને લાગુ પડશે.
  • હાલ સીજીડીસીઆરમાં બેઇઝ એફએસઆઇ ૧.૨ મળે છે, પણ હવે મહત્તમ ૫.૪ એફએસઆઇ યાને ૪.૨ ટકા ચાર્જેબલ એફએસઆઈ જંત્રીદરના ૫૦ ટકા રેટથી મળશે.
  • ૩૦ મીટરથી વધુ પહોળા રસ્તા ઉપર આવા ગગનચુંબી બિલ્ડિંગ બનાવી શકાશે.
  • આવા બિલ્ડિંગ્સમાં પાર્કિંગમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ ફેસિલિટી, વિન્ડ ટનલ ટેસ્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ફરજિયાત
  • ૧૦૦થી ૧૫૦ મીટર ઊંચાઈ માટે ૨,૫૦૦ ચોરસમિટરનો અને ૧૫૦ મીટરથી વધુ ઊંચાઈ માટે ૩,૫૦૦ ચોરસમિટરનો પ્લોટ જોઈશે.
  • સ્પેશિયલ ટેક્નિકલ કમિટી બનશે, જે ચકાસણી કરી મંજૂરી આપશે.
  • રહેણાંક, કમર્શિયલ તથા રિક્રિયેશન એમ ત્રણે મિક્સ બાંધકામ થઈ શકશે.
  • ડા, સુડા, વુડા, રૂડા અને ગુડામાં આ ઊંચી ઇમારતો બનાવી શકાશે.