ર૦રર સુધીમાં રાજ્યમાં ઘરે ઘરે નળથી જળ પહોંચી જશે : મુખ્યમંત્રી રૂપાણી

ર૦રર સુધીમાં રાજ્યમાં ઘરે ઘરે નળથી જળ પહોંચી જશે : મુખ્યમંત્રી રૂપાણી

। રાજકોટ ।

સૌરાષ્ટ્રમા રૂપકડા સમૂદ્રકાંઠાથી શોભતા દ્વારકા નજીક બ્લ્યુ ફલેગ બીચ શિવરાજપૂર અને ગરવા ગિરનારની ગોદમા આવેલા જૂનાગઢ ખાતે આજે કરોડોના વિકાસકામોના ખાતમૂહુર્ત-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી રૂપાણીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ર૦રર સુધીમા રાજ્યમાં ઘરે ઘરે નળથી જળ પહોંચી જશે.

દ્વારકાધીશને વંદન કરી શિવરાજપૂર ખાતે રૂ. ર૦ કરોડના ખર્ચે પ્રવાસી સુવિધાના નિર્માણનું ખાતમૂહુર્ત કરતા બીજા તબક્કામા રૂ.૮૦ કરોડ સાથે આ બીચનો રૂ. એક અબજના ખર્ચે વિકાસ કરવાની જાહેરાત કરી હતી. પ્રવાસ મંત્રી જવાહર ચાવડાએ આ બીચના વિકાસ સાથે પ્રવાસીઓને પર્યટન સ્થળ મળવાની સાથે સ્થાનિકોને રોજગારીની નવી તકો નિર્માણ થશે તેમ જણાવ્યુ હતુ.  જૂનાગઢમાં ગિરનાર ખાતે ભદ્રેશ્વર, સફારી પાર્ક અને શહેરમાં ૧ર૦ કરોડના ખર્ચે ઓવરબ્રિજ માટે ખૂટતા નાણાની જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના સમયમાં ગુજરાતમાં વિકાસના નામે માત્ર નાટકો જ થતા હતા, આજે ભાજપ સરકારના સમયમાં નાટકો નહી પરંતુ નક્કર કામગીરી કરીને કોરોનાકાળમાં પણ ૨૭ હજાર કરોડના વિકાસના કામોના ખાતમુર્હત, લોકાર્પણ કરવામાં આવ્યા છે. બે દાયકા પહેલા કોંગ્રેસની સરકાર હતી ત્યારે કોંગ્રેસનું સમગ્ર રાજ્યનું બજેટ ૯ હજાર કરોડનું રહેતું, તેના બદલે હવે ગુજરાત વિકાસની હરણફલ ભરી રહ્યું છે, કારણ કે, હાલ ગુજરાતમાં ૨ લાખ ૧૦ હજાર કરોડનું બજેટ ગુજરાતના લોકો માટે રજુ કરાયું છે, જેનાથી દરેક વિભાગના ભાગે ૧૫-૧૫ કરોડ અને શિક્ષણ માટે ૩૦ હજાર કરોડ ફાળવાયા છે.