કર્મ નમિત બનીને નહી નિમિત્ત બનીને કરો, પ્રત્યેક કાર્ય શ્રદ્ધાથી કરો

કર્મ નમિત બનીને નહી નિમિત્ત બનીને કરો, પ્રત્યેક કાર્ય શ્રદ્ધાથી કરો

કવર સ્ટોરી : પૂ. મોરારિ બાપુ

કર્મ શ્રદ્ધાથી કરવું જોઈએ, સ્પર્ધાથી નહીં. પ્રત્યેક કાર્ય શ્રદ્ધાથી કરો. દુનિયામાં જેટલાં પણ કામ થાય છે તે સ્પર્ધાથી થાય છે. એટલે તો અર્જુન કહે છે- ‘આપ મારા રથને મધ્યમાં રાખો.’ અર્જુને જે કર્યું તેનો હેતુ સ્પર્ધા ન હતો. કોઈ વસ્તુ હોય તો તેના પર કવર હોય છે. તે જ રીતે ગીતાનું યુદ્ધ એક કવર હતું. મુખવટો હતો. બાકી મૂળ વસ્તુ તો અંદર છે, જેને આપણે પ્રાપ્ત કરવાની છે.

કોઈ પણ કર્મ કરો ત્યારે આટલી વસ્તુઓનો ખ્યાલ રાખો તો કર્મ યજ્ઞા છે.  કર્મ સ્પર્ધાથી નહીં, શ્રદ્ધાથી કરવાનું છે. સ્પર્ધા આવી તો તુલના જન્મે છે. મન અશાંત થાય છે અને જ્યારે મન અશાંત હોય તો સુખ કેમ મળી શકે? સ્પર્ધામાં ક્યારેક જય મળે છે, પણ વિજય નથી મળતો. જ્યાં કૃષ્ણ હોય ત્યાં જ વિજય મળે છે.

આ વાત મુશ્કેલ લાગવાની, કારણ કે આજે બધા સ્પર્ધામાં ગ્રસ્ત છે. સમગ્ર જગત સ્પર્ધામાં જીવે છે. દુનિયા ખંડિત થઈ રહી છે, કારણ કે તે સ્પર્ધામાં છે. સ્પર્ધા માટે એક ન ચાલે, બે તો હોવા જ જોઈએ. પ્રકૃતિના કોઈ તત્ત્વમાં સ્પર્ધા નથી. પરમાત્માએ મનુષ્ય બનાવ્યો છે. પરમાત્માની કૃતિ તો બધી જ પ્યારી છે. ‘બડે ભાગ માનુષ તનુ પાવા.’ પછી સ્પર્ધા કેમ છે?

મહેરબાની કરીને આનો અર્થ સમજો. હું જે અર્થમાં કહું છું તે જ અર્થમાં સમજાવું. નદીકિનારે ઊગેલ વનસ્પતિ સવારના મંદમંદ પવનમાં ડોલે છે અને તેની પાસેનાં નાળિયેરનાં પાન પણ ડોલે છે પણ આ બે વચ્ચે સ્પર્ધા નથી. ઘાસ પોતાની રીતે, લીમડાનાં પાન પોતાની રીતે, કેરીનાં પાન પોતાની રીતે અને નાળિયેરનાં પાન પોતાની રીતે હલે છે. કોઈ વચ્ચે સ્પર્ધા નથી. સમગ્ર અસ્તિત્વમાં ક્યાંય સ્પર્ધા નથી.

એક સૂર્ય આકાશમાં છે, તો બીજો સૂર્ય નીકળીને કહે છે, હું પણ આની સ્પર્ધા કરું, મારે પણ દુનિયાને પ્રકાશ આપવો છે? નથી નીકળતો. આજ સુધી કોઈ નથી આવ્યો, કારણ કે ખબર છે કે હું સ્પર્ધા કરવા જઈશ, તો જગત ખતમ થઈ જશે. આ બધું ગણિત ચાલે છે. હું જોઉં છું કે એક ચકલી ઊડે છે અને એક ગીધ ઊડે છે તો બે વચ્ચે સ્પર્ધા નથી થતી. મચ્છર અને માખીમાં કોઈ સ્પર્ધા નથી. બધા પોતપોતાની શ્રદ્ધાથી ઊડે છે.

તો તમે પણ આનંદ કરો, લહેર કરો. સ્પર્ધા શા માટે કરો છો? બધાં કર્મો નિમિત્ત બનીને કરવાં જોઈએ. એ શ્રદ્ધાથી કરવાં જોઈએ કે ‘કર્મ મારો દેવ, કર્મ મારી પૂજા છે. મંદિરમાં જે શ્રદ્ધાથી જાઉં છું, તે જ રીતે મારાં કાર્યક્ષેત્રમાં મારાં કર્મને દેવ માનીને શ્રદ્ધાથી ઉપાસના કરું.’

