રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના જન્મદિવસે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને મહાનુભાવોએ શુભકામનાઓ પાઠવી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના જન્મદિવસે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે ફોન દ્વારા શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજભવન પધારીને રાજ્યપાલશ્રીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો જન્મદિવસ જનકલ્યાણનું પર્વ બને એ વિભાવનાથી રાજભવનમાં આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રત્યે સ્નેહ અને સન્માન ભાવ પ્રગટ કરતાં માનવતાની સેવા માટે અનેક લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પ દરમિયાન 752 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે રક્તદાન કેમ્પની મુલાકાત લીધી હતી અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે પણ રાજભવન પધારીને રાજ્યપાલશ્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર પણ રાજભવન પધાર્યા હતા અને તેમણે રાજ્યપાલશ્રીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. સામાજિક, સ્વેચ્છિક અને રાજકીય ક્ષેત્રોના અનેક આગેવાનોએ આજે દિવસ દરમિયાન રાજભવન પધારીને રાજપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
જન્મદિવસની સવારે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવી અને પરિવારજનો સાથે રાજભવન પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં હવન કર્યો હતો.
રાજભવન પરિવાર તરફથી રાજ્યપાલશ્રીના શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી અશોક શર્માએ 'શુભ-વંદના ષટ્કમ્' ની રચના કરીને તેનું પઠન કર્યું હતું અને રાજભવનના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ વતીથી 'શુભ-વંદના ષટ્કમ્' રાજ્યપાલશ્રીને અર્પણ કર્યું હતું.