ખાનગીકરણ : એરપોર્ટ પર કબજો કર્યાના પ્રથમ દિવસે જ અદાણીએ રિક્ષાચાલકોને કાઢી મૂક્યા

ખાનગીકરણ : એરપોર્ટ પર કબજો કર્યાના પ્રથમ દિવસે જ અદાણીએ રિક્ષાચાલકોને કાઢી મૂક્યા

  • રાત્રે 12 વાગ્યે કેક કાપી વિધિવત્ કબજો લીધો
  • વાહનો વ્યવસ્થિત પાર્ક થાય તે માટે ખાનગી સિક્યોરિટી ગોઠવાઈ

સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ શુક્રવારે રાત્રે 12 વાગે કેક કટિંગ સાથે ઔપચારિક ચાવીની આપ-લે કરવાની સાથે અદાણી ગ્રુપ દ્વારા 50 વર્ષ માટે અમદાવાદ એરપોર્ટ હસ્તગત કરવામાં આવ્યું હતું. સવારે 8 વાગે શરૂ થયેલા પુષ્યમૃત યોગમાં પૂજા વિધિ સંપન્ન કર્યા બાદ એએઆઈએએલના અધિકારીઓએ ઔપચારિક રીતે એરપોર્ટ પર કામગીરી સંભાળી હતી. પ્રથમ દિવસે પગલાં રૂપે તેમણે ટર્મિનલ સુધી આવતા રિક્ષાચાલકોને તગેડી મૂક્યા હતા. આ પગલું વિવાદાસ્પદ બન્યું હતું. એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશ્યા બાદ પેસેન્જર સુરક્ષાની જવાબદારી અગાઉની જેમ સીઆઈએસએફ પાસે જ રહેશે. પરંતુ ટર્મિનલ બિલ્ડિંગ બહાર સામેની તરફ તેમજ પેસેન્જરોને લેવા મુકવા આવતા વાહનોને લાઈનબદ્ધ કરવાની જવાબદારી ખાનગી સિક્યોરિટી ગાર્ડ્સને સોંપાઈ છે.

22 કરોડનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવા છતાં અદાણીએ એરપોર્ટ ટેકઓવર કર્યું
અમદાવાદ એરપોર્ટ અદાણી ગ્રુપ 7 નવેમ્બરે ટેકઓવર કરે તે પહેલા મ્યુનિ. કોર્પોરેશને 22 કરોડ પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાનું જણાવી વહેલી તકે ટેક્સ ભરી દેવા એરપોર્ટ ઓથોરિટીને ચીમકી આપી હતી. પરંતુ એરપોર્ટ ઓથોરિટી આ પ્રોપર્ટી ટેક્સ ભરે તે પહેલાં જ શનિવારે અદાણી ગ્રુપ દ્વારા એરપોર્ટ હસ્તગત કરવામાં આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા નોટિસ મળ્યા બાદ 58 લાખ રૂપિયા ઉચક ભરી દેવામાં આવ્યા છે. જ્યારે ટેક્સની રકમમાં વિવાદ હોવાથી તેનું સેટલમેન્ટ થયા બાદ બાકીની રકમ ભરાય તેવી શક્યતા છે.