પાટીદાર પાવરની તૈયારી : ક્લાર્કથી કલેક્ટર અને સરપંચથી સાંસદ સુધીનાં પદો મેળવવા પાટીદારો મેદાનમાં

પાટીદાર પાવરની તૈયારી : ક્લાર્કથી કલેક્ટર અને સરપંચથી સાંસદ સુધીનાં પદો મેળવવા પાટીદારો મેદાનમાં

  • પાટીદાર સમાજનું ન તો અધિકારીઓ સાંભળે છે ન નેતાઓ… રાજકારણમાં પાટીદાર સમાજની નોંધ નથી લેવાતી. – નરેશ પટેલ
  • પાટીદારે પાટીદારનું જેટલું નુકસાન કર્યું છે એટલું બીજા કોઇએ નથી કર્યું. આગામી સમયમાં સારા પરિણામો મળશે. – મણિભાઇ પટેલ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં કડવા અને લેઉવા પાટીદારો એક મંચ ઉપર આવતાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. ઊંઝા ઉમિયા ધામમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજની એક જ મંચ પર આયોજિત ચિંતન બેઠકમાં ખોડલ ધામ કાગવડના અધ્યક્ષ નરેશ પટેલે કહ્યું કે, ‘રાજકારણમાં પાટીદાર સમાજની નોંધ લેવાતી નથી.’ આ નિવેદનની પાટીદાર સમાજ પર ઘેરી અસર થઈ છે. પાટણના સંડેર નજીક કાગવડ ટ્રસ્ટના નેજા હેઠળ ખોડલધામનું નિર્માણ થવાનું છે.

ઊંઝામાં ચિંતન બેઠકનું આયોજન કર્યું
આ સ્થળના નિરીક્ષણ માટે જતાં પહેલાં નરેશ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓએ ઊંઝામાં કડવા પાટીદારોનાં કુળદેવી ઉમિયા માતાજીના દર્શન કર્યા હતા. અહીં પૂજા પછી કડવા અને લેઉઆ પાટીદાર સમાજના અગ્રણીઓની ચિંતન બેઠકમાં નરેશ પટેલે જણાવ્યું કે, ‘વિશ્વમાં પાટીદારોની વસતી પોણા બે કરોડ છે. ગુજરાતના જીડીપીને જો કોઈ વધારી શકતું હોય, તો તે પાટીદાર સમાજ છે. ઉદ્યોગ, શિક્ષણ સહિતના તમામ ક્ષેત્રોમાં પાટીદારો આગળ છે, પરંતુ હજુ કંઈક ખૂટે છે. આ સમાજની નોંધ નથી લેવાતી. હું બે બાબતે આ વાત કરું છે. એક અધિકારી સ્તરે અને બીજું રાજકારણમાં. અધિકારી સ્તરે પાટીદારો હોવા જોઈએ એટલા નથી. ક્લાર્કથી કલેક્ટર સુધી અને સરપંચથી સાંસદ સુધી પાટીદારો હોવા જોઈએ. રાજકીય પકડ નહીં વધે તો આપણને કોઈ ગણશે જ નહીં. સરકારી નોકરી અને રાજકીય પ્રતિનિધિત્વ વધે તેવા પ્રયાસો આપણે સંયુક્ત રીતે કરવા પડશે.’

પાટીદારો એકસાથે આવતા રાજકારણમાં ફેરફાર થવાની શક્યતા
બાદમાં ઊંઝા ઉમિયા ધામના અધ્યક્ષ મણિભાઈ પટેલે કહ્યું કે, ‘પાટીદારે પાટીદારનું જેટલું નુકસાન કર્યું છે, એટલું બીજા કોઈએ નથી કર્યું.’ નોંધનીય છે કે, 2015માં પાટીદાર અનામત આંદોલન વખતે પટેલો કડવા અને લેઉવા નહીં પણ પાટીદારો તરીકે એકસાથે હતા. એ વખતે અલગ અલગ જોવા મળેલા પટેલો ફરી એકવાર એક પ્લેટફોર્મ પર આવતાં ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારો થવાની શક્યતા છે.

