મોટા મેદાનમાં ગરબાને મંજૂરી નહીં, શેરી ગરબાનો નિર્ણય અનલોક-5ની ગાઈડલાઈનના આધારે – નીતિન પટેલ

મોટા મેદાનમાં ગરબાને મંજૂરી નહીં, શેરી ગરબાનો નિર્ણય અનલોક-5ની ગાઈડલાઈનના આધારે – નીતિન પટેલ

મોટા મેદાનોમાં મોટા પાયે થતા નવરાત્રિ આયોજનોને મંજૂરી નહી મળે, તેની શક્યતા પણ નહિવત છે. પરંપરાગતપણે નવરાત્રિમાં શેરી- મહોલ્લાઓમાં ઘર આંગણે થતા માતાજીના ગરબા માટે સરકાર ચોક્કસપણે વિચારશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અનલોક- પાંચની ગાઈડલાઈનનો અભ્યાસ અને આગામી દિવસોમાં કોરોનાની સ્થિતિની સમિક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવાશે એમ કહ્યુ હતુ.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બુધવારે કેબિનેટની બેઠક બાદ મિડિયા બ્રિફિંગ દરમિયાન મોટાપાયે થતા નવરાત્રિ આયોજનોને મંજૂરી સંદર્ભે સ્પષ્ટ વાત કરતા કહ્યુ કે, ભારત સરકાર અનલોક-૫ની ગાઈડલાઈન જાહેર કરશે તેનો રાજ્ય સરકાર અભ્યાસ કરશે અને બાદમાં શેરીગરબા સંદર્ભે નિર્ણય લેવામાં આવશે.

તેમના આ સૂચક નિવેદનથી સ્પષ્ટ થઈ ગયુ છે કે આ વર્ષો કોરોના મહામારીમાં શહેરોમાં મોટાપાયે થતા નવરાત્રિ આયોજનોને મંજૂરી નહી જ મળે પણ પોળ, મહોલ્લા અને શેરીમાં થતા પારંપરિક ગરબામાં પણ કેવી રીતે અને કેટલા સમય માટે આરતી, ગરબા થશે તેના માટે ગાઈડલાઈન અને ઓક્ટોબરના બે સપ્તાહ દરમિયાન કોરોનાના ચેપના ફેલાવાની સ્થિતિને ધ્યાને રાખીને નિર્ણય લેવાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બે દિવસ પહેલાં જ રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે દરવર્ષે ઊજવાતા વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનુ આયોજન રદ કરવાનું જાહેર કર્યુ હતુ.