ગુજરાતમાં 64% બાળકોને મોબાઇલનું વળગણ, એકલવાયા બનતાં નિરાશામાં આત્મઘાતી પગલાં ભરે છે
મોબાઈલ ફોન કોઈપણ ઊંમરની વ્યક્તિ માટે કોઈ ક્ષણે તો તેની નજીકના માણસ કરતાં પણ વધારે જરૂરી બની ગયાં હોય તેવો અહેસાસ કોઈને કોઈ વખત તમામ લોકોને થયો જ હશે. આંચકારૂપ બાબત એ છે કે, મોબાઈલ ફોન બાળકને એકલવાયાં બનાવી રહ્યાં છે અને અમુક કિસ્સામાં તો બાળકો પોતાની જિંદગી આપવા સુધીના પગલાં ભરી રહ્યાં છે. વિતેલા એક જ વર્ષમાં ગુજરાતમાં 12થી 17 વર્ષના બાળકોએ મોબાઈલ ફોન ન મળવાથી કે મોબાઈલ ફોન ઉપર કોઈ ગેમ કે અન્ય વળગણથી આપઘાત કર્યાના ચાર બનાવ બની ચૂક્યાં છે. મોબાઈલ ફોનથી આવતી નિરાશાના કારણે આપઘાત, આપઘાતના પ્રયાસ કે હિંસાત્મક બનાવોના પગલે સરકારે સ્માર્ટ ફોનના વળગણ સામે સ્કૂલો માટે એડવાઈઝરી બનાવવા નિર્ણય કર્યો છે.
તાજેતરના ક્રિમિનોલોજી અને સાયકોલોજીના રિસર્સ ખતરાની ઘંટડી વગાડતાં કહે છે કે, મોબાઈલ ફોનનું વળગણ એ ડ્રગ્સના નશા કરતાં પણ ભયંકર છે. વર્ષ 2024માં કરાયેલા એક સર્વે અનુસાર સામાજીક, માનસિક, દેખાદેખીથી અને યુવા માતા-પિતામાં પોતાના માટે થોડો સમય મેળવવા બાળકોને મોબાઈલ ફોન પકડાવી દેવાની વૃત્તિ ભયજનક રીતે વધી છે. આ કારણે બાળકોમાં મોબાઈલ ફોનનું વળગણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ભવિષ્ય માટે ખતરાની ઘંટડી એ છે કે, મોબાઈલ ફોનનો સતત ઉપયોગ વધવાથી બાળકો વધુને એકલવાયાં બની રહ્યાં છે. બાલ્યાવસ્થાથી કિશોરાવસ્થાના સમયગાળા વચ્ચે મહત્તમ સ્ક્રીનટાઈમ ધરાવતાં બાળકોને મોબાઈલ ફોન એ હદે અસર કરે છે તેમાં દર્શાવાતી બાબતો સાચી માની લે છે. મોબાઈલ ફોનથી સ્ક્રીન-ફ્રેન્ડ બનતાં દોસ્તોની સફળતા અને પોતાની નિષ્ફળતા તેમના કુમળા માનસ ઉપર ઘેરી અસર પહોંચાડે છે.
બાળકોમાં સ્માર્ટફોનનું અને સોશિયલ મીડિયાનું એડિકશન-વળગણ ખૂબ જ વધ્યું છે, ત્યારે રાજ્ય સરકાર સ્કૂલો માટે એક એડવાઈઝરી તૈયાર કરશે. શિક્ષણ ક્ષેત્રના તમામ અધિકારીઓથી માંડી ચિલ્ડ્રન યુનિવર્સિટી પાસેથી આ માટે સરકારે સૂચનો મંગાવ્યા છે. રાજ્યમાં હાલ સ્કૂલોમાં ધો.1થી 12ના બાળકોને મોબઈલ લઈ જવા પર પ્રતિબંધ છે અને કોલેજોમાં વિદ્યાર્થીઓ મોબાઈલ લઈ જઈ શકે છે, પરંતુ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને ફોન ચાલુ રાખવા પર મંજૂરી નથી. પરંતુ કોરોનામાં ઓનલાઈન શિક્ષણ સ્કૂલોમાં થતા બાળકોમાં સ્માર્ટફોનનું એડિકશન ખૂબ જ વધી ગયુ છે અને પ્રી પ્રાયમરીથી લઈને ધો.8 સુધીના બાળકોમાં પણ સોશિયલ મીડિયાનું એડિકશન જોવા મળી રહ્યુ છે.
તાજા સર્વેક્ષણ અનુસાર, રાજ્યના 64 ટકા બાળકોને વધતા-ઓછા અંશે મોબાઈલ ફોનની લત છે. સર્વે પૈકીના 76 ટકા ગ્રામ્ય બાળકો મોબાઈલ ઉપર ગેમ રમે છે, 63 ટકાને કોઈપણ ભોગે મોબાઈલ જોઈએ છે, 81 ટકા બાળકો મોબાઈલ ફોન જોતાં-જોતાં જ ખાવાની આદત છે, 85 ટકા બાળકો શારીરિક ગેમ કરતાં મોબાઈલ ગેમ પસંદ કરે છે. તો 66 ટકા માતા-પિતા થોડો સમય મુક્તિ મેળવવા બાળકને મોબાઈલ પકડાવી દે છે.