અમેરિકામાં આજે મતદાન : પુનરાવર્તન કે પરિવર્તન ઉપર સમગ્ર વિશ્વની નજર

અમેરિકામાં આજે મતદાન : પુનરાવર્તન કે પરિવર્તન ઉપર સમગ્ર વિશ્વની નજર

। વોશિંગ્ટન ।

અમેરિકાના ૪૬મા રાષ્ટ્ર પ્રમુખની પસંદગી માટે મંગળવારે મતદાન યોજાવાનું છે. ટ્રમ્પના પુનરાગમન સાથે સ્થિતિ યથાવત્ રહેશે કે બાઈડેનના આગમન સાથે અમેરિકામાં પરિવર્તનના પવન ફૂંકાશે તે જોવા રહ્યું. આ તમામ બાબતે સમગ્ર વિશ્વની નજર અમેરિકા ઉપર મંડાયેલી છે ત્યારે અમેરિકનો દ્વારા સવારે ૬ વાગ્યાથી મતદાન કરવામાં આવશે. અમેરિકાના ૫૦ રાજ્યોમાં એકસાથે જ મતદાન યોજાશે. મતદાન સવારે સ્થાનિક સમય પ્રમાણે ૬ વાગ્યાથી શરૂ થશે અને રાત્રે નવ વાગ્યા સુધી ચાલશે. ભારતીય સમય પ્રમાણે મંગળવારે સાંજે ૪.૩૦ કલાકથી અમેરિકામાં મતદાન શરૂ થશે. રાત્રે મતદાન પૂરું થતાની સાથે જ કોણ વિજયી બનશે તેનો પ્રાથમિક અંદાજ આવી જશે. ઉલ્લેખનીય છે કે, આ વખતની ચૂંટણી ખૂબ જ હાઈપ્રોફાઈલ જણાઈ રહી છે. બાઈડેન સત્તા પરિવર્તન માટે મહેનત કરી રહ્યા છે ત્યારે ટ્રમ્પ સત્તા ટકાવી રાખવા મેદાને પડયા છે. હવે અમેરિકનો સતત બીજી વખત ટ્રમ્પને ચાન્સ આપે છે કે કેમ તે જોવું રહ્યું. આ બધા વચ્ચે ટ્રમ્પના સમર્થકો અને ટીમ દ્વારા કાયદાકિય લડાઈ માટે પણ તૈયારીઓ કરવામાં આવી છે. સૂત્રોના મતે જો સ્થિતિ વણસે અથવા તો વિપરિત આવે તો ટ્રમ્પ અને તેમની ટીમ કોર્ટમાં જવા માટે સજ્જ છે. બીજી તરફ મતદાનના આગલા દિવસે પણ બાઈડેનના સમર્થકો સાથે હિંસક ઝડપ કરનારા ટ્રમ્પના ચાહકો વધુ આકરી સ્થિતિ માટે સજ્જ જણાઈ રહ્યા છે. જાણકારોના મતે ટ્રમ્પની તરફેણમાં પરિણામ નહીં આવે તો દેશભરમાં હિંસા અને વિરોધ પ્રદર્શનો થવાની શક્યતાઓને નકારી શકાય નહીં.

સંભવિત અશાંતિની વચ્ચે લોકોમાં ફફડાંટ 

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી આડે ગણતરીના કલાકો છે ત્યારે અમેરિકાના કેટલાક અગ્રણી શહેરોના બિઝનેસીસ અને પ્રોપર્ટીના માલિકો ચૂંટણી દરમિયાન હિંસા ફાટી નીકળે તેવા સંજોગોમાં કોઈ તક લેવા માંગતાં નથી. વીકએન્ડ દરમિયાન દેશભરમાં કર્મચારીઓ સ્ટોર ફ્રન્ટ, બિઝનેસ ઓફિસીસ, રેસ્ટોરન્ટ્સ, બેન્કો, હેર સલૂન અને અન્ય કોમર્શિયલ પ્રોપર્ટીમાં પાટિયાં જડતાં જોવાયાં હતાં કારણ કે સત્તાવાળાઓએ મંગળવારે રાત્રે સંભવિત અશાંતિની ચેતવણી ઉચ્ચારી છે. બિઝનેસીસ ગઈ ૨૫ મેના રોજ જે થયું હતું તેનું પુનરાવર્તન થાય તેવું નથી ઇચ્છતાં. મિનેપોલીસમાં જ્યોર્જ ફ્લોય્ડના પગલે દેશભરમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં અને તેનું નિશાન દુકાનો અને બિઝનેસીસ બન્યાં હતાં.શિકાગો, ન્યૂયોર્ક, લોસ એન્જલ્સ, પોર્ટલેન્ડ અને અન્ય અમેરિકન શહેરોમાં દુકાનો સળગાવાઇ હતી, મરચન્ડાઈઝની લૂંટ થઈ હતી અને બારી બારણાને તોડી નાખવામાં આવ્યાં હતાં તેથી આ વખતે રિટેલર્સ વધારે સાવધ છે.

