અમદાવાદ : 2020માં 3 મહિના શહેર બંધ રહ્યું છતાં કુલ 73 કરોડ દંડ વસૂલાયો

અમદાવાદ : 2020માં 3 મહિના શહેર બંધ રહ્યું છતાં કુલ 73 કરોડ દંડ વસૂલાયો

  • લોકોએ લોકડાઉન-કર્ફ્યૂમાં બહાર નીકળવા બદલ અને માસ્કનો જ 45 કરોડનો દંડ ભર્યો, સૌથી વધુ ઓક્ટોબરમાં 72 હજાર લોકો દંડાયા
  • માર્ચ, એપ્રિલ, મે દરમિયાન લોકડાઉન અને હાલ નાઇટ કર્ફ્યૂ હોવા છતાં દંડની રકમ અગાઉનાં વર્ષોની તુલનાએ બમણી
  • દર વર્ષે સરેરાશ 6થી 7 લાખ અમદાવાદીઓ નિયમોના ઉલ્લંઘન બદલ દંડ ભરે છે

અમદાવાદીઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દર વર્ષે 25થી 30 કરોડ દંડ ભરે છે, પણ 2020માં નિયમ ભંગ બદલ લોકો પાસેથી 73 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. વર્ષ 2020માં માર્ચ, એપ્રિલ અને મે મહિના દરમિયાન લોકડાઉન અને હાલ નાઇટ કર્ફ્યૂ હોવા છતાં દંડની રકમ અગાઉનાં વર્ષો કરતાં બમણાથી પણ વધી ગઈ છે.

દર વર્ષે પોલીસ હેલ્મેટ, સીટ બેલ્ટ, ગેરકાયદે પાર્કિંગ, ચાલુ વાહને ફોન પર વાત કરવાનો, ડાર્ક ફિલ્મ અને ખામીયુક્ત નંબર પ્લેટ લગાવવા બદલ વાહનચાલકો પાસેથી સૌથી વધુ દંડ વસૂલે છે, પરંતુ ચાલુ વર્ષે ફક્ત માસ્કનો દંડ જ આ બધા દંડ કરતાં બમણો થઈ ગયો છે. આ વર્ષે અમદાવાદીઓએ લોકડાઉન અને કર્ફ્યૂમાં બહાર નીકળવા બદલ તથા માસ્કનો જ 45 કરોડનો દંડ ભર્યો છે. શહેરમાં કોરોના આવ્યા બાદ માસ્ક ન પહેરવા બદલ 24.65 કરોડ, કર્ફ્યૂ ભંગમાં વાહન લઈને નીકળવા બદલ રૂ.20.51 કરોડ જ્યારે ટ્રાફિકના અન્ય નિયમોના ભંગ બદલ રૂ.28.27 કરોડનો દંડ અમદાવાદીઓએ ભર્યો હતો. આ ઉપરાંત કોરોનાને કારણે પોલીસે જાહેરનામા અને કર્ફ્યૂ ભંગના 40,718 ગુના નોંધી 49,775 લોકોની ધરપકડ કરી હતી.

ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડ

મહિનોકેસદંડની રકમ
જાન્યુઆરી67,4413,33,03,550
ફેબ્રુઆરી60,3112,90,16,550
માર્ચ61,0692,98,04,100
એપ્રિલ10,73240,48,550
મે8,462
જૂન21,40830,19,350
જુલાઈ76,5452,70,86,150
ઓગસ્ટ51,7622,44,81,350
સપ્ટેમ્બર71,3453,65,46,200
ઓકટોબર72,6213,80,24,150
નવેમ્બર50,5452,66,68,100
ડિસેમ્બર65,3003,07,40,100
કુલ6,17,24128,27,38,150

અગાઉ સૌથી વધુ ગેરકાયદે પાર્કિંગ, સીટબેલ્ટ, હેલ્મેટનો દંડ વસૂલાતો
ટ્રાફિક પોલીસ જુદા જુદા 33 નિયમોના ભંગ બદલ દંડ વસૂલે છે, જેમાં દર મહિને સરેરાશ 10થી 12 હજાર લોકો ગેરકાયદે પાર્કિંગ બદલ, 15 હજાર લોકો હેલ્મેટ પહેર્યા વગર, 10થી 15 હજાર લોકો સીટ બેલ્ટ બાંધ્યા વગર, 5 હજાર લોકો ચાલુ વાહને ફોન પર વાત કરવા બદલ, 5થી 7 હજાર લોકો ખામીયુક્ત નંબર પ્લેટ લગાવવા બદલ, 2 હજાર લોકો ડાર્ક ફિલ્મ લગાવવા બદલ દંડ ભરે છે, જે ટ્રાફિક પોલીસ દ્વારા વસૂલાતા દંડની કુલ રકમના 50થી 60 ટકા કરતાં પણ વધારે છે. -તેજસ પટેલ, ડીસીપી, ટ્રાફિક

માસ્કનો કુલ 24.65 કરોડ દંડ વસૂલાયો
શહેર કોરોનાની ઝટેપમાં આવ્યું ત્યારથી પોલીસે માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ વસૂલવાનું શરૂ કર્યું હતું. રોજ 1 હજારથી 1300 જેટલા લોકો માસ્ક પહેર્યા વગર પકડાય છે. 9 જ મહિનામાં અમદાવાદના 3.76 લાખ લોકોએ માસ્ક પહેર્યા વગર રૂ.24.65 કરોડનો દંડ ભર્યો હતો.

20.51 કરોડનો દંડ ભરી વાહનો છોડાવાયાં
લોકડાઉનમાં કામ વગર લોકો ઘરની બહાર નીકળતા હતા. જ્યારે હાલ અમદાવાદમાં નાઇટ કર્ફ્યૂ હોવા છતાં લોકો કર્ફ્યૂમાં પણ ફરવા માટે નીકળી પડે છે. 9 જ મહિનામાં આ રીતે કામ વિના બહાર નીકળેલા લોકોનાં 69,554 વાહનો ડિટેન કરી તે છોડાવવા 20.51 કરોડનો દંડ ભર્યો છે.

( Source _ Divyabhaskar )