કોરોના : રાજ્યકક્ષાનો વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ રદ

કોરોના : રાજ્યકક્ષાનો વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ રદ

। ગાંધીનગર ।

ગુજરાત સરકાર દ્વારા દરવર્ષે યોજાતો રાજ્યકક્ષાનો નવરાત્રિ મહોત્સવ આ વર્ષે કોરોનાને વૈશ્વિક મહામારીને કારણે રદ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે આ નિર્ણયની જાણ કરતા આ વખતે અમદાવાદ સ્થિત GMDC ગ્રાઉન્ડમાં યોજાતી વાઈબ્રન્ટ નવરાત્રિ-૨૦૨૦ની ઉજવણી નહીં થાય તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. માત્ર સરકારી આયોજન જ નહી પાર્ટી પ્લોટ, ક્લબો અને ઈન્ડોર- આઉટડોર સ્ટેડિયમમાં થતા કોર્મશિયલ ગરબાને પણ મંજૂરી નહી મળે. તેની સત્તાવાર જાહેરાત ચાર દિવસ પછી ઓક્ટોમ્બરમાં થશે.

કોરોના વાઈરસનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. ગુજરાત સરકાર પહેલાથી જ નવરાત્રિના નામે કોમર્શિયલ ગરબા યોજતા વ્યવસ્થાપકો, ઈવેન્ટ કંપનીઓને આ વર્ષે આયોજન ન કરવા ના પાડી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તેનો ચોખ્ખેચોખ્ખો  ફોડ પાડયો જ છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ વેપારી ધોરણે થતા ગરબાના આયોજનોને મંજૂરી ન મળવી જોઈએ તેવો સ્પષ્ટ મત જાહેર કરી ચૂક્યા છે. આથી, કોમર્શિયલ નવરાત્રિ આયોજનોની મંજૂરી ન આપવાનો નિર્ણય ગમે ત્યારે લેવાશે. કોરોના મહામારી વચ્ચે સરકાર પોતાના વલણ ઉપર વળગી રહી છે. તેના આધારે સરકારી નવરાત્રિ આયોજન બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં અનલોક-૪ની ગાઈડલાઈન અમલમાં છે. સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થયા બાદ અત્યાર સુધીમાં કોરોના મહામારીને આધારે ધ્યાને લઈને સમીક્ષા કર્યા બાદ ઓક્ટોબરમાં કોમર્શિયલ ગરબના આયોજનને મંજૂરી નહી આપવાનો નિર્ણય જાહેર કરવામાં આવશે. જો કે, નાગરિકો ઘર આંગણે માતાજીની પૂજા- અર્ચના, આસો સુદ આઠમે દેવી મંદિરોમાં થતા અનુષ્ઠાન, હોમ- હવન અને પલ્લી ઉત્સવ જેવા અનેક લોકોત્સવો માટે અલગથી ગાઈડલાઈન જાહેર થશે.

૧૭ ઓક્ટોબરથી નવરાત્રિનો આરંભ થઈ રહ્યો છે. કોરોના કહેર વચ્ચે પણ કોમર્શિયલ ગરબા આયોજકો, ઈન્વેન્ટ કંપનીઓની તાલાવેલી સામે રાજ્યભરના .ડોક્ટરો ચેતવણી આપી ચૂક્યા છે. તેવામાં મુખ્યમંત્રીએ સ્વંય સરકારી નવરાત્રિ આયોજન રદ કર્યુ છે તો કોર્મશિયલ આયોજકો અને ઈન્વેટ કંપનીઓએ પણ સમજવુ જોઈએ. નહિંતર, માંડમાંડ નિયંત્રણ હેઠળ રહેલા કોરોનાનો ફેલાવો વધુ વકરશે એ નક્કી છે.