મહેસાણામાં સી.આર. પાટિલે કાર્યકરોને કહ્યું-‘જૂથવાદમાં પડતા નહીં, અહીં મત મોદીના નામે જ મળે છે’

મહેસાણામાં સી.આર. પાટિલે કાર્યકરોને કહ્યું-‘જૂથવાદમાં પડતા નહીં, અહીં મત મોદીના નામે જ મળે છે’

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન શુક્રવારે સવારે પાટણથી ઊંઝા વચ્ચે ભવ્ય સ્વાગત થયુ હતુ. કાર્યકરોને સંબોધતા પાટીલે કાર્યકરોને જુથવાદમાં પડયા વગર વિધાનસભામાં ૧૮૨ બેઠકો જીતવા માછલીની આંખની લક્ષ્ય નક્કી હોવાનું કહ્યુ હતુ. કોંગ્રેસીઓની કોઈ વિશ્વસનિયતા રહી નથી. ગ્રાઉન્ડ લેવલે સંપૂર્ણ સક્રિયાતા સાથે અથાગ પરિશ્રમ કરતો ભાજપનો કાર્યકર્તા જ ભાજપની તાકાત હોવાનું કહેતા તેમણે અહીં મત મોદીના નામે જ મળે છે તેમ જણાવ્યુ હતુ.

ભાજપના સંગઠનાત્મક પ્રવાસના બીજા દિવસે પાટણમાં કાળકા માતાજી, વીર માયા મેઘવાળની ટેકરીએ દર્શન કર્યા બાદ ઊંઝા સ્થિત ઉમિયા માતાજી મંદિરમાં સુરતમાં વેપારધંધાર્થે સ્થાયી ઉત્તર ગુજરાતના મુળવતનીઓ દ્વારાપાટીલની રજત તુલા થઈ હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ઉર્જા મંત્રી સૌરભ પટેલ સહિતના પાટીદાર ધારાસભ્યો પણ ઊંઝાથી પાટીલના પ્રવાસમાં જોડાયા હતા.

વિસનગર પાસે તરભ સ્થિત રબારી સમાજના આસ્થાના પ્રતિક એવા વાળીનાથ ધામમાં પણ પાટીલની રજતતુલા કરાઈ હતી. એસ્કોર્ટ બેન્ડથી મહેસાણામાં સ્વાગત બાદ કાર્યકરોને સંબોધતા પાટીલે કાર્યકરોને જુથવાદથી દૂર રહેવા તાકીદ કરી હતી.

તેમણે અહીં કોઈ જુથવાદ તો નથી ને ? તેની પૃચ્છા કરતા કહ્યુ કે, અહીં બેસેલા તમામને હું પેજ પ્રમુખ ઘોષિત કરૂ છુ. તમામ પ્રમુખે જુદા જુદા સમાજના મતદારોને સમિતિના સભ્ય બનાવી જવાબદારી વહેંચો. સ્વાગત કાર્યક્રમોને કારણે પાટીલનો પ્રવાસ વિલંબમાં ચાલતા શનિવારે આવા કાર્યક્રમોને પડતા મુકાયા છે.