ફાયરિંગ કરનાર ઝડપાયો:ઉત્તરાયણે ધાબા પર હવામાં ફાયરિંગ કરનારની ધરપકડ, કૃષ્ણનગરના યુવકે વીડિયો બનાવી અપલોડ કર્યો હતો

ફાયરિંગ કરનાર ઝડપાયો:ઉત્તરાયણે ધાબા પર હવામાં ફાયરિંગ કરનારની ધરપકડ, કૃષ્ણનગરના યુવકે વીડિયો બનાવી અપલોડ કર્યો હતો

  • કંટ્રોલરૂમ પર મેસેજ મળતાં પોલીસે તપાસ હાથ ધરતાં યુવક તેના ઘરે કમર હથિયાર લગાવેલી સ્થિતિમાં ઝડપાયો
  • પોલીસે હથિયાર રાખવા બાબતે યુવક પાસે પર‌મિટ માગી પરંતુ તેની પાસે ન હોવાથી તેના વિરુદ્ધ ગુનો નોંધ્યો

ક્રાઇમ રિપોર્ટર | અમદાવાદ ઉત્તરાયણના દિવસે કૃષ્ણનગરમાં કોઈ ધાબા પરથી પિસ્ટલ જેવા હથિયારથી હવામાં ફાયરિંગ કરવાનો વીડિયો સોશિયલ મીડીયામાં ફરતો થયો હતો. આ મામલે પોલીસે તપાસ કરતા કૃષ્ણનગરના એક યુવકે આ વીડિયો ઉતાર્યો હોવાનંુ બહાર આવતા પોલીસે તેની આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

યુવક પાસે હથિયારનું લાયસન્સ નહોતું
પોલીસના જણાવ્યા અનુસાર કૃષ્ણનગર પોલીસની ટીમ ગુરુવારે પેટ્રોલિંગમાં હતી ત્યારે કન્ટ્રોલ રૂમમાંથી મેસેજ મળ્યો હતો કે, ગાયત્રી સર્કલ પાસે વિજયપાર્કથી હરિવિલા જવાના રોડ પર એક યુવકે પિસ્ટલ જેવા હથિયારથી ફાયરિંગ કર્યું છે. આ યુવકે ફાયરિંગ કરીને વીડિયો બનાવી તેને પોતાના ફેસબુક એકાઉન્ટથી અપલોડ કર્યો છે. મેસેજને પગલે પોલીસની ટીમે સ્થળ પર જઈ તપાસ કરતા ધવલ પટેલ નામના યુવકની ઓળખ થઈ હતી. તેની પાસે હથિયારનું લાઇસન્સ ન હતું. આથી તેની આર્મ્સ એક્ટર ધરપકડ કરાઈ હતી. તેણે પોલીસને કહ્યું હતું કે, ઉત્તરાયણની ખુશીમાં તેણે પોતાના ફ્લેટના ધાબેથી પિસ્ટલમાં ભરાવેલા છરાના રાઉન્ડ ફાયર કર્યા હતા.

પોલીસે યુવક પિસ્તોલ ક્યાંથી લાવ્યો તેની તપાસ હાથ ધરી
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે ખુશીના ઉત્સાહમાં આવી તેણે પોતાના ફ્લેટના ધાબા ઉપર પિસ્તોલમાં ભરાવેલા છરાના રાઉન્ડ હવામાં ફાયર કર્યા હતા અને તેનો વિડિયો બનાવી સોશિયલ સાઈટ પર અપલોડ કર્યો હતો. પોલીસે હાલ તેની ધરપકડ કરી પિસ્તોલ ક્યાંથી લાવ્યો હતો અને કોણે આપી હતી તે દિશામાં તપાસ શરૂ કરી છે.

( Source – Divyabhaskar )