માઉન્ટ એવરેસ્ટની નવી ઊંચાઈ ૮,૮૪૮.૮૬ મીટર : ૮૬ સે.મી.નો વધારો નોંધાયો

માઉન્ટ એવરેસ્ટની નવી ઊંચાઈ ૮,૮૪૮.૮૬ મીટર : ૮૬ સે.મી.નો વધારો નોંધાયો

। કાઠમંડુ ।

વિશ્વની સૌથી ઊંચા પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટની નેપાળ અને ચીન દ્વારા સંયુક્ત રીતે ઊંચાઈ માપવામાં આવી હતી. નવેસરથી માપવામાં આવેલી ઊંચાઈ પ્રમાણે માઉન્ટ એવરેસ્ટ શિખર તેની અત્યાર સુધી નોંધાયેલી ઊંચાઈ કરતાં ૮૬ સેન્ટિમટર ઊચું છે. બંને દેશો દ્વારા સંયુક્ત રીતે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ ૮૮૪૮.૮૬ મીટર આવી છે. નેપાળ સરકારે એવરેસ્ટની યોગ્ય ઊંચાઈ માપવા માટે નિર્ણય કરાયો હતો. ચીન દ્વારા તેને સાથ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, એવરેસ્ટની ઊંચાઈ વિશે છેલ્લા ઘણા સમયથી વિવાદ અને ચર્ચા ચાલી રહ્યા હતા. છેલ્લા પાંચેક વર્ષથી એવું માનવામાં આવે છે કે, ભૂકંપ અથવા અન્ય કોઈ ભૌગોલિક કારણને પગલે એવરેસ્ટની ઊંચાઈમાં ફેરફાર થયો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ઓક્ટોબરમાં નેપાળ અને ચીન વચ્ચે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ નવેસરથી માપવા માટે થયેલા કરાર પ્રમાણે હાલમાં કામગીરી કરીને નવી ઊંચાઈ જાહેર કરવામાં આવી છે.

નેપાળના ભૂકંપ બાદ એવરેસ્ટની ઊંચાઇમાં વધારો

નેપાળમાં ૨૦૧૫માં આવેલા વિનાશક ભૂકંપની અસર હિમાલય ઉપર પડી હોવાનો મત ઘણા સમયથી ચર્ચામાં હતો. ચીન દ્વારા એવરેસ્ટની ઊંચાઈ માપવા માટે થોડા સમય પહેલાં જ ૩૦ સભ્યોની એક ટીમને મોકલવામાં આવી છે. શિખર ઉપર પહોંચીને આ દળ દ્વારા ગ્લોબલ સેટેલાઇટ સિસ્ટમની મદદથી શિખરનું માપ લેવામાં આવ્યું હતું.

માઉન્ટ એવરેસ્ટની નવી ઊંચાઈ ૨૦૦૫માં એવરેસ્ટની ઊંચાઈ ૮૮૪૪.૪૩ મીટર હતી જાણકારોના મતે આ જૂથ દ્વારા ગ્લોબલ સેટેલાઈટ તથા ગ્રેવીમીટરની મદદથી એવરેસ્ટની ઊંચાઈ માપવામાં આવી હતી. આ જૂથ એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ ચોમોલુંગમા બેઝ કેમ્પ ઉપર પહોંચી ગયું હતું. ઉલ્લેખનીય છે કે, આ જૂથ દ્વારા ૧૯૪૯માં તેની સ્થાપના બાદ અત્યાર સુધીમાં ૬ વખત એવરેસ્ટનું આરોહણ કરવામાં આવ્યું છે અને એવરેસ્ટની ઊંચાઈ માપવામાં આવી છે. ચીને ૧૯૯૫ અને ૨૦૦૫માં એવરેસ્ટની ઊંચાઈ જાહેર કરી હતી. ૧૯૯૫માં તે ૮,૮૪૮.૧૩ મીટર હતી જ્યારે ૨૦૦૫માં ૮,૮૪૪.૪૩ મીટર હતી. તાજેતરમાં ફરીથી તેની ઊંચાઈમાં સુધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૯માં ચીન અને નેપાળ વચ્ચે એવરેસ્ટની ઊંચાઈ નવેસરથી માપવા મુદ્દે કરાર થયા બાદ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ચીને એવરેસ્ટ શિખર ઉપર ૫જી સિગ્નલ લગાવ્યું 

ચીનની સરહદથી માઉન્ટ એવરેસ્ટ ચડનારા પર્વતારોહકોને વિશેષ લાભ મળે તેમ છે. અહીંયાં પર્વતારોહકો માટે આધુનિક સુવિધા અને ઝડપ ધરાવતું ૫જી નેટવર્ક શરૂ કરવામાં આવ્યું છે. થોડા સમય પહેલાં જ ચીનની સરકારી મીડિયાએ આ વાત જાહેર કરી હતી. તેણે જણાવ્યું હતું કે, દુનિયાના સૌથી ઊંચા બેઝ કેમ્પ ઉપર દૂરસંચારની સૌથી ઝડપી સેવા શરૂ કરવામાં આવી છે. ૬,૫૦૦ મીટરની ઊંચાઈએ આ નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે. હવે તેની ગણતરી દુનિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટના અત્યાધુનિક બેઝ કેમ્પ તરીકે થાય છે.