બાઇડેનના વિજય પર ઇલેક્ટોરલ કોલેજની મહોર

બાઇડેનના વિજય પર ઇલેક્ટોરલ કોલેજની મહોર

। વોશિંગ્ટન ।

અમેરિકામાં સત્તાનું સુકાન જો બાઇડેનના હાથમાં સોંપાશે તેની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. સોમવારે ઇલેક્ટોરલ કોલેજ વોટિંગમાં જો બાઇડેેનનો વિજય થયો હતો. જો બાઈડેનને ૩૦૬ વોટ મળ્યા હતા જ્યારે ટ્રમ્પના ફાળે ૨૩૨ વોટ આવ્યા હતા. આ સાથે જ ૫૩૮ વોટનું એનાલિસિસ થઈ ગયું હતું. આ વોટિંગમાં બહુમત માટે ૨૭૦ વોટની જરૂર હોય છે જ્યારે બાઈડેનના ફાળે ૩૦૬ વોટ આવ્યા છે. ૬ જાન્યુઆરીએ સેનેટ તથા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ દ્વારા તેની પચારિક જાહેરાત પણ કરવામાં આવશે.

લોકશાહીનો વિજય થયો છે : જો બાઇડેન

બાઈડેને ઈલેક્ટોરલ કોલેજના વોટિંગનાં પરિણામો બાદ જણાવ્યું હતું કે, લોકશાહીનો વિજય થયો છે. આપણે બધા જ મતદારો આપણા અધિકારોનો ઉપયોગ કરીએ છીએ. હવે સમય આવી ગયો છે કે, આપણે એકજૂથ થઈને સ્થિતિ બદલીએ. હવે આપણા ઘા અને ઉઝરડાને મલમ લગાવવાનો સમય આવી ગયો છે. હું હવે દરેક અમેરિકી નાગરિકનો પ્રમુખ છું. અમે સ્થિતિ બદલવા માગીએ છીએ. લોકોના ભાગલા પાડવાનો અને તેમને જુદા પાડવાનો ખેલ હવે નહીં ચાલે.

ટ્રમ્પ હજી પણ હાર સ્વીકારવા તૈયાર નથી 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પ હજી પણ અમેરિકી ચૂંટણીમાં મળેલા પરાજયને સ્વીકારવા તૈયાર નથી. તેમણે થોડા દિવસ પહેલાં જણાવ્યું હતું કે, ઈલેક્ટોરલ કોલેજનું જે પરિણામ આવશે તેનો તેઓ સ્વીકાર કરશે પણ હજી સુધી તેમણે પરાજય સ્વીકાર્યો નથી.