હવે કોઈ તમારી જમીન કે પ્રોપર્ટી સામે આંખ ઊંચી કરીને જોઈ શકશે નહીં : મોદી

હવે કોઈ તમારી જમીન કે પ્રોપર્ટી સામે આંખ ઊંચી કરીને જોઈ શકશે નહીં : મોદી

। નવી દિલ્હી ।

પીએમ મોદીએ રવિવારે સ્વામિત્વ યોજના ખુલ્લી મૂકીને લોકોને પ્રોપર્ટી કાર્ડની વહેંચણી કરી હતી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ૧ લાખથી વધુ લાભાર્થીઓને સંબોધતા મોદીએ કહ્યું હતું કે હવે કોઈ તમારી જમીન કે પ્રોપર્ટી સામે આંખ ઊંચી કરીને જોઈ શકશે નહીં. સ્વામિત્વ યોજના ગ્રામીણ ભારતને આત્મનિર્ભર બનાવતું ઐતિહાસિક પગલું છે, આજે આપની પાસે એક અધિકાર છે. એક કાનૂની દસ્તાવેજ છે જે દર્શાવે છે કે આપનું ઘર આપનું જ છે અને આપનું જ રહેશે. સ્વામિત્વ યોજના હેઠળના આ પ્રોપર્ટી કાર્ડને દર્શાવીને લોકો બેન્કો પાસેથી આસાનીથી લોન લઈ શકશે.  આપણે ગામડાઓને તેમના હાલ પર છોડી શકીએ નહીં. કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય પંચાયતી દિવસ ૨૪ એપ્રિલ ૨૦૨૦ના દિવસે સ્વામિત્વ યોજના લોન્ચ કરાઈ હતી.

આખી યોજનાને સર્વે ઓફ વિલેજિસ એન્ડ મેપિંગ વિથ ઈમ્પ્રૂવાઈઝડ ટેકનોલોજી ઈન વિલેજ એરિયાસ એવું નામ આપવામાં આવ્યું છે. મોદીએ આ પ્રસંગે ભારત રત્ન લોકનાયક જયપ્રકાશ નારાયણ તેમજ ભારત રત્ન નાનાજી દેશમુખને જન્મજયંતી પર યાદ કર્યા હતા.

દેશને લૂંટનારાઓને લોકો હવે ઓળખી ગયા છે : વડા પ્રધાન મોદી

મોદીએ કહ્યું કે દેશને લૂંટનારાઓને લોકો હવે ઓળખી ગયા છે. આવા લોકો આંખો બંધ કરીને દરેક વાતનો વિરોધ કરે છે. તેમને ગરીબોની, ગામડાઓની કે દેશની પરવા નથી. તેઓ દેશનો વિકાસ રોકવા માગે છે. ગામડાઓ, ખેડૂતો, મજૂરો આત્મનિર્ભર બને તેવું તેઓ ઈચ્છતા નથી. ગામડાને આત્મનિર્ભર બનાવવા સ્વામિત્વ યોજના મહત્ત્વની છે.

વચેટિયાઓના રસ્તા બંધ થતાં કૃષિ કાયદાનો વિરોધ 

મોદીએ વિપક્ષોને ઝાટકતા કહ્યું કે કૃષિ કાયદામાં સુધારા કરીને સરકારે વચેટિયાઓની બ્લેકમનીની કમાણીનો રસ્તો બંધ કરી દીધો એટલે સરકારની યોજનાઓનો વિરોધ કરે છે. વિપક્ષો વચેટિયાઓને વેચાઈ ગયા છે. ખેડૂતોનાં ખાતામાં પૈસા સીધા જમા થવાથી કાળી કમાણી બંધ થઈ છે.

સૌથી વધુ યુપીના ૩૪૬ ગામમાં કાર્ડ અપાયાં

મોદીએ ૧ લાખથી વધુ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનાં માલિકી હકનું વિતરણ કર્યું હતું. જેમાં યુપીનાં ૩૪૬ ગામનાં, હરિયાણાનાં ૨૨૧, મહારાષ્ટ્રનાં ૧૦૦, ઉત્તરાખંડનાં ૫૦, મ.પ્રદેશનાં ૪૪ અને કર્ણાટકનાં ૨ ગામનાં લોકોનાં કાર્ડ બનાવાયાં છે.

પ્રોપર્ટી યોજનાના ફાયદા શું છે?

  • પ્રોપર્ટીના માલિકને તેની મિલકતનો માલિકી હક આસાનીથી મળશે.
  • લાભાર્થી પાસે કેટલી મિલકત છે તે નક્કી થયા પછી તેની કિંમત આસાનીથી નક્કી કરી શકાશે.
  • પ્રોપર્ટી કાર્ડને આધારે લાભાર્થી બેન્કો પાસેથી લોન લઈ શકશે.
  • પંચાયતી સ્તરે ટેક્સ ઉઘરાવવામાં સરળતા થશે.
  • ગામડાનાં લોકો પ્રોપર્ટી કાર્ડનો ઉપયોગ નાણાકીય એસેટ તરીકે કરી શકશે અને તેનાં દ્વારા બેન્કોમાંથી લોન કે અન્ય નાણાકીય લાભ મેળવી શકશે.

કેન્દ્ર સરકારને શું લાભ થશે?

  • ગ્રામીણ ભારતમાં નાણાકીય સ્થિરતા લાવી શકાશે.
  • પ્લાનિંગ દ્વારા જમીનના નક્કર રેકોર્ડ મેળવી શકાશે.
  • પ્રોપર્ટી ટેક્સ નક્કી કરવામાં સરળતા રહેશે.
  • દરેક જમીન અને મકાનનાં સર્વે ઈન્ફ્રાસ્ટ્રકચર નક્કી થશે અને GIS મેપ્સ તૈયાર કરી શકાશે.
  • ગ્રામ પંચાયતો વિકાસ યોજનાઓ અને વિકાસલક્ષી કામો જમીનના વિવાદ વગર ઝડપથી કરી શકશે.
  • પ્રોપર્ટીને લગતા વિવાદ અને કાનૂની કેસોમાં ઘટાડો થશે, જેના પગલે લોકોના નાણાં અને કોર્ટનો સમય બચશે.