સુશાંત સિંહ રાજપુત કેસમાં AIIMSએ કર્યો સનસની ઘટસ્ફોટ, હાઈપ્રોફાઈલ કેસમાં નવો જ વળાંક

સુશાંત સિંહ રાજપુત કેસમાં AIIMSએ કર્યો સનસની ઘટસ્ફોટ, હાઈપ્રોફાઈલ કેસમાં નવો જ વળાંક

સુશાંતના મૃત્યુ બાદ ઊભી થયેલી અનેક અટકળો વચ્ચે કેસમાં નવો જ વળાંક આવ્યો છે. તાજેતરમાં આઈએએનએસનો અહેવાલ આવ્યો છે કે, સુશાંતના વિસરા યોગ્ય રીતે પ્રિઝર્વ કરવામાં ન આવ્યા હોવાથી તેનો ફોરેન્સિક રિપોર્ટ બનવામાં વિલંબ થઈ રહ્યો છે. એમ્સની ફોરેન્સિક ટીમે જણાવ્યું હતું કે, મુંબઈ પોલીસ અથવા તો સુશાંતની ઓટોપ્સી કરનાર કૂપર હોસ્પિટલના મેડિકલ બોર્ડ દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાથી વિસરા ખરાબ થઈ ગયા છે અને તેના ઉપર ટેસ્ટિંગ કરવામાં વિલંબ થઈ રહ્યો છે.

એમ્સની ટીમે જણાવ્યું કે, અમને આપવામાં આવેલા વિસરા ખૂબ જ ઓછા અને વિકૃત સ્થિતિમાં છે. આ વિસરા દ્વારા સુશાંતનાં મોત અંગે ઘણા ખુલાસા થાય તેમ છે. તેના કારણે એમ્સ દ્વારા સીબીઆઇને રવિવારના બદલે આગામી અઠવાડિયે અહેવાલ સોંપવામાં આવશે.

સીબીઆઇના કહેવાથી ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે

સુશાંતનાં મૃત્યુ બાદ મુંબઈ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તપાસ અંગે ચારેતરફથી સવાલો ઊભા થતાં કેન્દ્ર દ્વારા અને સુપ્રીમ કોર્ટ દ્વારા સીબીઆઇ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. સીબીઆઇ તપાસ દરમિયાન જ સીબીઆઇના કહેવાથી એમ્સની ફોરેન્સિક એક્સ્પર્ટ ટીમ મૃત્યુ કેસમાં તપાસ કરી રહી છે. એક ટીમ દ્વારા ઘટનાનું રિક્રિયેશન કરાયું હતું જ્યારે બીજી ટીમ સુશાંતના વધેલા વિસરાનું ટેસ્ટિંગ કરતી હતી. સૂત્રોના મતે મુંબઈના કૂપર હોસ્પિટલના પાંચ ડોક્ટર્સની ટીમ દ્વારા ૧૫ જૂને સુશાંતની ઓટોપ્સી કરીને તેના વિસરા પ્રિઝર્વ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે વિસરા મુંબઈ પોલીસને આપી દીધા હતા. તેમાં લિવર, પેન્ક્રિયાઝ અને આંતરડા જેવા અંગોનો સમાવેશ થાય છે. અહીંયા જ કોઈ બેદરકારી દાખવવામાં આવી હોય તેવી શંકાઓ સળવળી રહી છે.

સત્ય સામે આવી જ જશે : ડો. સુધીર ગુપ્તા

એમ્સની ફોરેન્સિક પેનલના વડા ડો. સુધીર ગુપ્તાએ જણાવ્યું કે, ફોરેન્સિક ટીમને ખૂબ જ ઓછા વિસરા મળ્યા છે અને તેને પણ યોગ્ય રીતે સાચવવામાં આવ્યા ન હોવાથી બગડી ગયા છે. શુક્રવાર સાંજ સુધી તેના ઉપર સંશોધન ચાલુ હતું. તેમણે એમ પણ જણાવ્યું કે, વિસરાની સ્થિતિ સારી ન હોવાથી કેમિકલ અને ટોક્સિકોલોજિકલ તપાસમાં મુશ્કેલી આવી રહી છે. સુશાંતની મોત ઝેર આપવાથી અથવા તો ડ્રગના ઓવરડોઝથી થઈ હોવાની દિશામાં તપાસ કરવા માટે આ વિસરા ખૂબ જ મહત્ત્વના છે. તેમ છતાં અમે સત્ય સામે લાવીને જ રહીશું.

સૂત્રોના મતે વિસરામાં ખરાબીના કારણે એમ્સનો રિપોર્ટ રવિવારના બદલે આગામી અઠવાડિયે આવે તેવી શક્યતા છે. બીજી તરફ સૂત્રોમાં ગણગણાટ છે કે, 20 સપ્ટેમ્બરના બદલે એમ્સની ફોરેન્સિક ટીમ હવે 22 સપ્ટેમ્બરને મંગળવારે સીબીઆઇની ટીમ સાથે બેઠક કરીને પોતાનો અહેવાલ આપશે. આ ઉપરાંત મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, તમામ દસ્તાવેજો અને ફોરેન્સિક પુરાવાને સાચવવાનો પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમે ઘણા સેન્સિટિવ અને હાઈ પ્રોફાઈલ કેસમાં તપાસ કરી છે. મુંબઈ પોલીસ પ્રોફેશનલ રીતે પોતાનું કામ કરી રહી છે.