આગળ જ્યારે વાવણી કરવા અમે જતાં, તો પ્રથમ બળદની પૂજા કરતાં. આજે ટ્રેક્ટરની પૂજા કરે છે. તેનો વિરોધ ન હોય. આજના વિકાસના યુગમાં ટ્રેક્ટર જરૂરી છે. કેટલી સારી બાબત છે કે હું બીજ વાવું છું. શ્રદ્ધા છે કે તેમાંથી ફસલ થશે. તે મારે એકલાએ ખાવાની નથી, ‘તેન ત્યક્તેન ભૂંજિથાઃ’ કારણ કે તેમાં બધાનો ભાગ છે.  તો કર્મ સ્પર્ધાથી નથી કરવાનું. સ્પર્ધાથી તમને જય મળશે, પણ વિજય નહીં મળે. શ્રદ્ધાથી કર્મ કરશો તો વિજય અવશ્ય મળશે.

કુશળ કર્મ

કૃપણતાથી કર્મ ન કરવું, કુશળતાથી રાખવી, ઉદાર મનના બનીને કર્મ કરવું, આ કર્મયોગનું ત્રીજું સૂત્ર. અર્જુન કાર્પણ્ય દોષમાં એટલો બધો ગ્રસ્ત થઈ ગયો કે તેને કહેવું પડયું. ‘મહારાજ! મને કશી સમજ નથી પડતી’ તેનામાં મૂઢતા આવી ગઈ. આપણે કૃપણ બની કામ નથી કરવાનું, કુશળ બનીને કામ કરવાનું છે.

વ્યક્તિ ધીમેધીમે કામ કરે તો કુશળતા આવી જાય છે. સાઈકલ શીખવાની શરૂઆત કરીએ છીએ તો આપણી સ્થિતિ કેવી થાય છે તે તો તમે બધા જાણો છો. પણ થોડા દિવસ પછી વ્યક્તિ જ્યારે સાઈકલ શીખી જાય છે, તો કુશળ થઈ જાય છે, અને ભીડવાળા વિસ્તારમાં પણ હેન્ડલ પકડયા વિના નિરાંતે સાઈકલ ચલાવી શકે છે.

કર્મની કુશળતા હોવી જોઈએ. હું તો જોતો હોઉં છું કે વાસણ સાફ કરનારી બહેન પણ કેટલાં સ્વચ્છ વાસણ સાફ કરે છે! આ કર્મની કુશળતા છે.

અપેક્ષાવિહીનતા  

કર્મ મૂળ માટે કરો. કર્મ કુળ માટે કરો, પણ ફળ માટે કર્મ નથી કરવાનું કર્મ મૂળ માટે કરો. પછી તેનું ફળ આવે તો તેના પર અધિકાર કે કર્મનું બીજ મેં વાવ્યું હતું જે અંકુરિત થયું, ફૂલ સુધી તે વિકસિત થયું. પછી જે ફળ આવશે તેની સાથે મને લેવાદેવા નથી.

મારે ચાર વાત તમને સમજાવવાની છે. યોગ્ય લાગે તો રાખશો.

૧. ફળની અપેક્ષાવાળી સેવા અશાંતિ આપે છે.

૨. ફળની અપેક્ષાવાળું સ્મરણ ઉગ્રતા આપે છે.

૩. ફળની અપેક્ષાવાળું સંરક્ષણ વ્યક્તિને અભિમાની બનાવે છે.

૪. ફળની અપેક્ષાવાળું સમર્પણ વ્યક્તિને દંભી બનાવે છે.

તમે શાંતિથી વિચારજો અને પોતાના જીવનમાં તેનો પ્રયોગ કરજો. સમાજનાં ચારે ક્ષેત્ર જ્યારે ફળની ઈચ્છા રાખે છે, ત્યારે ચારે કુરૂપ થાય છે. હું તો કહેતો હોઉં છું કે કોઈ પણ વાત કરવી હોય તો વેદનું મૂળ પકડો. પછી દેશ-કાળ અનુસાર તેને નવાં ફૂલો આપો. કોઈ પણ કર્મ કરીએ ત્યારે બદલાની અપેક્ષા સાથે નહીં, બલિદાનની ભાવના સાથે કરીએ.

