સાબરમતી રિવરફ્રન્ટના 49 પ્લોટના વેચાણનો આરંભ, પ્લોટમાં 92 મીટરની ઊંચાઇ, 30 માળ બાંધી શકાશે

સાબરમતી રિવરફ્રન્ટના 49 પ્લોટના વેચાણનો આરંભ, પ્લોટમાં 92 મીટરની ઊંચાઇ, 30 માળ બાંધી શકાશે

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી જાહેર થાય તે પહેલાં સાબરમતી રિવરફ્રન્ટના ૪૯ પ્લોટની વેચાણ પ્રક્રિયાનો આરંભ કરી દેવાયો છે. AMC સંચાલિત સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા આજે સાબરમતી રિવરફ્રન્ટના ૪૯ પ્લોટના ડેવલપમેન્ટ અંગે EOI બહાર પડાયા છે.

અગામી ૨૦મી ફેબ્રુઆરી સુધીમાં ડેવલપર્સે સાબરમતી રિવરફ્રન્ટના પ્લોટની સામે શું ડેવલપમેન્ટ કરવા માગો છો તે સાથેની પ્રપોઝલ સબમીટ કરવાની રહેશે પછી આ પ્રપોઝલ સબમીટ થયા બાદ ફાઇનાન્શિયલ બીડ ભરવાની રહેશે.

અમદાવાદ મ્યુનિ.એ સાબરમતી રિવરફ્રન્ટના ૪૯ પ્લોટ પૈકી તમામ પ્લોટદીઠ ક્ષેત્રફળની સામે કેટલી ઊંચાઇનું બાંધકામ મળી શકશે તે અંગેની મર્યાદા નક્કી કરી છે જેમાં ૭ પ્લોટ એવા છે જેમાં સૌથી વધુ ૯૨.૪ મીટરની ઊંચાઇ સુધીનું બાંધકામ મળી શકશે.

અમદાવાદ મ્યુનિ.ના અધિકારીઓનો તર્ક છે કે, બજારમાં કયા પ્રકારના ડેવલપમેન્ટની માગ છે ? તે અમે જાણતા નથી, આથી EOI બહાર પાડયાં છે જેમાં તમામ બીડરોની પ્રપોઝલ આવશે જેના આધારે અમે નક્કી કરીશું કે, સાબરમતી રિવરફ્રન્ટના પ્લોટમાં કેવા પ્રકારના ડેવલપમેન્ટની માગ છે? પછી પ્રપોઝલના આધારે ફાઇનાન્શિયલ બીડ મગાવવામાં આવશે.

અહીં સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે, સાબરમતી રિવરફ્રન્ટના ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ૫૦૦ એકર જમીનનો વિકાસ કરાઇ રહ્યો છે એટલે કે, પ્રોજેક્ટની કુલ જમીનના ૮૫.૫ ટકા જમીનનો વિકાસ કરાઇ રહ્યો છે જ્યારે ૧૪.૪ ટકા જમીન ખાનગી ડેવલપરોને વેચાણ કરવાની જોગવાઇ છે.

આ અંગે અમદાવાદ મ્યુનિ.ના ડે.મ્યુનિ.કમિશનર રાકેશ મહેતાએ જણાવ્યું હતુ કે, ‘સાબરમતી રિવરફ્રન્ટ કંપની દ્વારા વેચાણ માટેના ૪૯ પ્લોટમાં ડેવલપમેન્ટ અંગે EOI બહાર પાડવામાં આવ્યા છે જેમાં ડેવલપરો પાસે રિક્રિએશનલ એક્ટિવીટી સહિતના અન્ય ડેવલપમેન્ટ અંગે પ્રપોઝલ મંગાવવામાં આવી છે.

સાબરમતી રિવરફ્રન્ટ ઉપર કેવા પ્રકારના ડેવલપમેન્ટની માગ છે અને બજારમાં કેવા પ્રકારના ડેવલપમેન્ટની માગ છે એ આ પ્રપોઝલની સાથે ખ્યાલ આવશે. બીડરો સાબરમતી રિવરફ્રન્ટના વેચાણ માટેના પ્લોટ ઉપર ડેવલપમેન્ટ અંગેની પ્રપોઝલ સબમીટ કરશે પછી ફાઇનાન્શિયલ બીડ કરવામાં આવશે.’