ધનિકોએ સુરક્ષા માટે પ્રાઈવેટ ગાર્ડ સજ્જ કરી દીધા 

ન્યૂયોર્ક શહેરમાં ગાર્ડિયન એન્જલ્સ નામની એક સ્વૈચ્છિક સંસ્થા છે ક્રાઇમને રોકવા માટે સમુદાયોનું રક્ષણ કરે છે, તે પણ ચૂંટણીની રાત્રે પડોશીઓનું રક્ષણ કરવા માટે આયોજન કરે છે. ગાર્ડિયન એન્જલ્સના સ્થાપક ર્કિટસે જણાવ્યું હતું કે અમારી અપેક્ષા છે કે ચૂંટણીના પરિણામોથી એક પક્ષ રાજી થશે અને બીજો નારાજ પરંતુ વધારે મહત્ત્વપૂર્ણ રીતે જેમની કોઈ રાજકીય ઓળખ નથી તેવા લૂંટારાઓ અને ઠગો પરિસ્થિતિનો લાભ મેળવવાનો પ્રયાસ કરી શકે અને ફરીવાર તોફાનો કરી લૂંટ ચલાવી શકે. ન્યૂયોર્ક શહેરમાં વીકએન્ડ દરમિયાન ઘણા ફિફ્ટ એવન્યુ સ્ટોરફ્રન્ટ પર લાકડાંનાં પાટિયાં વાગી ગયાં હતાં. ન્યૂયોર્કના લેન્ડમ્ક્ર્ક ગણાતી પ્લાઝા હોટેલના રવેશમાં પ્લાઇવૂડ જડી દેવામાં આવ્યું છે. ડાઉનટાઉન મેનહટનમાં કેટલાક બિલ્ડિંગ્સ કે જે જૂનનાં તોફાનો દરમિયાન પાટિયાં લગાવ્યાં વગરનાં રહ્યાં હતાં તેમણે પણ અશાંતિની અપેક્ષા સાથે પાટિયાં લગાવી દીધાં છે. ન્યૂયોર્કના સમૃદ્ધોએ તોફાનો માટે સજ્જતા કેળવવા માટે હથિયારધારી ગાર્ડ્સને પણ રોકી લીધા છે. કોલમ્બસ સર્કલ પર ટાઇમ વોર્નર સેન્ટર ખાતે મેનેજરો દેખરેખ માટે ઓફ-ડયૂટી કોપ્સને સબમરિન ગન્સ સાથે ગોઠવી રહ્યા છે. હાલમાં મજબૂત સુરક્ષાવ્યવસ્થા ધરાવતાં ટોચના બિલ્ડિંગ્સ પણ વધારે સુરક્ષાવ્યવસ્થા ગોઠવી રહ્યાં છે. ન્યૂયોર્કમાં રોગચાળા દરમિયાન રેસ્ટોરન્ટ્સની બહાર રાખવામાં આવેલા ટેબલ અને ખુરશીઓને પણ હટાવી લેવાનો પોલીસે આદેશ કર્યો છે.

શિકાગોની પોલીસ રેડ એલર્ટ ઉપર 

આ વર્ષે રાજકીય વાતાવરણ અત્યંત ટેન્સ હોવાથી કેલિફોર્નિયાના અધિકારીઓ પણ હિંસાની સંભાવના અંગે ચિંતિત છે. બ્રેવર્લી હિલ્સ અને સાન ફ્રાન્સિસ્કોના કેટલાક બે એરિયામાં બારીઓને ઢાંકી દેવામાં આવી છે અને ઇમરજન્સી પ્લાન અમલમાં મુકાયો છે. જો કે અહેવાલો અનુસાર ચૂંટણીને લગતી હિંસાના મોરચે કેલિફોર્નિયામાં સાધારણ જોખમ છે. ઓરેન્જ કાઉન્ટીમાં એક વોટ સેન્ટરની બહાર શંકાસ્પદ પેકેટ મળી આવતાં તેને પગલે અધિકારીઓએ વેસ્ટમિનિસ્ટર કોમ્યુનિટી સર્વિસ બિલ્ડિંગને ખાલી કરાવ્યું હતું. વિસ્તારની પોલીસ તપાસ કરી રહી છે. ઓરેન્જ કાઉન્ટી વોટર રજિસ્ટ્રાર નીલ કેલીએ જણાવ્યું હતું કે બીજી નોટિસ આપવામાં ના આવે ત્યાં સુધી વોટ કાઉન્ટર બંધ રહેશે. આ કાઉન્ટીમાં મતદાન માટે ૧૬૭ અન્ય વોટ કાઉન્ટર્સ છે જેનો લોકો ઉપયોગ કરી શકશે. શિકાગો પોલીસ મંગળવારની ચૂંટણી બાદ કોઈપણ અશાંત સ્થિતિ માટે સજ્જ થઈ રહી છે તેમ શહેરના અધિકારીઓએ જણાવ્યું હતું.

ચૂંટણી એટ એ ગ્લાન્સ 

  • અમેરિકાના ૫૦ રાજ્યોમાં એક સાથે જ મતદાન થશે, મતદાન પૂરું થતાં જ ચિત્ર સ્પષ્ટ થઈ જશે
  • ચૂંટણીના દિવસે દેશભરમાં તોફાનો ફાટી નીકળવાની સ્થાનિક અને રાજ્ય અધિકારીઓને ચેતવણી
  • રિટેલર્સ અને અન્ય પ્રોપર્ટી માલિકોએ વીકએન્ડ દરમિયાન તેમના બિલ્ડિંગ્સ અને સ્ટોરફ્રન્ટનાં પાટિયાં પાડી દીધાં છે
  • બ્રેવર્લી હિલ્સ અને સાન ફ્રાન્સિસ્કોના કેટલાક બે એરિયામાં ઇમર્જન્સી પ્લાન અમલમાં મુકાયો
  • શિકાગોમાં મેયર લોરીએ પોલીસને ડાઉનટાઉનમાં કોમર્શિયલ એરિયાની નજીક રહેવા આદેશ કર્યો
  • વોશિંગ્ટન ડીસીમાં યુનિવર્સિટી સ્ટુડન્ટ્સને જીવનજરૂરી ચીજવસ્તુઓ ભરી લેવા સલાહ આપવામાં આવી