બાબરી કરતાં તદ્દન અલગ અયોધ્યામાં બનનાર ભવ્ય મસ્જિદ, ગુંબજ વગરની પહેલી અને નામ પણ ખાસ

બાબરી કરતાં તદ્દન અલગ અયોધ્યામાં બનનાર ભવ્ય મસ્જિદ, ગુંબજ વગરની પહેલી અને નામ પણ ખાસ

ભારત (India) હંમેશાથી વિભિન્નતાવાળો દેશ રહ્યો છે. અહીં દરેક મજહબ, દરેક સંસ્કૃતિ, અને અલગ-અલગ ભાષાઓના લોકો એકસાથે મળીને રહે છે. કહેવાય છે કે ભારતમાં દર દર 5 થી 10 કિલોમીટરમાં તમને વિવિધતાની ઝલક જોવા મળશે. ભારતના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂ (Jawaharlal Nehru)ના પ્રખ્યાત પુસ્તક ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’માં એક અધ્યાય છે ‘અનેકતામાં એકતા’. આ પુસ્તકમાં ભારતની એ તાકાતના વખાણ કરાયા છે. શનિવારના રોજ અયોધ્યા (Ayodhya)ની ધન્નીપુર મસ્જિદ (Dhannipur Masjid)ની ડિઝાઇન સામે આવી. વર્ષો સુધી જે મુદ્દાએ બે કોમના લોકોને સામ-સામે મૂકયા તે હવે ખત્મ થઇ ગયું છે. હવે અંદાજે 30 કિલોમીટરના અંતર પર જ બંને ઇમારતોનું નિર્માણ થશે.

દેશની સર્વોચ્ચ અદાલતના નિર્ણય પછી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર (Ayodhya Ram Mandir) બની રહ્યું છે અને ત્યાંથી થોડાંક જ અંતરે એક ભવ્ય મસ્જિદ બનાવવામાં આવી રહી છે. આ બંને ઇમારતો આવનારી પેઢીને શાંતિ અને પ્રેમની અનુભૂતિનો અહેસાસ કરાવશે. સામાન્ય રીતે જ્યારે પણ આપણા મનમાં મંદિર- મસ્જિદનો ઉલ્લેખ આવે છે ત્યારે આંખો સામે એક તસવીર ચોક્કસપણે બની જાય છે. જેમાં મસ્જિદની ઉપર કેટલાક મિનારા, ગુંબજ હોય છે, મસ્જિદની ઉપર સાઉન્ડ લાગેલું હોય છે. પરંતુ અયોધ્યાની ધન્નીપુર મસ્જિદ એવી બિલકુલ નહીં હોય. જો લોકોને ફક્ત તસવીર દેખાડી પૂછવામાં આવે કે શું આ મસ્જિદ છે તો તમને વિશ્વાસ હીં થાય કે 100 થી 90 લોકો તેને કાં તો કોઇ ફાઇવ સ્ટાર હોટલ કહેશે અથવા તો એરપોર્ટ, મોલ કે પછી કોઇ ફરવા જવાની જગ્યા.

300 બેડની હોસ્પિટલ

ઇન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન (આઇઆઇસીએફ)ની વર્ચુઅલ બેઠકમાં અયોધ્યાના ધન્નીપુરમાં બનનાર મસ્જિદની ડિઝાઇન રજૂ કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે આ મસ્જિદમાં કોઈ ગુંબજ હશે નહીં. પાંચ એકર જમીનમાં મસ્જિદ ઉપરાંત એક મ્યુઝિયમ, પુસ્તકાલય અને એક કમ્યુનિટી કિચન પણ બનાવવામાં આવશે. આ જમીનમાં 200 થી 300 બેડની હોસ્પિટલ પણ બનાવવામાં આવશે. જામિયા મિલિયા ઇસ્લામીયા યુનિવર્સિટીના આર્કિટેક્ચર વિભાગના પ્રોફેસર એસ.એમ.અખ્તર દ્વારા મસ્જિદની ડિઝાઇન કરવામાં આવી છે. આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે મસ્જિદનું નામ કોઇ બાદશાહના નામ પરથી લેવામાં આવશે નહીં.