સત્કર્મ-બલિદાન માટે કરવું, બદલો લેવા માટે નહીં. મારા ઘરે પ્રસંગ આવે ત્યારે હું દેખાડી દઈશ, એ જીદમાં ન રહેવું. નહીંતર તમારાં સત્કર્મો, તમારો શ્રમ, તમારો પૈસો, તમારો પરિશ્રમ- આ બધું જ, એનું પરિણામ કંઈ જ ન હોઈ શકે થકાવટ સિવાય. મારે મારી જીદો છોડવાની, મારે મારી ગ્રંથિઓ છોડવાની, મારે કોના બદલા લેવાના સાહેબ? સત્કર્મોમાં હોય જ નહીં. પહેલું સૂત્ર, કોઈ પણ કર્મ કરો, બદલો લેવા નહીં, બલિદાન માટે કરો.

કામનાથી મુક્ત કરેલ કર્મ યજ્ઞા છે. આપણાં કર્મ પાછળ કોઈ કામના ન હોવી જોઈએ. નદી વહે છે તો તેની કોઈ કામના નથી હોતી. બસ, વહે છે. કોઈ પાણી પીવા આવે, કોઈ સ્નાન કરવા આવે તો ઠીક! ગંગાને કોઈ કામના નથી કે મને કોઈ વંદન કરે. તે તો વહેતી રહે છે.

સહજ કર્મ  

સહજ કર્મ કરવું. સંઘર્ષથી કર્મ ન કરવું, ‘સહજ કર્મ કૌન્તેય…’ સહજ કરવું, ખેલખેલમાં, સંઘર્ષો ઊભા કરીને કર્મ ન કરવું, વિરોધો પેદા કરીને કર્મ ન કરવું. સંઘર્ષમાં જેટલી શક્તિ ખર્ચાય આપણી, એટલી ભજનમાં વપરાય તો ફટાકો બોલી જાય! ધડાકો બોલી જાય. બહુ મોટી ઊર્જા આપણા સંઘર્ષોમાં જાય છે. આનું ધ્યાન રાખવાનું.

સ્વાંત સુખ  

પોતાના સુખ માટે કર્મ કરો. મને સ્વાંત સુખ મળે માટે હું કથા કરું છું. તમને પણ સ્વાંત સુખ મળે માટે સાંભળો. હું પણ સ્વાંત સુખ માટે બોલું. ગાનારા, વગાડનારા સ્વાંત સુખ માટે તેમનાં કર્મ કરે. સ્વાંત સુખ હોય તો સત્સંગનું વિશેષ પરિણામ આવે છે. બીજો કોઈ જ હેતુ નહીં. તેને સ્થૂળ રૂપે કહું તો કોઈ પણ ક્ષેત્રમાં તમે કામ કરતાં હો, તે કારખાનું હોય કે તમે બિલ્ડર હોવ, જે પણ ક્ષેત્ર હોય, તમારા ક્ષેત્રમાં તમારું કર્મ, જો સ્વાંત સુખ હોય તો તે એક ઈબાદત બની જશે. સાધના બની જશે.

મને યાદ છે કે જે સ્કૂલમાં હું ભણાવતો હતો, તો મહુવા, તલગાજરડા પગે ચાલીને કે સાઈકલ પર જતો હતો. હજામત કરાવવી હોય તો અમારા મહુવાના બચુભાઈ પાસે જતો. હજી છે, બુઢા થઈ ગયા છે, ક્યારેક મળે છે. તે ખૂબ સરસ વાળ-દાઢી બનાવતા. મૂછને કાપી-કરીને સરસ કરી દેતા.

તેમને ગમતું, મને પણ. માથું તેમના હાથમાં હોય પછી કશું ન થઈ શકે. મને યાદ આવે છે કે તે દાઢી બનાવતાં એક કલાક લગાડતા. કલાકમાં તો તે બે-ત્રણ ગ્રાહકોને કરી શકે…પણ મને તેમના શબ્દો યાદ છે. તે કહેતા, ‘બાપુ! આજે દાઢી બનાવવામાં ભારે આનંદ આવ્યો.’ હવે તેમને મારા પાસેથી વધુ પૈસા તો મળવાના ન હતા. અને તેમના ગ્રાહકોને પણ રાહ જોવી પડતી, છતાં તે કહેતા, ‘બાપુ! આજે ભારે મજા આવી.’મને લાગે છે કે તે બચુભાઈનું સ્વાંત સુખ હતું.

કર્મ હારી જઈને, નિરાશ થઈને, ઉદાસીન થઈને નહીં, રસ અને આનંદથી કરીએ. જ્યારે સૂવાનું હોય ત્યારે માત્ર સૂઓ, વિચારો નહીં. સવાર થતાં જ તેને મળવાનું છે. ફલાણાને મળીશ. આ કામ કરવાનાં છે આવું કશું દિમાગમાં ન આવે. આવું સૂઈ જવું પણ સમાધિ જ છે. ભોજન કરતા હોવ તો રસપૂર્વક ભોજન કરો. તો તે પણ સમાધિ છે.

( Source – Sandesh )