ખેડૂતોને સલામ કે જેમણે કોરોનાકાળમાં પણ ઉત્પાદન ઘટવા ના દીધું : રાષ્ટ્રપતિ કોવિંદ

ખેડૂતોને સલામ કે જેમણે કોરોનાકાળમાં પણ ઉત્પાદન ઘટવા ના દીધું : રાષ્ટ્રપતિ કોવિંદ

। નવી દિલ્હી ।

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દેશના લોકોને શુભેચ્છા આપી હતી. રાષ્ટ્રજોગ સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે પ્રત્યેક ભારતીય તે ખેડૂતોને સલામ કરે છે કે જેમણે આપણા દેશને અનાજ અને ડેરી ઉત્પાદનો મુદ્દે આત્મનિર્ભર બનાવ્યો. કુદરતી આપત્તિઓ, કોરોના મહામારી સહિતના પડકારોનો હોવા છતાં આપણા ખેડૂતોએ ઉત્પાદન ચાલુ રાખ્યું. તેમણે એમ પણ કહ્યું કે, દેશનું અર્થતંત્ર ઝડપથી સુધારી રહ્યું છે. કોવિડ ૧૯ને કારણે લોકડાઉનને અમલી બનાવવાની ફરજ પડી હતી. પરંતુ અર્થતંત્રની ગાડી પાછી પાટા ઉપર આવી રહી છે.

જમીન, આકાશ, સમુદ્રમાં આપણા યોદ્ધા સજાગ છે

રાષ્ટ્રપતિએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે લદ્દાખમાં સિયાચીન અને ગલવાન ખીણમાં તાપમાન માઇનસ ૫૦ થી ૬૦ ડિગ્રી રહે છે. બીજી તરફ જેસલમેરમાં ચામડી દઝાડી દેતી ગરમી પડે છે. ઉનાળામાં અહીં ૫૦ ડિગ્રી તાપમાન થઇ જાય છે. આ તમામ વિસ્તારોમાં ભારતીય જવાનો અડીખમ ઊભા રહીને ફરજ નિભાવે છે. જમીન, આકાશ અને સમુદ્રી વિસ્તારોમાં આપણા યોદ્ધા પૂરી રીતે સજ્જ અને સજાગ છે.

કોરોના સામેનો જંગ બધા લડયા । તેમણે કહ્યું કે આપણા વિજ્ઞાની, તબીબો, વહીવટદારો અને દેશની જનતા તમામે કોરોના સામેની લડાઇમાં યોગદાન આપ્યું છે. તેને કારણે જ વિકસિત દેશોની તુલનામાં આપણા દેશમાં કોરોના થકી થતા મૃત્યુના દરને અંકુશમાં રાખી શકાયા. બીજી તરફ તેમણે કહ્યું કે વહીવટી અને આરોગ્ય તંત્ર રસીકરણ કાર્યક્રમને સફળ બનાવવા સતર્કતાથી કામ કરી રહ્યા છે. હું દેશવાસીઓને અપીલ કરું છું કે તેઓ આ લાઇફલાઇનનો લાભ લઇને ગાઇડલાઇન મુજબ વેક્સિનનો ડોઝ લે.

( Source – Sandesh )