અમેરિકી કોર્ટે ટ્રમ્પે મૂકેલા એચ-1બી વિઝા સંબંધી બે નિયંત્રણોને ફગાવી દીધાં

અમેરિકી કોર્ટે ટ્રમ્પે મૂકેલા એચ-1બી વિઝા સંબંધી બે નિયંત્રણોને ફગાવી દીધાં

। મુંબઇ ।

ટ્રમ્પ વહીવટીતંત્રે તાજેતરમાં જ એચ-૧બી વિઝા પર નિયંત્રણ કડક કરતાં રજૂ કરેલા બે નિયમોને અમેરિકા જિલ્લા અદાલતે ફગાવી દીધા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે તે એચ-૧બી વિઝા સંબંધી બે નવા નિયમો હેઠળ વેતનમાં નોંધપાત્ર વધારો કરીને યોગ્યતાના માપદંડોને વધુ કડક કર્યા હતા. આ બંને નિયમોને ઓક્ટોબરના આરંભમાં વચગાળાના અંતિમ નિયમોના રૂપમાં ફાસ્ટ ટ્રેક ધોરણે અમલી બનાવવામાં આવ્યા હતા. નિયમોને અમલી બનાવતાં પહેલાં જાહેર ટિપ્પણી મંગાવવામાં મહિનાઓ વીતી જાય તેમ હોવાથી ટ્રમ્પ વહીવટીતંત્રે ઉતાવળે જ આ નિયમો અમલી બનાવી દીધા હતા.

ઉત્તરીય કેલિફોર્નિયા જિલ્લાની અદાલતના ન્યાયાધીશ જેફરી એસ.વ્હાઇટે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્ર એડમિનિસ્ટ્રેેટિવ પ્રોસિજર એક્ટ હેઠળ નોટિસ આપીને ટિપ્પણીઓ મેળવીને કાયદાની રૂએ નક્કી થયેલી વિચારણા અને પરામર્શની પ્રક્રિયા હાથ ધરીને નિયમનો અમલ કરવામાં નિષ્ફળ રહ્યું છે.

નવા નિયમો વિઝાધારક કે ગ્રીનકાર્ડ ધરાવનારને ઊંચંુ વેતન આપવાની જોગવાઇ ધરાવતા હતા. તેવામાં નોકરી મેળવવી જ મુશ્કેલી પડે તેવી સ્થિતિ હતી. કોર્ટે આ નવી જોગવાઇને ફગાવી દીધી છે. આ ઉપરાંત નવા નિયમોને કારણે અરજદારની અરજી ફગાવી દેવામાં આવે તેવી શક્યતાઓ પણ વધી જતી હતી. ૭ ડિસેમ્બરથી અમલી બનનારી નોકરીદાતા અને રોજગારી મેળવનાર વચ્ચેના સંબંધોની સાંકડી વ્યાખ્યા વિઝા મેળવવામાં મુશ્કેલી સર્જે તેવી હતી. વિઝા માટેના માપદંડના ધોરણો વધુ કડક બનતાં વિઝા અરજીને ફગાવી દેવામાં આવે તેવી શક્યતા વધી જવાની હતી. નવા નિયમો કામદારના થર્ડ પાર્ટી પ્લેસમેન્ટ માટેના વિઝાની મુદતને ઘટાડીને એક વર્ષની કરી રહ્યા હતા. પરંતુ કોર્ટે આ નિયમને પણ ફગાવી દીધો છે.

ચુકાદો ભારતીય મૂળના લોકો માટે મહત્ત્વનો 

અમેરિકામાં વસી રહેલા ભારતીય મૂળના લોકો માટે કોર્ટનો આ ચુકાદો મહત્ત્વનો બની રહ્યો છે. જે ભારતીય મૂળના લોકોને એચ-૧બી વિઝા રિન્યૂઅલ માટે અરજી કરવાના છે કે જે ભારતીયો અમેરિકામાં રોજગારી મેળવવા ઉત્સુક છે, તેમના માટે આ મહત્ત્વનો ચુકાદો છે. ભારતીય મૂળના લોકો મોટી સંખ્યામાં એચ-૧બી વિઝાનો લાભ લેતા હોય છે. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં જે એચ-૧બી વિઝા અપાયા કે રિન્યૂ થયા તે પૈકી ૨.૭૮ લાખ (૭૨ ટકા વિઝા) વિઝાની ફાળવણી ભારતીયોને થઇ હતી. શ્રમ વિભાગ દ્વારા ૮ ઓક્ટોબર, ૨૦૨૦થી નવા નિયમો અમલી બનાવવામાં આવ્યા હતા. નવા નિયમો એચ-૧બી વિઝાધારક કે ગ્રીનકાર્ડ હોલ્ડરના વેતનમાં ૪૦થી ૧૦૦નો વધારો સૂચવે છે. ઊંચાં વેતનની આ જોગવાઇ બજારની વાસ્તવિકતાને પારખ્યા વિના થયેલી હતી. નોકરીદાતાને તે પગલું મોંઘંુ પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી.