પૃથ્વી પરનો 28 ટ્રિલિયન ટન બરફ 1994 થી 2017 વચ્ચે ઓગળી ગયો

પૃથ્વી પરનો 28 ટ્રિલિયન ટન બરફ 1994 થી 2017 વચ્ચે ઓગળી ગયો

। લંડન ।

સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણના તારણ મુજબ વર્ષ ૧૯૯૪ થી ૨૦૧૭ દરમિયાન ૨૮ ટ્રિલિયન ટન બરફ ઓગળી ચુક્યો છે. પૃથ્વી પરથી ઓગળી ચૂકેલા બરફનું કદ સમગ્ર બ્રિટન પર પથરાયેલા બરફના ૩૦૦ ફુટ જાડા થર બરોબર આંકી શકાય. લિડ્સ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા પૃથ્વીની ચોમેર ઘુમતા રહેતા સેટેલાઇટના ડેટાની મદદથી આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. સંશોધકોને જણાવ્યા મુજબ ૨૩ વર્ષના આ સમયગાળા દરમિયાન બરફ ઓગળવાના આ વાર્ષિક દરમાં ૬૫ ટકાનો વધારો થયો છે. ૧૯૯૦ના દાયકાના આરંભિક ગાળામાં વાર્ષિક ૦.૮ ટ્રિલીયન ટન બરફ ઓગળતો હતો. ત્યારથી માંડીને ૨૦૧૭ સુધીમાં ૧.૩ ટ્રિલીયન બરફ ઓગળી ચૂક્યો છે. સંશોધકોએ જણાવ્યું હતું કે ધ્રુવીણ પ્રદેશો અને ગ્રીનલેન્ડ પરની બરફની છાજલીઓ સૌથી ઝડપથી  ઓગળી રહી છે. બરફ ઝડપથી ઓગળતાં સમુદ્ર સપાટી ઉંચી આવી રહી છે. સાગર કાંઠા વિસ્તારના લોકોને પૂરસંકટ નડી શકે. વિસ્તારના વન્યજીવન પણ પ્રભાવિત થઇ શકે છે.

સંશોધકોએ જણાવ્યું છે કે આમ તો મોટા ભાગના વિસ્તારોમાંથી બરફ ઓગળી રહ્યો છે,પરંતુ ઉત્તર ધ્રુવ અને ગ્રીનલેન્ડમાં સૌથી વધુ બરફ ઓગળી રહ્યો છે. તેને કારણે આબોહવા પરિવર્તન થઇ રહ્યું છે. ક્લાઇમેટ ચેન્જ મુદ્દે સરકારો દ્વારા રચાયેલી સમિતિઓ આ મુદ્દે ચિંતા જાહેર કરે છે.

અભ્યાસ માટે સેટેલાઇટ તસવીરો ખૂબ મદદરૂપ

પૃથ્વીની બરફ સિસ્ટમને શું થઇ રહ્યું છે તે સમજવા વીતેલા ત્રણ દાયકાઓથી આંતરરાષ્ટ્રીય પ્રયાસ થઇ રહ્યા છે. સેટેલાઇટ સિસ્ટમ તેમાં ખૂબ મદદ કરી રહી છે. આ તસવીરોની મદદથી જાણી શકાયું છે કે  પૃથ્વી પરથી કેટલો બરફ ઓગળી ચૂક્યો છે.