જે કહો એ યુનિવર્સિટીની નકલી માર્કશીટ બનાવનાર ભેજાબાજ ઝડપાયા, વસુલતા હતા લાખો રૂપિયા

જે કહો એ યુનિવર્સિટીની નકલી માર્કશીટ બનાવનાર ભેજાબાજ ઝડપાયા, વસુલતા હતા લાખો રૂપિયા

અલગ અલગ યુનિવર્સિટીની બનાવટી માર્કશીટ બનાવવાના કૌભાંડમાં વસ્ત્રાપુર પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ લાખો રૂપિયા લઈને બનાવટી માર્કશીટ બનાવી આપતા હતા. જોકે બાતમી મળતા જ પોલીસે છટકું ગોઠવી બે આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસ સંકજામાં આવેલા આ બંને આરોપીઓને શોર્ટ કટથી રૂપિયા કમાવવા ભારે પડ્યા છે. આરોપીઓ મદ્રાસ યુનિવર્સિટી સહિતની યુનિવર્સિટીના બનાવટી સર્ટિ અને માર્કશીટ બનાવી આપતા હતા.

પોલીસે છટકુ ગોઠવીને 2ની ધરપકડ કરી

આના બદલામાં તેઓ લાખો રૂપિયા વસૂલ કરતા હતા. પોલીસને બાતમી મળતા જ પોલીસે જાતે જ છટકું ગોઢવી પ્રજેશ જાની અને કલ્પેશ પાઠક નામના આરોપીની ધરપકડ કરી બોગસ માર્કશીટ અને સિક્કા કબ્જે કર્યા છે. પ્રજેશ જાની આ સમગ્ર કૌભાંડનો માસ્ટર માઈન્ડ હોવાનુ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

3 લાખ રૂપિયાની માંગણી કરી હતી

કલ્પેશ પાઠક આવા ગ્રાહકો શોધી લાવતો અને તેનો સંપર્ક પ્રજેશ સાથે કરાવતો. પ્રજેશ અલગ અલગ કોર્ષની જે યુનિવર્સિટીની કહો તેની બનાવટી માર્કશીટ અને સર્ટિ બનાવી આપતો હતો. આરોપીને પોલીસે ગોઠવેલ ટ્રેપમાં મદ્રાસ યુનિવર્સિટીની એન્જિનિયરિંગની માર્કશીટ બનાવી આપવા માટે કહ્યું હતું. જેના બદલામાં રૂપિયા ત્રણ લાખની માંગણી કરી હતી.

પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે

આરોપી પ્રજેશ જાની બોડકદેવ વિસ્તારમાં રહે છે, જ્યારે કલ્પેશ દહેગામ નો વતની છે. કલ્પેશ દેહગામ તેના સબંધીને ત્યાં જતો હતો ત્યારે બંનેનો સંપર્ક થયો હતો. હાલમાં પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું, તેમાં અન્ય કોણ કોણ આરોપીઓ સંડોવાયેલ છે અને માર્કશીટ તેમજ સર્ટિ ક્યાં પ્રિન્ટ કરાવતા હતા આ તમામ બાબતોને લઈને વધુ તપાસ શરૂ કરી છે.