રસપ્રદ સર્વે : 57% સ્ત્રીઓ અને 55% પુરુષો જ્ઞાતિની બહારના જીવનસાથી માટે રાજી

રસપ્રદ સર્વે : 57% સ્ત્રીઓ અને 55% પુરુષો જ્ઞાતિની બહારના જીવનસાથી માટે રાજી

  • 93% સભ્યોએ જીવનસાથી માટેની શોધ પોતાના મોબાઇલ પરથી કરી હતી
  • ગુજરાતના 78% અપરિણિતો જીવનસાથીની પસંદગી બાબતે આત્મનિર્ભર, નિર્ણયો પણ પોતે જ લે છે, જ્ઞાતિના બંધનો પણ તૂટી રહ્યા છે

ગુજરાતીઓ માટે મેચમેકિંગ સેવા આપતી ભારત મેટ્રિમોનીની સબસિડીયરી ગુજરાતી મેટ્રિમોનીએ જીવનસાથી શોધી રહેલા 4 લાખથી વધુ યુઝર્સનો એક અભ્યાસ હાથ ધર્યો હતો. આ સંશોધનમાં લગ્ન માટેની પસંદગી કરતી વખતે ગુજરાતી અવિવાહિતો અને તેમના માતા-પિતાની અગ્રીમતાઓ અંગેની રસપ્રદ માહિતી જાહેર થઈ હતી. આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે લગ્નના નિર્ણયો પોતાની જાતે લેતા હોય એવા લોકોની સંખ્યા વધી રહી છે, જે એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે 78% મેટ્રોમોનીની પ્રોફાઇલ વ્યક્તિઓ દ્વારા જાતે જ બનાવવામાં આવે છે, જ્યારે માત્ર 8% જેટલી પ્રોફાઇલ વાલીઓ દ્વારા અને બાકીની ભાઇ-બહેન કે અન્યો દ્વારા બનાવવામાં આવે છે.

સંશોધનના અહેવાલના મુખ્ય અંશ:

  • મોબાઇલ અને ઇન્ટરનેટ ટ્રેન્ડ્સને અનુરૂપ gujaratimetrimony.comના 93% સભ્યોએ જીવનસાથી માટેની શોધ પોતાના મોબાઇલ પર કરી હતી.
  • લગ્નવાંચ્છુંકોની આ સંખ્યામાં 31% સ્ત્રીઓ અને 69% પુરુષોનો સમાવેશ થતો હતો.
  • કુલ મેટ્રિમોની પ્રોફાઇલનો નોંધપાત્ર 10% હિસ્સો NRIનો હતો.
  • જીવનસાથી શોધી રહેલી 33% સ્ત્રીઓની વય 26-30 વર્ષની વચ્ચે છે, જ્યારે 37% પુરુષોનું વયજૂથ 21-25 વર્ષની વચ્ચેનું છે.
  • ગુજરાતી સમુદાયના પ્રગતિશીલ સ્વભાવનો સંકેત એ હકીકત પરથી મળે છે કે 57% સ્ત્રીઓ અને 55% પુરુષો તેમની જ્ઞાતિની બહારના જીવનસાથી માટે રાજી હતા.
  • ભારતની બહાર જીવનસાથી શોધી રહેલા અવિવાહિતો દ્વારા પ્રાયોરિટી આપવામાં આવી હોય એવા દેશોમાં યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુકેનો સમાવેશ થયો હતો.
  • 22% સ્ત્રીઓ અને 7% પુરુષોએ અનુસ્નાતક કે તેથી વધુની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય એવા જીવનસાથી માટેની શોધ કરી હતી.

બિઝનેસમેન, નોકરીમાં ઊંચું પદ ધરાવતા લોકો વધુ રજીસ્ટ્રેશન કરાવે છે
સર્વેમાં જણાવ્યા મુજબ, રજિસ્ટ્રેશન કરાવનારા પુરુષોમાં ટોચના વ્યવસાયિકો, કારોબારના માલિકો/સાહસિકો અને ત્યાર પછી મેનેજર્સ હતા. રજિસ્ટ્રેશન કરાવનારી આવી સ્ત્રીઓમાં શિક્ષણવિદો અને સોફ્ટવેર વ્યવસાયિકોનો સમાવેશ થતો હતો. સૌથી વધુ રજિસ્ટ્રેશન નોંધાવ્યું હોય એવા ગુજરાતના ટોચનાં શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા છે. રાજ્યની બહાર રહેતા હોય એવા ગુજરાતીઓ માટે રજિસ્ટ્રેશનની ઊંચી સંખ્યા ધરાવતા ટોચનાં શહેરોમાં મુંબઈ, બેંગલુરુ, થાણે અને પૂણેનો સમાવેશ થાય છે.

ઓનલાઈન મેટ્રીમોનીમાં ગુજરાતીની સંખ્યા વધી રહી છે
આ વલણ અંગે મેટ્રિમોની.કોમના સ્થાપક અને CEO મુરુગવેલ જનાકિરમને જણાવ્યું હતું કે, વર્ષ 2000થી ગુજરાતી મેટ્રિમોનીએ જીવનસાથી શોધવાની બાબત આવે ત્યારે અગ્રણી પસંદગી બનીને લાખો ગુજરાતીઓનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે. હજારો સફળ જીવનગાથાઓને દરેક ત્રિમાસિક ગાળે જણાવવામાં આવે છે. ભારતમાં અને વિશ્વભરના ગુજરાતી સમુદાયમાં અમારા ગ્રાહકોની સંખ્યા સ્થિરતાથી વધી રહી છે. અમે સુરક્ષાની વિશેષતાઓ શોધવાનું અને રજૂ કરવાનું તેમ જ ગ્રાહકોના અનુભવમાં વૃદ્ધિ કરવાનું જારી રાખીશું.

( Source – Divyabhaskar )