ભારતીય શ્રમિકોને સાઉદી અરબે આપી જબરદસ્ત મોટી ‘દિવાળી ગિફ્ટ’, આ સિસ્ટમ નાબૂદ કરતાં હાશકારો!

ભારતીય શ્રમિકોને સાઉદી અરબે આપી જબરદસ્ત મોટી ‘દિવાળી ગિફ્ટ’, આ સિસ્ટમ નાબૂદ કરતાં હાશકારો!

સાઉદી અરબ (Saudi Arab)એ કામદારોના હિતમાં મોટું પગલું ઉઠાવતા વિવાદાસ્પદ ‘કફાલા પ્રણાલી’ (Kafala System)ને નાબૂદ કરી દીધી છે. માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલયે બુધવારે તેની જાહેરાત કરી. નવી સિસ્ટમ માર્ચ 2021થી અમલમાં આવશે. હવે સાઉદી અરેબિયામાં કામ કરતા મજૂરોને કરાર પૂરો કરીને નોકરી (Job) બદલવાની છૂટ મળશે. તેઓને ઓછા પગારમાં મજબૂરીમાં કામ કરવું પડશે નહીં.

ટૂંક સમયમાં જ લાગૂ થશે સુધારાઓ

મંત્રાલયની તરફથી કહેવામાં આવ્યું છે કે સરકાર એ તમામ પ્રતિબંધોને હટાવા જઇ રહ્યું છે, જેના લીધે સ્થળાંતર કામદારોને ઓછા પગારમાં પણ તેમના એમ્પ્લોયર (Employer) સાથે કરારમાં બંધાઇને રહેવું પડતું હતું. માર્ચ 2021 માં નવો મજૂર શ્રમ સુધારો લાગૂ થશે. આપને જણાવી દઇએ કે સાઉદી અરેબિયામાં મોટી સંખ્યામાં ભારતીયો કામ કરે છે, આવી સ્થિતિમાં આ સમાચાર તેમના માટે ‘દિવાળી ગિફ્ટ’થી કંઇ કમ નથી.

આ અધિકાર મળશે

નાયબ મંત્રી અબ્દુલ્લા બિન નાસિર અબુથુનૈન (Abdullah bin Nasser Abuthunain)એ કહ્યું કે ‘અમે આકર્ષક શ્રમ બજાર બનાવવા અને શ્રેષ્ઠ કામકાજનો માહોલ બનાવાની દિશામાં એક પગલું ભર્યું છે’. ‘નવા શ્રમ સુધારાના અમલ બાદ વિદેશી કામદારોને નોકરી બદલવાની અને એમ્પ્લોયરની પરવાનગી વિના દેશ છોડવાનો અધિકાર હશે’.

ફાયદાનો નિર્ણય

આપને જણાવી દઈએ કે આ વર્ષે G-20 જૂથનું નેતૃત્વ કરનાર સાઉદી અરેબિયા તેલ આધારિત અર્થતંત્રમાં વિવિધતા લાવવાની મહત્વાકાંક્ષી યોજનાઓ પર કામ કરી રહ્યું છે અને સરકારનો આ નિર્ણય તેમના માટે ફાયદાકારક સાબિત થશે. કારણ કે તે ઉચ્ચ કુશળ કામદારોને આકર્ષિત કરવામાં મદદ મળશે અને દેશમાં નવી રોજગારી ઉભી કરવામાં મદદ કરશે.

કફાલા સિસ્ટમ શું છે?

સાઉદી અરેબિયાની કફાલા સિસ્ટમ કામદારો પર અનેક નિયંત્રણો લાદે છે. સરળ શબ્દોમાં કહીએ તો, જે મજૂરો બીજા દેશોમાંથી અહીં આવે છે અને અહીં કામ કરે છે તેમને દમનથી બચવાની કોઈ તક હોતી નથી. તેઓ પોતાની મરજીથી નોકરી છોડી શકતા નથી, દેશમાંથી બહાર જવા માટે પણ તેમણે પોતાના એમ્પ્લોયર પાસેથી પરવાનગી લેવી ફરજિયાત છે. એમ્પ્લોયરની પરવાનગી લીધા વિના તેઓ નોકરી બદલી શકતા નથી અને પાછા જઇ શકતા નથી. એવું પણ જાણવા મળ્યું છે કે કેટલાંય એમ્પ્લોયરો પોતાના કામદારોના પાસપોર્ટ જપ્ત કરી લે છે અને વધારે કામ કરવાની ફરજ પાડે છે.

બંધ કરવાની માંગણી થતી રહી છે

એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ સહિત માનવાધિકાર માટે કામ કરી રહેલા સંગઠનો સાઉદી અરેબિયાને કફાલા સિસ્ટમ ખત્મ કરવાની માંગણી કરી રહ્યા છે. આ સંગઠનોનું કહેવું છે કે આવી સિસ્ટમ ખુલ્લેઆમ કામદારોના માનવાધિકારનું ઉલ્લંઘન કરે છે.