USA – ટેનેસીના લોકો કહે છે- ટ્રમ્પમાં અમે પોતાને જોઇએ છીએ, તેઓ જ અમેરિકાને મહાન બનાવી શકે અને ચીન તથા વસાહતીઓને અટકાવી શકે છે

USA – ટેનેસીના લોકો કહે છે- ટ્રમ્પમાં અમે પોતાને જોઇએ છીએ, તેઓ જ અમેરિકાને મહાન બનાવી શકે અને ચીન તથા વસાહતીઓને અટકાવી શકે છે

રાષ્ટ્રપતિ ટ્રમ્પના તે ગઢમાંથી ગ્રાઉન્ડ રિપોર્ટ કે જ્યાં તેઓ જીસસનો અવતાર ગણાય છે

રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકાના અમુક ભાગોમાં જીસસનો અવતાર ગણાય છે. ટેનેસી તે પૈકી એક છે. ગોરાઓની બહુમતીવાળા આ રાજ્યમાં ક્યાંય પણ જાવ, તમને ટ્રમ્પની જ ગૂંજ સંભળાશે. હાઇવે પર ઠેર-ઠેર મોટાં પોસ્ટર લાગ્યાં છે, જેમના પર લખ્યું છે, ‘આ જીસસ જ તમને બચાવી શકે છે.’ અહીંનો સમાજ ઘણો ધાર્મિક અને રૂઢિચુસ્ત છે. સ્કૂલોથી વધુ ચર્ચ છે.

મોટા-મોટા પ્રચારકોની પોતાની યુટ્યૂબ ચેનલ છે. અહીંના લોકો ટ્રમ્પના અને તેમની નીતિઓના કટ્ટર સમર્થક છે. આ યુટ્યૂબ બાબાઓનું કહેવું છે કે ટ્રમ્પ જીસસનું રાજ સ્થાપિત કરશે. ટ્રમ્પને લોકો શા માટે આટલા પસંદ કરે છે તે અંગે જેક્સન શહેરના ડૉ. સ્ટીવન્સ નેબારનું કહેવું છે કે અહીંનો શ્વેત સમાજ ટ્રમ્પમાં પોતાને જુએ છે, કેમ કે તેઓ બહુ ખૂલેલા છે. ટ્રમ્પ તેમના રિયાલિટી શો અને સૌંદર્યસ્પર્ધાના કારણે પણ અહીંના સમાજમાં ઘણા ચર્ચિત છે. ટ્રમ્પ પાસે એક લીડરમાં હોવી જોઇએ તે બધી જ ક્વોલિટી છે.

સ્ટીવન્સ કોરોના મુદ્દે ટ્રમ્પનો બચાવ કરતા કહે છે કે એક ડૉક્ટર હોવાના નાતે હું કહી શકું છું કે કોરોનાથી 2 લાખ મોત માટે ટ્રમ્પને જવાબદાર ઠેરવવા યોગ્ય નથી. કોઇ પણ સરકાર આમાં સફળ નથી થતી. આમ પણ આ વાઇરસ ચીનથી આવ્યો હતો અને ટ્રમ્પે ચીન પર બૅન લગાવીને બહુ મોટું પગલું ભર્યું. અહીંના સમાજની 6 મોટી પ્રાથમિકતા છે- જીસસ, ગન રાખવાની આઝાદી, ગર્ભપાતને ગુનો ગણવો, ટેક્સ છૂટ, સશક્ત સૈન્ય અને વસાહતીઓ વિરુદ્ધ કડક કાયદા. જેક્સનના મતદાનમથક બહાર લાંબી લાઇનો લાગી છે.

લાઇનમાં ઊભા રહેલા 52 વર્ષીય ડેક્સ્ટર જણાવે છે કે ટ્રમ્પે કોરોના મહામારીને સરસ રીતે હેન્ડલ કરી. આવી મોટી મહામારીમાં એક સારા નેતા ડર નહીં પણ હિંમત અને વિશ્વાસ અપાવે છે. ટ્રમ્પે તેવું જ કર્યું. ડેમોક્રેટ્સે સૌને ડરાવી દીધા, જેથી લોકો તૂટી ગયા છે. ડેક્સ્ટર શ્વેત છે અને વ્યવસાયે સુપરમાર્કેટ મેનેજર છે. કહે છે કે ડેમોક્રેટ્સ બહારના લોકોને સત્તા સોંપી દેશે. અહીંના લોકોને નોકરી નથી મળી રહી. ડેમોક્રેટ્સનું ચાલે તો તેઓ બોર્ડર પણ ખોલી દે. વસાહતીઓની વસતી એ રીતે વધી રહી છે કે એક દિવસ અહીં ગોરાઓ લઘુમતી બની જશે. માત્ર ટ્રમ્પ જ તેમ થતું રોકી શકે છે. આ જ લાઇનમાં પાછળ ઊભા રહેલા ટ્રાવિસ અશ્વેત છે અને બાઇડેનને સપોર્ટ કરે છે પણ કહે છે, ટ્રમ્પ જ જીતશે. બાઇડેન જીતી જાય તોપણ ટેનેસીમાં કંઇ નહીં બદલાય. 28 વર્ષીય મેલાનિયા અહીંના પબમાં કામ કરે છે. કહે છે કે ટ્રમ્પ જ ચીન સામે લડી શકે તેમ છે. એકેય ડેમોક્રેટ નેતા અમેરિકાને મહાન બનાવવાની વાત નથી કરતા. ટ્રમ્પ આ દેશને ફરી મહાન બનાવશે. તેઓ જીસસને માને છે. તેથી કોરોના તેમને કંઇ ન કરી શક્યો.

અહીં અશ્વેતોના લિન્ચિંગ પર જશ્ન મનાવાતો હતો
અહીંનાં દક્ષિણ રાજ્યોમાં 19મી અને 20મી સદીની શરૂઆત સુધી અશ્વેતોનું લિન્ચિંગ કરાતું હતું. ટેનેસીમાં પણ આ જ પ્રથા હતા. લિન્ચિંગ પર જાહેર રજા ઘોષિત કરીને જશ્ન મનાવાતો. ટેનેસીમાં 300થી વધુ અશ્વેતોનું લિન્ચિંગ થયું છે.

( Source – Divyabhaskar )