રાજ્યો અનામત આપવા SC/STમાં વર્ગીકરણ કરી શકે : સુપ્રીમ

રાજ્યો અનામત આપવા SC/STમાં વર્ગીકરણ કરી શકે : સુપ્રીમ

। નવી દિલ્હી ।

અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)ને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અપાતી અનામતના મામલામાં રાજ્ય સરકારોને એસસી-એસટીમાં વર્ગીકરણ કરવાનો અધિકાર નથી તેવા પોતાના જ વર્ષ ૨૦૦૪ના ચુકાદા પર સવાલ ઉઠાવતાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે આ ચુકાદા પર પુનઃ વિચારણા કરવાનો નિર્ણય કર્યો હતો. જસ્ટિસ અરુણ મિશ્રાના નેતૃત્વ હેઠળની પાંચ જજની બંધારણીય બેન્ચે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૪માં ઇ વી ચિન્નૈયાહ કેસમાં તત્કાલીન બંધારણીય બેન્ચે આપેલા ચુકાદા પર પુનઃ વિચારણા કરવાની જરૂર છે. જસ્ટિસ ઇંદિરા બેનરજી, જસ્ટિસ વિનીત સરણ, જસ્ટિસ એમ આર શાહ અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝનો સમાવેશ કરતી બેન્ચે જણાવ્યું હતું કે, ૨૦૦૪ના મામલામાં યોગ્ય રીતે નિર્ણય લેવાયો નહોતો. રાજ્ય સરકારો એસસી-એસટીમાં પેટાજાતિઓને વર્ગીકૃત કરીને પ્રાથમિકતા આપવા માટે કાયદા ઘડી શકે છે. બેન્ચે પંજાબ-હરિયાણા હાઇકોર્ટના ચુકાદાને પડકારતી પંજાબ સરકારની અપીલને હવે ૭ જજની બંધારણીય બેન્ચને સોંપવાનો નિર્ણય કર્યો છે.

સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેન્ચે ગુરુવારે અવલોકન આપ્યું હતું કે, અનામત આપવા માટે એસસી અને એસટીમાં પેટા વર્ગીકરણ કરી શકાય છે. પાંચ જજની બેન્ચમાં બે જજના મંતવ્ય વિરોધાભાસી હોવાથી આ મામલો હવે સાત જજની બંધારણીય બેન્ચને સોંપવામાં આવ્યો છે. બેન્ચે અવલોકન આપ્યું હતું કે, રાજ્ય સરકારોને અનામત આપવાનો અધિકાર હોવાથી તેઓ અનામતની યાદીમાં પેટા વર્ગીકરણ પણ કરી શકે છે.

ચુકાદાનો મહત્ત્વનો હિસ્સો વાંચતા જસ્ટિસ અરુણ મિશ્રાએ જણાવ્યું હતું કે, સંઘીય માળખામાં અનામતની યાદીમાં સબ-કેટેગરીને પ્રાથમિકતા આપવા માટે કાયદા ઘડતા રાજ્ય સરકારોને અટકાવી શકાય નહીં.

રાજ્યો અનામત આપવા રાજ્ય સરકારો તેમના પ્રદેશની વસતીના આધારે અનામતની જોગવાઇ કરી શકે છે. તેથી તેઓ એસસી-એસટીમાં પેટા જાતિઓને વર્ગીકૃત પણ કરી શકે છે. આ પ્રકારની પ્રાથમિકતાના કારણે રાજ્યમાં અનામતના લાભાર્થીઓને અસર થવાની નથી. અનામતની યાદીમાં આવતી સબ-કેટેગરીને પ્રાથમિકતા આપતા કાયદા ઘડતા રાજ્ય સરકારને અટકાવી શકાય નહીં.

શું હતો વર્ષ ૨૦૦૪નો ઇ વી ચિન્નૈયાહ વિરુદ્ધ આંધ્રપ્રદેશ સ્ટેટ કેસમાં સુપ્રીમનો ચુકાદો

૨૦૦૪માં ઇ વી ચિન્નૈયાહ કેસમાં બંધારણીય બેન્ચે ચુકાદો આપ્યો હતો કે, એસસી અને એસટી કેટેગરીમાં રાજ્ય દ્વારા નક્કી કરાતી સબ કેટેગરી ગેરબંધારણીય છે. રાજ્ય એસસી-એસટી અનામતમાં સબ કેટેગરી નક્કી કરી પ્રાથમિકતા આપી શકે નહીં. બંધારણના આર્ટિકલ ૩૪૧ અંતર્ગતના પ્રેસિડેન્શિયલ લિસ્ટમાં સામેલ શિડયુલ્ડ કાસ્ટમાંથી જાતિઓને બાકાત કરવાનો નિર્ણય ફક્ત સંસદ લઇ શકે છે.

શું હતો કેસ અને પંજાબ અને હરિયાણા હાઇકોર્ટનો ચુકાદો?

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે તેના ચુકાદામાં પંજાબ સરકાર દ્વારા ઘડાયેલા પંજાબ એસસી અને બીસી ક્લાસિસ (રિઝર્વેશન સર્વિસિસ) એક્ટ, ૨૦૦૬ના સેક્શન ૪(૫)ને રદ કરી નાખ્યો હતો. આ કાયદા અંતર્ગત એસસી માટેના ૫૦ ટકા અનામત ક્વોટામાં વાલ્મીકિ અને માઝબી શિખોને પ્રાથમિકતા આપવાની જોગવાઇ કરાઇ હતી.

( Source – Sandesh )