અતહર હુસેને કહ્યું કે મસ્જિદનું નામ ધન્નીપુર મસ્જિદ રાખવામાં આવ્યું છે. તેમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, કલ્ચરલ રિસર્ચ સેન્ટર, લાઇબ્રેરી અને કિચન પણ હશે. મસ્જિદ સંકુલની ડિઝાઇન આર્કિટેક્ટ રિલીઝ થયા બાદ તેનો નકશો પાસ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. કોશિષ કરવામાં આવી રહી છે કે 26 જાન્યુઆરી કે 15 ઓગસ્ટના રોજ શિલાન્યાસ કરાશે.

અતહર હુસેને કહ્યું કે આધુનિક ડિઝાઇનની આ મસ્જિદમાં બાબરી બંધારણની કોઈ ઝલક સુદ્ધાં જોવા મળશે નહીં. ધન્નીપુર ગામના ગ્રામ પ્રધાન રાકેશકુમાર યાદવે જણાવ્યું કે આ વિસ્તાર એક મોટું ધાર્મિક પર્યટન કેન્દ્ર બનશે. આ ક્ષેત્રનો વિકાસ થશે.

આર્કિટેક્ટ પ્રોફેસર અખ્તરે કહ્યું, ‘હોસ્પિટલ માત્ર કોંક્રીટનું માળખું હશે નહીં પરંતુ મસ્જિદની વાસ્તુકલા તરીકે તૈયાર કરાશે. તેમાં 300 બેડનું સ્પેશ્યાલિટી એકમ હશે, જ્યાં ડોકટર્સ બીમાર લોકોની મફત સારવાર કરશે.

બાંધકામ 26 જાન્યુઆરી કે 15 ઓગસ્ટથી શરૂ થશે

ફાઉન્ડેશનના પ્રવક્તા અતહર હુસેને જણાવ્યું હતું કે નકશો પસાર થયા બાદ મસ્જિદનું નિર્માણ શરૂ થશે. જો મંજૂરી આપવામાં આવે છે તો 26 જાન્યુઆરીથી બાંધકામની શરૂઆત થશે. આ પ્રસંગે કોઈ મોટું આયોજન હશે નહીં. જો 26 જાન્યુઆરીથી કામ શરૂ થતું નથી તો 15 ઓગસ્ટની તારીખનો વિકલ્પ રાખવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બે વર્ષમાં આખો પ્રોજેક્ટ તૈયાર થઈ જશે. મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું હતું કે માટીનું પરીક્ષણ સ્થળ પર પહેલા કરવામાં આવશે, ત્યારબાદ મસ્જિદનો નકશો પાસ કરાશે. આ પ્રક્રિયા બાદ જ બાંધકામ શરૂ થશે. મસ્જિદ, હોસ્પિટલ, મ્યુઝિયમનો પાયો એક સાથે નંખાશે.

બે હજાર લોકો નમાઝ પઢી શકશે

એસ.એમ.અખ્તરે માહિતી આપી હતી કે મસ્જિદ 3500 ચોરસ મીટરમાં બનાવવામાં આવશે. અહીં બે હજાર લોકો એક સાથે નમાઝ પઢી શકશે. મસ્જિદ બે માળની હશે. મહિલાઓ માટે એક અલગ સ્થાન હશે. આ બિલ્ડિંગ ઇકો ફ્રેન્ડલી હશે અને સોલાર એનર્જીનો ઉપયોગ કરાશે. હોસ્પિટલને 24150 ચોરસ મીટરમાં બનાવવામાં આવશે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ આ જમીન પર બનનાર હોસ્પિટલ ચાર માળની હશે. આ હોસ્પિટલમાં ઓછામાં ઓછી 200 પથારી હશે અને તે ચેરિટી મોડેલ પર કામ કરશે.