અમેરિકી પ્રમુખ ટ્રમ્પ દ્વારા ઇમિગ્રન્ટ્સ, વર્ક વિઝા પરના પ્રતિબંધોની મુદતમાં માર્ચ સુધીનો વધારો

અમેરિકી પ્રમુખ ટ્રમ્પ દ્વારા ઇમિગ્રન્ટ્સ, વર્ક વિઝા પરના પ્રતિબંધોની મુદતમાં માર્ચ સુધીનો વધારો

। વોશિંગ્ટન ।

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચોક્કસ પ્રકારના વર્ક વિઝાને જારી કરવા પર મૂકેલા પ્રતિબંધોની મુદતમાં ત્રણ મહિનાનો વધારો કર્યો હતો. ટ્રમ્પે જણાવ્યું હતું કે,’ કોવિડ-૧૯ની અમેરિકાના શ્રમ બજાર અને અમેરિકી સમુદાયના આરોગ્ય પર પડેલી અસરો રાષ્ટ્રીય ચિંતાનો વિષય છે.’ ટ્રમ્પે વધી રહેલી બેરોજગારી, મહામારી, રાજ્યો દ્વારા બિઝનેસ ક્ષેત્ર પર અમલી મહામારી નિયંત્રણો તેમ જ જૂન મહિનાથી રાજ્યોમાં કોરોના વાઇરસના વધી રહેલા કેસને ટાંકીને ચિંતા જાહેર કરી હતી.

વિઝા પર એપ્રિલ અને જૂનમાં મૂકવામાં આવેલા પ્રતિબંધોની મુદત ૩૧ ડિસેમ્બરે પૂરી થતી હતી. જે પ્રતિબંધોની મુદત લંબાવવામાં આવી છે તેમાં અમેરિકામાં કામ કરવા વિદેશી લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા એચ-૧બી અને એચ-૨બી વિઝાનો પણ સમાવેશ થાય છે. એચ-૧બી વિઝા ટેક વ્યવસાયીઓમાં ખૂબ જ લોકપ્રિય છે તો એચ-૨બી વિઝા બિનખેતી મોસમી કામદારને ઇશ્યૂ થતો હોય છે. તે ઉપરાંત જે-૧ વિઝા સહિતના અન્ય ટૂંકી મુદતના વિઝા આપવાની કામગીરી પણ મોકૂફ રાખવામાં આવી છે.