'ખાટકીઓના પગ ધ્રૂજવા જોઈએ, ગુજરાત છોડી ભાગ જાય...' ગૌહત્યારાઓને ગૃહમંત્રીનો પડકાર
ખાટકીઓના પગ ધ્રૂજવા જોઈએ અને આ ખાટકીઓ ગુજરાત છોડીને ભાગી જાય ને એ પ્રકારની પરિસ્થિતી આપણે ઉભી કરવાની છે. ગૌ માતાની હત્યા આપણા રાજયની અંદર કયારે થાય નહીં ને એ પ્રકારની દબંગાઈ તો પોલીસની હોવી જ જોઈએ તેવું ભુજ ખાતે કચ્છ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આયોજિત લોકાર્પણના કાર્યક્રમમાં ગૃહ રાજયમંત્રીએ હર્ષ સંઘવીએ ગૌ- હત્યારાઓને પડકાર ફેંકયો હતો. ખાટકીઓ કલાકોમાં ભાગી જાય તે માટે પોલીસ સ્ટેશનો દ્વારા એક પછી એક કોમ્બીંગ કરવી પડે ને રેડ કરવી પડે. કડક પગલાં ભરજો પણ આ લોકોને છોડતા નહીં. ગૌ- હત્યારાને છોડવો એ પણ એક પાપ છે તેમ ખુલ્લા સ્ટેજ પરથી ગૃહમંત્રીએ પોલીસને ગંભીરતાથી કામ લેવા કહ્યું હતું.
ભુજ ખાતે કચ્છ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રીએ ગુજરાત પોલીસ હાઉસિંગ બાર્ડ દ્વારા ભુજ ખાતે નવ નિર્મિત રૂ.19 કરોડના 144 મકાનોનું લોકાર્પણ કર્યુ હતું. ઉપરાંત,ગૃહ રાજ્યમંત્રીએ કચ્છ જિલ્લા એસઆરપી ગ્રૂપ -16 ભચાઉ ખાતેના કક્ષા-બીના ૭૨ આવાસો તથા ગાગોદર પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ તેમજ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા સંચાલિત શિણાય ગૌશાળા તથા અંજાર એસ.ટી. ડેપો વર્કશોપનું ઇ- ખાતમુહૂર્ત કર્યું હતું. ગૃહરાજ્યમંત્રીએ રાજ્યમાં પ્રથમવાર ગાયના જતન માટે કચ્છ પોલીસે ગૌ-શાળાનું નિર્માણ કરવાનું બીડું ઝડપતા અભિનંદન પાઠવ્યા હતા.
આ તકે પ્રસંશનીય કામગીરી કરનાર પોલીસ જવાનોનું ગૃહરાજ્યમંત્રીના હસ્તે પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. પીએમ સ્વનિધી યોજના હેઠળ લાભાર્થીઓને ચેકનું વિતરણ તથા 'તેરા તુજ કો અર્પણ' અભિયાન હેઠળ ૪૦ લાખના લૂંટ કેસમાં કબ્જે કરાયેલી મુદામાલની રકમ ભોગ બનનારને ગૃહરાજ્યમંત્રીના હસ્તે સુપ્રત કરાઇ હતી. સ્વાગત પ્રવચન કરતા બોર્ડર રેન્જ આઇજીપી ચિરાગ કોરડિયાએ ઇ-લોકાર્પણ તથા ઇ-ખાતમૂહર્ત તથા ગુરૂ-જન-સેતુ અભિયાનની રૂપરેખા આપી હતી.