પટેલ પાવર

  • ગુજરાતની વસ્તીમાં 15% હિસ્સો
  • ગુજરાતમાં અટકના મામલે નંબર 1, ભારતમાં અટકના મામલે નંબર 2
  • એક નાયબ CM સહિત સરકારમાં 7 મંત્રીઓ
  • ગુજરાતમાં કુલ 44 પટેલ ધારાસભ્યો
  • સાંસદો જેમાં 6 લોકસભા અને 3 રાજ્યસભામાં
  • 35થી વધારે IAS સહિત વહીવટી તંત્રમાં ઉચ્ચ અધિકારીઓ
  • 40થી વધારે IPS સહિત પોલીસ ખાતામાં ઉચ્ચ અધિકારીઓ

​​​​​​​ખોડલધામ પ્રમુખ પહેલીવાર ઊંઝા ઉમિયા ધામમાં
બેઠકમાં હાજર આગેવાનો

  • ​​​​​​​નરેશભાઈ , પ્રમુખ, ખોડલ ધામ
  • મણીદાદા, પ્રમુખ, ઉમિયા ધામ
  • જયંત બોસકી
  • ગોપાલ ઇટાલીયા
  • અલ્પેશ કથિરિયા
  • લાલજી પટેલ
  • દિનેશ બાંભણિયા
  • કિરીટ પટેલ, પાટણ ધારાસભ્ય
  • જશાભાઈ બારડ, ધારાસભ્ય
  • નારાયણ પટેલ, પૂર્વ ધારાસભ્ય

પટેલોની શક્તિ વધે તે માટે યુવાનો રાજકારણમાં આવશે
બં ને સમાજ એક થઈને કામ કરશે તો બંને સમાજને ફાયદો થશે. માના મંદિરના પરિસરમાં આવીને ધન્યતા અનુભવાઈ છે. વડીલો અને યુવાનોએ જે સ્વાગત કર્યું એ સદાય સ્મરણીય બની રહેશે. ગુજરાતનો જીડીપી કોઇ વધારી શકતું હોય તો એ પાટીદાર સમાજ છે. પાટીદાર દરેક ક્ષેત્રે આગળ છે. ઉદ્યોગ, શિક્ષણ કે પછી અન્ય ક્ષેત્ર કેમ ન હોય. જોકે હજુ કંઇક ઘટે છે એ છે સંગઠન, હજુ આપણે મહદંશે સંગઠિત થયા છીએ. ટાંટિયા ખેંચ એ માનવ સહજ સ્વભાવ છે.

જો સામેવાળો ન સુધરે તો આપણે સુધરી જવાનું. બે જગ્યાએ આપણી નોંધ નથી લેવાતી. એક અધિકારી સ્તરે અને બીજી રાજકીય સ્તરે. આપણા એટલા અધિકારી નથી કે નોંધ લેવાય. ક્લાર્કથી કલેક્ટર સુધી પાટીદાર હોવો જોઇએ. સરપંચથી સાંસદ સુધી પાટીદાર હોવો જોઇએ. મણિ કાકાને જોઇને હું રિચાર્જ થયો છું. એ દિશામાં આપણે આગળ વધવાનું છે. સાથે મળી જેટલું ખૂટતું હોય એ ભેગું કરીએ. યુવાનોની જે ચિંતા વડીલોએ કરી છે, તેને પૂરી કરવાની જવાબદારી યુવાનોની છે. અમે પીઠ થાબડીશું. પાટીદારોની શક્તિ વધે તેવો ઉદ્દેશ છે. દેશના દરેક યુવાનોએ રાજકારણમાં આવવું જોઈએ અને પાટીદાર યુવાનો પણ રાજકારણમાં આવશે.

આનો અર્થ શું? – અંગારા પર ફરી વળેલી રાખ ઉડાડવા પહેલી ફૂંક મારી દેવાઇ
​​​​​​​
પા ટીદારોને હંમેશા એવું લાગે છે કે તેમને તેમની ક્ષમતા કરતાં ઓછુ મળ્યું છે, ઓછું મળે છે. આ લાગણીને હવા આપવાનો આ એક વધુ પ્રયાસ છે. પાટીદારોના બંને સમાજની એકતા અે પટેલ પાવર 2.0 ને શરૂ કરવાનો પ્રયાસ છે. સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી આડે જૂજ દિવસો બાકી છે અને ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ અપાઈ રહ્યો છે, ત્યારે સરપંચથી સાંસદ સુધીના પદો પાટીદારોએ કબજે કરવા જોઇએ એવી વાતો પરફેકટ રાજકીય ટાઇમિંગ બતાવે છે. પટેલ અનામતના અંગારા પર ફરી વળેલી રાખને ઉડાડવા પહેલી ફૂંક મારી દેવાઇ છે, હવે જોવાનું એ છે કે રાજકારણમાં ગરમી કેટલી આવે છે.

( Source – Divyabhaskar )