પોષી પૂનમે ખેડાના પ્રખ્યાત સંતરામ મંદિરમાં બોર ઉછાળવા પર રોક

પોષી પૂનમે ખેડાના પ્રખ્યાત સંતરામ મંદિરમાં બોર ઉછાળવા પર રોક

પોષી પૂનમના (Poshi Poonam) રોજ નડિયાદના પ્રખ્યાત શ્રી સંતરામ મંદિરમાં (Santram Mandir) બોર ઉછાળવા પર રોક લગાવી દેવામાં આવી છે. કોરોના મહામારીના પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, પૂનમના રોજ મંદિરની મુલાકાતે આવનાર ભક્તો કાઉન્ટર પર આપેલાં બોર પ્રસાદીરૂપે ઘરે લઈ જઈ શકશે.

નડિયાના પ્રખ્યાત પરમપૂજ્ય મહારાજ શ્રી દ્વારા કોરોના મહામારીના પગલે બોર ઉછળવા પર રોકનો આદેશ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, પોષી પૂનમે સંતરામ મંદિરમાં બોર ઉછાળવાનો મહિમા છે. અને દર વર્ષે હજારો ભક્તો મંદિરના દર્શને આવતાં હોય છે. જે શ્રદ્ધાળુઓના બાળકો યોગ્ય રીતે બોલી શકતા ન હોય તેઓની બાધા પૂર્ણ થતાં શ્રદ્ધાળુઓ બોર ઉછાળતા હોય છે.

કેમ શરૂ થઈ બોર ઉછાળવાની પરંપરા?

તા.28 જાન્યુઆરીના રોજ પોષી પૂનમ છે. નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી સુદ પૂર્ણિમાના રોજ શ્રધ્ધાળુઓનો મહેરામણ ઉમટતો હોય છે. મંદિરમાં જય મહારાજનાં નાદ સાથે બાળકોનાં માતા-પિતા તથા સ્નેહીજનો બોરની ઉછામણી કરે છે. 225 વર્ષ પહેલાં પ.પૂ.શ્રી સંતરામ મહારાજના આશીર્વાદથી અબોલું બાળક બોલતું થતાં તેના માતા-પિતા બોર ઉછામણી કરી હતી. આ પરંપરા મુજબ દર પોષી પૂનમે આ બોરની ઉછામણીનો ઉત્સવ ઉજવાય છે.

આજથી 225 વર્ષ પહેલા પ.પૂ. સંતરામ મહારાજશ્રીના દર્શનાર્થે શહેરના નારાયણદેવ મંદિરના પૂજારી તેના પુત્ર સાથે આવ્યા હતા અને પૂજારીએ મહારાજશ્રીને કહ્યું હતુ કે, મારો પુત્ર બોલતો નથી. સંતરામ મહારાજે પૂજારીને આવતી પોષી પૂનમે યથાશકિત પ્રમાણે મંદિરમાં બોર ધરાવવાનું કહ્યું હતું. ત્યારબાદ પૂજારી અને તેનો પુત્ર પોષી પૂર્ણિમાએ સવારે મંદિરમાં દર્શનાર્થે આવીને સંતરામ મહારાજશ્રીના દર્શન કરતાં પૂજારીનો પુત્ર ‘જય મહારાજ’ શબ્દ બોલ્યો હતો. ત્યારથી મંદિરમાં પરંપરા મુજબ પોષી પૂનમના દિવસે આ ઉત્સવ ઉજવાય છે.