પુષ્ય નક્ષત્ર:150 કરોડના સોના-ચાંદીની ખરીદી, ગત વર્ષ કરતાં સોનું ઓછું વેચાયું પણ ભાવ વધુ હોવાથી રકમ સરખી જ રહી

પુષ્ય નક્ષત્ર:150 કરોડના સોના-ચાંદીની ખરીદી, ગત વર્ષ કરતાં સોનું ઓછું વેચાયું પણ ભાવ વધુ હોવાથી રકમ સરખી જ રહી

  • રાજ્યમાં અંદાજે 250થી 300 કિલો સોનું, 7 હજાર કિલો ચાંદીનું વેચાણ, લગ્નસરાની મોસમ આવતી હોવાથી દાગીનાની વધુ ડિમાન્ડ
  • ગત વર્ષે 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 38 હજાર હતો, આ વર્ષે 16 હજાર વધીને 54 હજાર થયો

શહેરભરમાં પુષ્ય નક્ષત્રના દિવસે રૂ. 125થી 150 કરોડના સોના ચાંદીનો વેપાર થતાં વેપારીઓ ખુશ થયા હતા. આ વખતે એડવાન્સ બુકિંગ પણ સારા પ્રમાણમાં મળ્યા હોવાનું વેપારીઓનું કહેવુંં છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે સોના-ચાંદીનું વેચાણ ઓછું છે પરંતુ રકમમાં તફાવત નથી.

પુષ્ય નક્ષત્રથી દિવાળીના તહેવારની શરૂઆત થઇ જાય છે, ત્યારે પુષ્ય નક્ષત્રના પ્રસંગે સોનું ખરીદવું એ શુકન મનાય છે. શહેરીજનોમાં કોરોનાની મહામારી વચ્ચે સોનું-ચાંદી ખરીદવા માટે જોરદાર ઉત્સાહ જોવા મળ્યો છે. સોના-ચાંદીનું વેચાણ શહેરમાં અંદાજે રૂ. 125થી 150 કરોડનું થયું છે. સોનામાં સૌથી વધારે લાઇટ વેટ જ્વેલરીનું વેચાણ થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે.

આગામી દિવસોમાં લગ્નસરાની મોસમ શરૂ થતી હોવાથી મોટા ભાગની ખરીદી જ્વેલરીની થઇ છે. જ્યારે રોકાણ કરવા માગતા લોકોએ લગડીમાં રસ દાખવ્યો હતો.

અમદાવાદ જ્વેલર્સ એસોસિયેશનના પ્રમુખ જિગર સોનીએ જણાવ્યું કે, આ વખતે 150 કરોડથી વધુના સોના અને ચાંદીનું વેચાણ થયું છે, જેમાંથી 50થી 70 કરોડના એડવાન્સ બુકિંગ મળ્યા હતા. બજારના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં અંદાજે 250થી 300 કિલો સોનું અને 7 હજાર કિલો ચાંદીનું વેચાણ થયું હતું.

રોકાણ માટે થતી ખરીદીમાં ઘટાડો
માણેકચોક સોની બજારના આશિષ ઝવેરીએ જણાવ્યું હતું કે, હાલ 10 ગ્રામદીઠ 24 કેરેટનો ભાવ 54 હજાર છે, જે ગયા વર્ષે 38 હજાર હતો. ગયા વર્ષની સરખામણીએ રકમ સરખી રહી છે પરંતુ જથ્થામાં વેપાર 25થી 30 ટકા ઓછો રહ્યો છે. આમ સોનાના ભાવ ગત વર્ષ કરતાં રૂ. 16 હજાર વધારે હોવાથી લોકો રોકાણ માટે ખરીદી નથી કરી શક્યા. સરકારે કર્મચારીઓને આપેલા બોનસ-મોંઘવારી ભથ્થાને કારણે છેલ્લા દિવસોમાં ખરીદી નીકળી છે.