રિવરફ્રન્ટના પ્લોટમાં ૯૨ મીટરની ઊંચાઇ, ૩૦ માળ બાંધી શકાશે

સાબરમતી રિવરફ્રન્ટના દરેક ૪૯ પ્લોટના ક્ષેત્રફળ સામે ઊંચાઇ નક્કી કરી દીધી છે. અહીં મહત્તમ ૯૨.૪ મીટર એટલે કે, ૩૦ માળની ઇમારત બાંધી શકાશે જ્યારે ઓછામાં ઓછી ૨૫ મીટરની હાઇટ નક્કી કરી છે. મ્યુનિ.એ સાબરમતી રિવરફ્રન્ટના સૌથી મોટા પ્લોટ એટલે કે, ૬૧૦૦ ચો.મી.ના પ્લોટમાં ૧,૧૩,૨૭૬ બિલ્ટઅપ એરિયાની સાથે ૯૨.૪ મીટરની ઊંચાઇ આપવાનું નક્કી કર્યું છે.

આ સિવાય અન્ય છ પ્લોટમાં પણ આ ઊંચાઇનું બાંધકામ મળી શકશે. ત્રણ પ્લોટમાં ૭૫.૬ મીટરની ઊંચાઇ, ત્રણ પ્લોટમાં ૭૧.૪ મીટરની ઊંચાઇ, ત્રણ પ્લોટમાં ૬૭.૨ મીટરની ઊંચાઇ, ૯ પ્લોટમાં ૬૩ મીટરની ઊંચાઇ, એક પ્લોટમાં ૫૮.૮ મીટરની ઊંચાઇ, એક પ્લોટમાં ૫૪.૬ મીટરની ઊંચાઇ, ૧૨ પ્લોટમાં ૪૨ મીટરની ઊંચાઇ અને ૧૦ પ્લોટમાં ૨૫ મીટરની ઊંચાઇની મર્યાદા નક્કી કરાઇ છે.

રાજ્ય સરકારે ચાર વર્ષ પહેલાં બે પ્લોટના ભાવ નક્કી કર્યા હતા પણ હરાજી થઇ શકી નહોતી

રાજ્ય સરકારે ચાર વર્ષ પહેલાં સાબરમતી રિવરફ્રન્ટના વેચાણ માટેના બે પ્લોટના ભાવ નક્કી કર્યા હતા. સરકારે ૧૨૮૦ ચો.મી. ક્ષેત્રફળના શેખપુર-ખાનપુરના રેવન્યૂ સરવે નંબર ૩૩૫નો ભાવ નક્કી કર્યો હતો જેમાં ૭૫.૬ મીટરની ઊંચાઇ સાથે ૧૬,૭૭૩ ચો.મી. બિલ્ટઅપ એરિયા નક્કી કરાય કરાયો હતો. જેમાં ૧૭ માળનું બાંધકામ થઇ શકે તેમ હતુ જેની તળિયાની કિંમત રૂ.૧૦૦.૬૪ કરોડ નક્કી કરાઇ હતી.

આ પ્લોટની પ્રતિ ચો.મી.નો ભાવ રૂ.૭.૮૬ લાખ નક્કી કરાયો હતો. બીજો પ્લોટ ૨૨૪૦ ચો.મી.ના ક્ષેત્રફળનો હતો જે ચંગીઝપુર ગામની સીમમાં રેવન્યૂ સરવે નંબર ૧૮૪ હતો જેમાં ૧૧,૦૭૪ બિલ્ટઅપ એરિયા સાથે ૨૫ મીટરની ઊંચાઇ નક્કી કરી હતી જેની તળિયાની કિંમત રૂ.૬૬.૪૫ કરોડ હતી. આમ, પ્રતિ ચો.મી.નો ભાવ રૂ.૨.૯૬ લાખ હતો.

સરકારનો ભાવ ઊંચો લાગતાં એજન્સી નીમી દીધી

રાજ્ય સરકારે ચાર વર્ષ પહેલાં બે પ્લોટના ભાવ નક્કી કર્યા હતા પણ મ્યુનિ.ને આ ભાવ વધારે લાગ્યા હતા સાથે તે વખતે નોટબંધી અને જીએસટીના કારણે હરાજી થઇ શકી ન હતી પછી મ્યુનિ.એ સાબરમતી રિવરફ્રન્ટના પ્લોટના વેચાણ માટે ખાનગી એજન્સીને નીમી હતી.

( Source – Sandesh )