સેનિટાઇઝ કરવા અને ધોવાથી કરોડોની ચલણી નોટ થઈ ખરાબ, આંકડો ચોંકાવનારો

સેનિટાઇઝ કરવા અને ધોવાથી કરોડોની ચલણી નોટ થઈ ખરાબ, આંકડો ચોંકાવનારો

કોરોના કાળમાં લોકોમાં સાવચેતીની સાથે ભય પણ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો તો સંક્રમણના ડરથી નોટોને પણ સેનેટાઇઝ કરી રહ્યા છે. જેના કારણે ચલણી નોટો સેનિટાઇઝ કરવા, ધોવા અને તડકામાં સૂકવવાથી મોટી સંખ્યામાં કરન્સી બગડી છે. આ જ કારણ છે કે ભારતીય રિઝર્વ બેંક(RBI) સુધી પહોંચેલી ખરાબ નોટોની સંખ્યાએ આજ સુધીના તમામ રેકોર્ડ તોડ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ સૌથી વધુ બે હજાર રૂપિયાની નોટોને નુકસાન થયું છે. આ વખતે 2 હજારની 17 કરોડથી વધુ નોટો આરબીઆઈ પાસે આવી છે. આ સિવાય 200, 500, 10 અને 20 રૂપિયાની નોટો પણ ઘણી ખરાબ થઈ છે. રિપોર્ટ મુજબ આ વર્ષે 2 હજાર રૂપિયાની 17 કરોડ નોટ ખરાબ થઈ. આ સંખ્યા ગત વર્ષની સરખામણીએ 300 ગણી વધારે છે. આપને જણાવી દઈએ કે શરૂઆતમાં જ્યારે કોરોના ચેપ ચરમ સીમાએ હતો ત્યારથી લોકોએ સાવચેતીના ભાગરૂપે ચલણી નોટોને ધોવા, તડકામાં સૂકવવાનું અને સેનિટાઇઝિંગ કરવા શરૂ કર્યું.

બેંકોમાં પણ નોટોના બંડલ સેનેટાઇઝ સ્પ્રે કરવામાં આવી રહ્યા છે. જેના પરિણામે નવી કરન્સી પણ વર્ષ દરમિયાન ખૂબ જ ખરાબ થઈ રહી છે. રિપોર્ટ પ્રમાણે ગત વર્ષે 2000ના 6 લાખ નોટ આવ્યા હતા. જ્યારે આ વખતે સંખ્યા 17 કરોડથી વધુ છે. 500ની નવી કરન્સી 10 ગણી વધારે ખરાબ થઈ ગઈ છે. જ્યારે 200ની નોટ તો ગત વર્ષની સરખામણીએ 300 ગણી વધારે ખરાબ થઈ છે. 20ની નવી કરન્સી નોટ આ વર્ષમાં 20 ગણી વધુ ખરાબ થઈ છે.