બ્રિટનમાં ૯૦ વર્ષીય દાદીમા કોરોનાની રસી મેળવનારાં વિશ્વનાં પ્રથમ વ્યક્તિ

બ્રિટનમાં ૯૦ વર્ષીય દાદીમા કોરોનાની રસી મેળવનારાં વિશ્વનાં પ્રથમ વ્યક્તિ

। લંડન ।

કોરોના મહામારી સામેના જંગમાં વૈશ્વિક રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરતાં બ્રિટનના આરોગ્ય સત્તાવાળાઓએ કોરોનાની રસીના ડોઝ આપવાનું શરૂ કર્યું હતું. મંગળવારને વી-ડે જાહેર કરતાં બ્રિટનની રાષ્ટ્રીય આરોગ્ય સેવા સાથે સંકળાયેલી હોસ્પિટલોમાં પ્રારંભિક તબક્કો શરૂ કરી દેવાયો છે. જે અંતર્ગત મંગળવારે વહેલી સવારે ૬:૩૧ કલાકે યુનિવર્સિટી હોસ્પિટલ કોવેન્ટ્રી ખાતે ૯૦ વર્ષીય માર્ગારેટ કીનેનને અમેરિકાની ફાઇઝર અને જર્મનીની બાયોએનટેક કંપનીઓ દ્વારા વિકસાવવામાં આવેલી કોરોનાની રસીનો ડોઝ અપાયો હતો. માર્ગારેટ કીનેન આગમી સપ્તાહમાં ૯૧ વર્ષનાં થશે. માર્ગારેટ કીનને જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ની મહામારીમાં રસી મેળવનાર સૌપ્રથમ વ્યક્તિ બનવાનું બહુમાન મળતાં ગૌરવ અનુભવું છે. ફાઇઝરની કોરોના રસીને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી અપાયા બાદ બ્રિટનમાં સૌથી વધુ જોખમ ધરાવતા નાગરિકોને કોરોનાની રસી આપવાનો પ્રારંભ કરાયો છે.

બ્રિટનમાં ૯૦ વર્ષિય

આરોગ્ય સત્તાવાળાઓએ જનતાને ધીરજ રાખવા જણાવ્યું છે. મેડિકલ સ્ટાફ દ્વારા સૌથી વધુ જોખમ ધરાવતા નાગરિકોનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. નેશનલ હેલ્થ સિસ્ટમના સીઈઓ સિમોન સ્ટિવન્સે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસ સામેના યુદ્ધમાં મંગળવાર નિર્ણાયક ર્ટિંનગ પોઇન્ટ બની રહેશે. બ્રિટનમાં ૮૦ વર્ષથી વધુ વયના નાગરિકોને ૮ લાખ ડોઝ આપવાની તૈયારી કરી લેવાઈ છે. બ્રિટનના ૯૪ વર્ષનાં મહારાણી એલિઝાબેથ બીજા અને તેમના ૯૯ વર્ષના પતિ પ્રિન્સ ફિલિપને કોરોનાની રસી સુરક્ષિત છે તેવી જનતાને ખાતરી કરાવવા પહેલાં રસી અપાશે તેવા અહેવાલોને બંકિગહામ પેલેસે નકારી કાઢયા હતા. બ્રિટનમાં રસીકરણના પ્રથમ તબક્કામાં દેશની ૪૦ ટકા વસતી એટલે કે ૨ કરોડ ૫૦ લાખ લોકોને આવરી લેવાશે. ૮૦ વર્ષથી વધુના નાગરિકો બાદ તમામ આરોગ્ય કર્મચારીઓને કોરોનાની રસી આપવામાં આવશે.

કેનેડામાં આગામી સપ્તાહથી ફાઇઝરની રસીના ડોઝ આપવાનું શરૂ કરી દેવાશે

કેનેડાના ડ્રગ કન્ટ્રોલર દ્વારા ફાઇઝરની કોરોના રસીને મંજૂરી અપાશે તો આગામી સપ્તાહથી દેશમાં નાગરિકોને રસીના ડોઝ આપવાનું શરૂ કરી દેવાશે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું છે કે ડિસેમ્બરના અંત સુધીમાં દેશમાં ફાઇઝરની કોરોના રસીના ૨,૪૯,૦૦૦ ડોઝ ઉપલબ્ધ રહેશે. સૌથી પહેલાં વૃદ્ધો અને આરોગ્ય કર્મચારીઓને કોરોનાની રસીના ડોઝ અપાશે.

રસીકરણના પ્રથમ તબક્કામાં ભારતીય મૂળના હરિ શુકલાનો સમાવેશ

મંગળવારે ન્યૂકેસલની હોસ્પિટલ ખાતે ભારતીય મૂળના ૮૭ વર્ષિય હરિ શુકલાને ફાઇઝર કંપનીની કોરોના રસીનો ડોઝ અપાયો હતો. હરિ શુકલાએ જણાવ્યું હતું કે, કોરોનાની રસી મેળવવાની મારી નૈતિક ફરજ છે. હું ઘણો રોમાંચિત છું અને આશા રાખું છું કે, આપણે મહામારીના અંત તરફ આગળ વધી રહ્યાં છીએ. કોરોનાની રસીનો ડોઝ મેળવીને હું શક્ય તેટલી મદદ કરવા માગતો હતો.