ખેડૂત આંદોલનમાં સામેલ સંત બાબા રામસિંહે ગોળી મારી આત્મહત્યા કરી

ખેડૂત આંદોલનમાં સામેલ સંત બાબા રામસિંહે ગોળી મારી આત્મહત્યા કરી

નવી દિલ્હી

ખેડૂત આંદોલનમાં સામેલ પંજાબના સંત બાબા રામસિંહે બુધવારે દિલ્હીની સિંધુ બોર્ડર પર પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લેતાં ઉશ્કેરાટ વ્યાપી ગયો હતો. કરનાલના વતની એવા સંત બાબા રામસિંહે પોતાને ગોળી મારતાં પહેલાં એક સુસાઇડ નોટ પણ લખી હતી. સુસાઇડ નોટમાં તેમણે ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કરતાં ખેડૂતોના હક માટે અવાજ બુલંદ કર્યો છે. સંત બાબા રામસિંહ ખેડૂત હતા અને હરિયાણા શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટીના નેતા હતા.

સંત બાબા રામસિંહે તેમની સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, મેં ખેડૂતોનું દુઃખ જોયું છે. ખેડૂતો પોતાના હક માટે સડકો પર ઊતર્યાં છે. સરકાર ખેડૂતોને ન્યાય આપી રહી નથી તેથી મારું હૃદય ઘણું દુઃખી છે. સરકાર ખેડૂતો પર જુલમ કરી રહી છે. જુલમ કરવો પાપ છે તો જુલમ સહેવો પણ પાપ છે. રામસિંહે તેમની સુસાઇડ નોટમાં વધુમાં લખ્યું છે કે કોઇએ ખેડૂતોના હક માટે કે તેમના પર ગુજારાતા અત્યાચાર અટકાવવા કશું કર્યું નથી. સંખ્યાબંધ લોકોએ ખેડૂતોનાં સમર્થનમાં પુરસ્કારો સરકારને પરત કર્યાં છે. આ અત્યાચાર સામેનો અવાજ છે. ખેડૂતોના હકમાં અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. વાહે ગુરુજી કા ખાલસા, વાહે ગુરુજીકી ફત્તેહ.

બાબા રામસિંહે લખ્યું છે કે અન્નદાતા ઠંડીમાં તેમની માગોને કારણે સડકો પર છે અને તેના હકની લડાઇ લડી રહ્યો છે. પરંતુ કૃષિ કાયદાઓ પર સરકાર જિદે ચડી છે. તેના કારણે હું આત્મહત્યા કરી રહ્યો છું. ઉલ્લેખનીય છે કે, ૬૫ વર્ષીય બાબા રામસિંહ કિસાન મોરચાની સાથે દિલ્હીની સિંધુ બોર્ડર પર આવ્યા હતા. બાબાના અનુયાયિયોની સંખ્યા લાખોમાં છે.

ખેડૂતોએ આંદોલન વધુ ઉગ્ર બનાવ્યું, દિલ્હીની ટિકરી, નોઇડા અને ઢાંસા બોર્ડર બંધ કરાઈ

દિલ્હીની ટિકરી અને ઢાંસા બોર્ડર પર દેખાવો કરી રહેલા ખેડૂતોએ બુધવારે બીજી તરફની લેન પર પણ કબજો જમાવી દેતાં બંને સરહદ પર વાહન વ્યવહાર ઠપ થઇ ગયો હતો. ઝતિકારા બોર્ડર પર મોટાં વાહનો પસાર થઇ શકતાં નહોતાં. ફક્ત ટુવ્હીલર્સને જવાની પરવાનગી આપવામાં આવી હતી. ખેડૂતોએ સવારે નોઇડાની સરહદ પર પણ ડેરા નાખતાં દિલ્હી જવા ઇચ્છતાં નોઇડાનાં વાહનો થંભી ગયાં હતાં.