VVIP પ્રવાસ માટે તૈયાર થયેલું અભેદ કિલ્લા સમાન એર ઇન્ડિયા વન ભારત આવ્યું

VVIP પ્રવાસ માટે તૈયાર થયેલું અભેદ કિલ્લા સમાન એર ઇન્ડિયા વન ભારત આવ્યું

। નવી દિલ્હી ।

વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના ઉપયોગ માટે કામમાં લેવાનારું સ્ટેટ ઓફ આર્ટ ટેકનોલોજીથી સજ્જ એર ઇન્ડિયા વન બોઇંગ ૭૭૭-૩૦૦ ઇઆર વિમાન આખરે ભારત આવી પહોંચ્યું છે. આ વિમાન છેલ્લા ૨૫ વર્ષથી વીવીઆઇપી સેવામાં તૈનાત થયેલા ૭૪૭-૪૦૦ વિમાનનું સ્થાન લેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ એર ઇન્ડિયા વનનો ઉપયોગ કરશે.

આધુનિક બોઇંગ ૭૭૭-૩૦૦ ઇઆર વિમાન તે ઉડતા અભેદ કિલ્લા જેવું વિમાન છે. અમેરિકી પ્રમુખના એર ફોર્સ વનના મોડલ આધારે એર ઇન્ડિયા વન પણ આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. એર ઇન્ડિયા વન મિસાઇલનો સામનો કરવાની પણ ક્ષમતા ધરાવે છે. ભારતીય વાયુસેના એર ઇન્ડિયા વનની જાળવણી કરશે. વિમાન ઉત્પાદક કંપની બોઇંગ આ વિમાનની ડિલિવરી ઓગસ્ટમાં આપવાની હતી પરંતુ ટેકનિકલ કારણોસર ડિલિવરીમાં વિલંબ થયો છે.

હવામાં ઉડતા પીએમઓની જેમ કામ કરી શકાશે

જાણકારોના મતે એર ઈન્ડિયા વનનું ઈન્ટિરિયર પણ એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે, તે ઉડતા પીએમઓની જેમ કામ કરશે. તેમાં વીવીઆઈપી માટે વિવિધ સુવિધાઓ અને ઓફિસ સ્પેસ હશે. તે ઉપરાંત વીવીઆઈપી સાથેના મહેમાનો માટે બિઝનેસ ક્લાસની બેઠકો જ્યારે પ્લેનના પાછળના ભાગમાં ઈકોનોમિક ક્લાસની બેઠકો હશે.

વાયુસેનાના પાઇલટ સંભાળશે સંચાલન

વિમાન સિક્યુર્ડ કોમ્યુનિકેશન સિસ્ટમથી સજ્જ છે. રેકોર્ડ કે ટેપ ના થઇ શકે તે રીતે વિમાનમાંથી સંદેશા વ્યવહાર થઇ શકે છે. વિમાન બે જીઇ૯૦- ૧૧૫બીએલ એન્જિનથી સંચાલિત છે. એર ઇન્ડિયા વનને એર ઇન્ડિયા નહીં પણ વાયુસેનાના પાઇલટ ઉડાડશે. વિમાન મિનિ મેડિકલ સેન્ટર પણ ધરાવે છે. વિમાન ફરી ઇંધણ ભર્યા વિના ૧૭ કલાકની ઉડાન ભરી શકે છે.

રૂપિયા ૮૪૫૮ કરોડને ખર્ચે તૈયાર થયો ઉડતો અભેદ કિલ્લો  

એર ઇન્ડિયા વન તે ઉડતા અભેદ કિલ્લા જેવું વિમાન છે અને રૂપિયા ૮૪૫૮ કરોડને ખર્ચે તૈયાર થયું છે. વિમાન સ્ટેટ ઓફ આર્ટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમથી સજ્જ છે. તે સિસ્ટમ લાર્જ એરક્રાફ્ટ ઇન્ફ્રારેડ કાઉન્ટર મેજરને નામે ઓળખાય છે. તેમાં બેસાડવામાં આવેલ સેલ્ફ પ્રોટેક્શન સ્યૂટ શત્રુની રડાર ફ્રીક્વન્સીને જામ કરવાની ક્ષમતા ધરાવે છે. વિમાન માત્ર હુમલો ખાળવાની ક્ષમતા જ નથી ધરાવતું પરંતુ વળતા પગલાં લેવાની પણ ક્ષમતા ધરાવે છે.